Abtak Media Google News

રાજ્યમાં 15 થી 49 વર્ષની 65% સ્ત્રીઓમાં લોહીની ઘટ: એક સર્વે રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતની મહિલાઓમાં રક્તકણ અને હિમોગ્લોબીનનું પ્રમાણ દેશની સરખામણીએ વધુ ઓછું હોવાનો એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરમાં સંસદના લોકસભા સત્રમાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા સર્વે રિપોર્ટમાં દેશમાં અડધાથી વધુ એટલે કે 57 ટકા મહિલાઓ એનિમિયા એટલે કે પાંડુરોગથી પીડાતી હોવાનો ખુલાસો થયો છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 65 ટકા સ્ત્રીઓમાં લોહીની ઘટ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ સર્વેમાં 15 થી 49 વર્ષની વયની મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટા અનુસાર વર્ષ 2015-16ના એનએફએચ એસ-4 સર્વેમાં આ ટકાવારી 54.9 ટકા હતી. જે 2019-21ના એનએફએચ એસ-5 સર્વેમાં વધીને 65 ટકા થઇ ગઇ હતી. જે દેશમાં સૌથી વધુ પાંડુરોગ પીડિત મહિલાઓ ગુજરાતમાં હોવાનું સૂચવે છે. એનિમિયા એક પ્રકારનો રક્ત વિકાર છે. એનિમિયા થવાનું સૌથી મોટું કારણ શરીરમાં આયરનની અછત હોવું છે. જેમ-જેમ શરીરમાં રક્તકણ ઘટવા લાગે છે. તેમ તેમ શરીરને જરૂરી ડાયટ મળતું નથી. પરીણામે લોહીની ઘટ ઊભી થાય છે. જેના લીધે મહિલાઓ તમામ પ્રકારની શારીરિક તકલીફો સામે ઝઝૂમતી રહે છે.

લોકસભામાં એક લેખિત પ્રશ્ર્નનો જવાબ આપતી વખતે કેન્દ્ર સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં એનએફએચએસ-4 સર્વે અનુસાર દેશમાં 53.1 ટકા મહિલાઓ એનીમિયાગ્રસ્ત હતી. જે વધીને એનએફએચએસ-5 સર્વેમાં 57 ટકા થઇ હતી. એકદંરે આંકડા પરથી એ જ સાબિત થાય છે કે દેશની મહિલાઓમાં પાંડુરોગથી પીડાવાનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. સરકારે વર્ષ-2018માં સ્ત્રીઓમાં લોહીની ઘટને અટકાવવા માટે એનિમિયા મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું હતું. જે અનુસાર જીવનશૈલીના અભિગમ સાથે મહિલાઓ, બાળકો અને તરૂણોમાં ઘટતા રક્તકણના પ્રમાણને અટકાવવાનો ધ્યેય હતો.

લોકસભામાં સરકારે ચિંતાજનક સર્વે રિપોર્ટ રજૂ કર્યાની સાથે સાથે આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કેટલાક પગલા લેવા અંગે નિવેદન પણ આપ્યું હતું. આ સંદર્ભે સરકારે ઘડેલી યોજના અનુસાર છ પ્રકારના વય જૂથ પાડવામાં આવશે તેમજ તે તમામ પર છ વિષયને ધ્યાને લઇને દેખરેખ રાખવામાં આવશે. જેમાં આયરન ફોલિક એસિડ સંબંધિત દવાઓ લેવા પર ભાર મૂકવામાં આવશે. તેમજ બાળકોને પેટમાં કૃમિ મુદ્ે, સામાજિક વ્યવહારમાં પરિવર્તન જેવા મુદ્ાઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવાશે. આ રીતે છ વય જૂથમાં બાળકો, તરૂણો, મહિલાઓ અને પુખ્તોને વહેંચી દેવાશે અને રક્તકણનું પ્રમાણ ઘટવાની સમસ્યાનું નિવારણ લાવવા સરકાર યોગ્ય પગલા લેવાની વેતરણમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.