Abtak Media Google News

દેશની આન-બાન-શાન સમાન લાલ કિલ્લો કે જ્યાંથી ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭,ભારત સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું ત્યારે પ્રથમવાર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા, લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

આજ દિન સુધી, આ દિવસે,ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે. ત્યારે આ મહિલા(બેગમ) દ્વારા લાલ કિલ્લાનો કબ્જો મેળવવા કોર્ટમાં અરજી કરી છે.

દિલ્હીનો લાલ કિલ્લો મારો છે મને પાછો આપો ? આખરે માલિકી માટે કોર્ટમાં પહોંચેલી આ મહિલા કોણ છે?

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મહિલાએ પોતાને લાલ કિલ્લાની કાયદેસરની વારસદાર હોવાનો દાવો કરીને લાલ કિલ્લાની માલિકી તેને સોંપવાની વિનંતી કરી હતી. પોતાની અરજીમાં મહિલાએ કહ્યું હતું કે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લાલ કિલ્લા પર ગેરકાયદેસર રીતે કબજો મેળવ્યો છે અને તેને તેની માલિકી આપવી જોઈએ. તેણીએ પોતાને બહાદુર શાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદર બખ્તની વિધવા ગણાવી હતી.

લાલ કિલ્લો કોનો હતો તેનો ઇતિહાસ અને હાલ શા માટે કબ્જા હેઠળ છે.

લાલ કિલ્લો અને ‘શાહજહાંનાબાદ’ શહેર, સને ૧૬૩૯ માં,મુઘલ શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ હતો. લાલ કિલ્લો મૂળ તો “કિલ્લા-એ-મુબારક”,”સુખનો કિલ્લો” તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા ‘સલિમગઢ કિલ્લા’ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ. મધ્યકાલિન શહેર શાહજહાંનાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમહેલ હતું. લાલકિલ્લાનું આયોજન અને ‘સૌંદર્ય શાસ્ત્ર’ મુઘલ રચનાત્મક્તાનાં શીરોબિંદુ સમાન છે, કે જે શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન વિકસી હતી. શાહજહાંએ આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કે વિકાસ કરાયા છે. વિકાસનો મહત્વપૂર્ણ તબક્કો ઔરંગઝેબ અને તેના પછીના શાસકોના સમયમાં આવેલો.

Bahadur Shah Ii Of India 1

બહાદુરશાહ ઝફર, છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ. મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો, ૧૮૫૭ માં, અંગ્રેજો સામેનાં સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા પછી, બહાદુર શાહ ઝફરે આ કિલ્લો ૧૭ સપ્ટેમ્બરનાં છોડી દીધો. તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે આવ્યા. ઝફર પર જાન્યુઆરી ૧૮૫૮માં મુકદમો ચાલ્યો અને ઓક્ટોબર ૭નાં તેમને દેશનિકાલની સજા કરાઇ. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી, બ્રિટિશ શાસનનાં સમયમાં, આ આખી જગ્યાની રચનામાં મહત્વના ભૌતિક ફેરફારો કરવામાં આવેલ. સ્વતંત્રતા પછી,આ સ્થળે બહુ ઓછા માળખાગત ફેરફારો કરવામા આવેલ છે. બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો, આઝાદી પછી પણ, છેક ઇ.સ. ૨૦૦૩ સુધી, આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો. હાલ ભારત સરકાર દ્વારા આ કિલ્લાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવેલ છે

હાઈકોર્ટે કહ્યું- 150 વર્ષનો વિલંબ કેમ થયો? તમે આટલા વર્ષોથી શું કરી રહ્યા હતા?

દિલ્હી હાઈકોર્ટે ભારત સરકાર પાસેથી લાલ કિલ્લાનો કબજો પરત કરવાની માંગ કરતી આ મહિલાની અરજીને ફગાવી દીધી હતી. અરજદારનું નામ સુલતાના બેગમ છે અને તે મુઘલ શાસક બહાદુર શાહ ઝફરના પૌત્રની વિધવા હોવાનો દાવો કરી રહી છે. અરજદારના કહેવા પ્રમાણે, 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુઘલ શાસકને બળજબરીથી લાલ કિલ્લામાંથી બહાર કાઢીને કબજો કરી લીધો હતો અને હવે ભારત સરકાર તેના પૂર્વજોની સંપત્તિ પર કબજો જમાવી બેઠી છે.

જસ્ટિસ રેખા પલ્લીની ખંડપીઠે સુલતાના બેગમની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે તે ખૂબ જ મોડેથી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે અરજદારને કહ્યું કે કમનસીબે તમે કેસ કર્યા વગર જ અરજી દાખલ કરી. તમારા મતે, આ બધું 1857 થી 1947 ની વચ્ચે થયું હતું. તમારી સમસ્યા શું છે તે તમે પિટિશનમાં પણ જણાવ્યું નથી. કોર્ટે અવલોકન કર્યું કે અરજદાર એક અભણ મહિલા છે, પરંતુ શા માટે તેના પૂર્વજોએ તે જ સમયે અથવા ત્યારપછી ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે કોઈ પગલાં લીધા ન હતા.

બ્રિટિશ ઇન્સ્ટ ઇન્ડિયા કંપનીએ કબજે કરી લીધું હતું

એડવોકેટ વિવેક મોર મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં બેગમે કહ્યું હતું કે 1857માં બ્રિટિશ ઈન્સ્ટ ઈન્ડિયા કંપનીએ દિલ્હીના બાદશાહ બહાદુર શાહ ઝફર દ્વિતીય પાસેથી તેમની ગાદી છીનવીને તેમની તમામ મિલકતો છીનવી લીધી હતી. દાવો કર્યો કે અંગ્રેજોએ ઝફરને રાજદ્રોહના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ તેને અહીંથી દેશનિકાલ કર્યો અને તેને તેના પરિવાર સાથે રંગૂન મ્યાનમાર મોકલી દીધો. ત્યાં તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. 1862માં ઝફરનું અવસાન થયું. તે સમયે તેમની ઉંમર 82 વર્ષની હતી.

સરકાર દ્વારા આપવામાં આવેલ પેન્શન

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે 1947માં ભારત આઝાદ થયું અને અહીંની સત્તા ભારત સરકાર પાસે આવી તો તેણે 1960માં ઝફરના પૌત્ર બેદર બખ્તને પોતાના ઉત્તરાધિકારી માનીને પેન્શન રુ.400 આપવાનું શરૂ કર્યું. બખ્તને પોતાનો પતિ ગણાવતા બેગમે અરજીમાં કહ્યું હતું કે તેમના પતિના અવસાન બાદ તેમને પેન્શન આપવામાં આવ્યું હતું જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાસિંગદેવીએ રુ.6000નો વધારો કર્યો હતો છતાં પણ આ એટલું ઓછું છે કે તેમાંથી જીવવું પણ મુશ્કેલ છે.

અરજદારે એમ પણ કહ્યું કે હવે ભારત સરકાર તેની પૈતૃક સંપત્તિ પર ગેરકાયદે કબજો જમાવીને બેઠી છે. આ તથ્યોના આધારે, અરજદારે કોર્ટ પાસે માંગ કરી હતી કે ભારત સરકારને લાલ કિલ્લાનો કબજો પાછો આપવા અથવા તેના બદલામાં યોગ્ય વળતર મેળવવાનો નિર્દેશ આપવામાં આવે. બીજી માંગ એ હતી કે 1857થી અત્યાર સુધી લાલ કિલ્લા પર ગેરકાયદે કબજો જમાવવા બદલ યોગ્ય વળતર પણ મળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.