Abtak Media Google News
  • ગુજરાતમાં હાલ કોંગ્રેસ પાસે નથી સંગઠન માળખું કે નથી કાર્યકર્તાઓ કે આગેવાનોની ફોજ, કાવડિયાનો પણ કકળાટ, ચૂંટણી જંગમાં મતદારોને આકર્ષી શકાય તેવા કોઇ સચોટ મુદ્દાઓ પણ નથી
  • સતત જનાધાર ગુમાવી રહેલી કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડી હવે દિગ્ગજ નેતાઓ રાજકીય આબરૂ અને નાણાનું ઘોવાણ કરવા માંગતા નથી
  • દિગ્ગજને ચુંટણી લડવી નથી અને પક્ષ જેના પર પસંદગીનું કળશ ઢોળે તેને સ્વીકારવા પણ નથી તેવો ઘાટ

ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી સમખાવા પુરતી એક પણ બેઠક જીતી ન શકનાર કોંગ્રેસની હાલત આ વખતે થોડી વધુ નાજુક દેખાય રહી છે.  સામાન્ય રીતે કોઇપણ રાજકીય પક્ષમાં દિગ્ગજો ચુંટણીની ટિકીટ મેળવવા માટે પ્રથમ હરોળમાં ગોઠવાય જતા હોય છે. કાર્યકરોનો વારો પણ આવવા દેતા હોતા નથી. આ વખતે ગુજરાતમાં ખાસ કરીને કોંગ્રેસમાં એક અલગ જ સિનારિયો જોવા મળી રહ્યો છે. દિગ્ગજો લોકસભાની ચુંટણી લડવા સતત નનૈયો કરી રહ્યા છે. જો કે આ ઘટના પાછળ એક નહી અનેક કારણો છે.

માત્ર ગુજરાત જ નહી દેશભરમાં સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ કોમામાં ગરકાવ થઇ ગઇ છે. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. જે પૈકી ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. હવે વિધાનસભામાં કોંગ્રેસની સભ્ય સંખ્યા માત્ર 13 રહેવા પામી છે.

ચુંટણી લોકસભાની હોય કે વિધાનસભાની કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષારભાઇ ચૌધરી, હિંમતસિંહ પટેલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, શૈલેષભાઇ પરમાર સહીતના કેટલાક નેતાના નામો ચર્ચામાં રહેલા હોય છે. આ વખતે આ તમામ દિગ્ગજોએ લોકસભાની ચુંટણી નહી લડવાનો નિર્ણય લીધો છે. જેના માટે એક નહી અનેક કારણો જવાબદાર હોવાનું મનાય રહ્યું છે.

હાલ ગુજરાતમાં કોંગ્રેસ પાસે સંગઠનના નામે શૂન્ય છે. પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકિત થયાના મહિનાઓ પછી પણ શકિતસિંહ ગોહિલ પ્રદેશનું સંગઠન માળખુ જાહેર કરી શકયા નથી. ઉમેદવાર સાથે ચુંટણી પ્રચારમાં સાથે રહે તે તેટલા કાર્યકરો કે આગેવાનો હાલ કોંગ્રેસ પાસ નથી. કોઇપણ રાજકીય પક્ષની સફળતાનો આધાર તેની સંગઠન શકિત પર આધાર રાખતી હોય છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે સંગઠન માળખુ જ નથી આટલું જ નહી જેટલા કાર્યકરો, આગેવાનો કે નેતા પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે.

તેઓને પણ કોંગ્રેસ સાચવી શકતી નથી. બીજો મહત્વનું કારણએ પણ મનાય રહ્યું છે કે હાલ લોકસભાની ચુંટણીમાં મતદારોને પોતાની તરફ આકર્ષીત કરી શકાય તેવો એક પણ મુદ્દો ગુજરાતમાં કોંગ્રેસ પાસે નથી. બીજી તરફ પક્ષના રાષ્ટ્રીય નેતાઓના આડેધડ નિવેદનોથી ભાજપનો રોજે-રોજ નવા મુદ્દાઓ મળી રહે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે ખુદ એવું કહી રહ્યા છે કે અમારી પાસે ચુંટણી લડવાના પૈસા નથી. આવામાં ઉમેદવારોએ ચુંટણીનો તમામ ખર્ચ પોતાના ગજવામાંથી કરવોડ પડે પક્ષ દ્વારા કોઇ આર્થિક મદદ કરવામાં આવે તેવી શકયતા પર જ પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.

જે દિગ્ગજો ચુંટણી લડવા માટે નનૈયો કરી રહ્યા છે. તેઓ અગાઉ લોકસભા અને વિધાનસભાની ચુંટણી હારી ચૂકયા છે. જો હવે તેઓ ચુંટણી લડે અને પરાજય થાય તો તેઓની રાજકીય કારર્કીદી પરર પૂર્ણ વિરામ મુકાય જાય તેવી દહેશત પણ અંદરખાને સતાવી રહી છે. ભવિષ્યમાં જયારે કોંગ્રેસ તરફી વાતાવરણ સર્જાય ત્યારે જો આ દિગ્ગજો ટિકીટની માંગણી કરે ત્યારે અન્ય દાવેદારો તેઓના પરાજયની પોથી હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી શકે છે.

વર્તમાન સંજોગો અને રાજકીય ભવિષ્યને ઘ્યાનમાં રાખી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ લોકસભાની ચુંટણી લડવાથી દુરભાગી રહ્યા છે. કોંગ્રેસ પાસે હાલ ચુંટણી લડવા માટે કોઇ મુદ્દો નથી સાથે સાથ પ્રજાની વચ્ચે ઉતારી શકાય તેવા મુદ્દાઓ પણ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.