Abtak Media Google News

દેશમાં 57 ટકા અને રાજયમાં 65 ટકા સ્ત્રીઓ પાંડુરોગથી પીડિત: લોકસભામાં રજુ થયેલા સર્વે રિપોર્ટના ચોંકાવનારા  તથ્યો

મહિલાઓમાં ઓછા હિમોગ્લોબીન માટે ગુજરાતી સમાજ વ્યવસ્થા, રસોઇ પઘ્ધતિ, પોષણયુકત આહારનો અભાવ કારણભૂત: ડો. જીજ્ઞાબેન ગણાત્રા

સમાજ વ્યવસ્થાનો પાયો જ સ્ત્રી છે. જો સમાજને સ્વસ્થ રાખવો હોય તો શરૂઆત ઘરથી જ કરવી પડે અને જો ઘરની નારી-ગૃહિણી સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો જ સમાજનું તંદુરસ્ત ઘડતર થશે. પરંતુ તાજેતરમાં એક રિપોર્ટ અનુસાર ગુજરાતની મહિલાઓમાં રકતકણ અને હિમોગ્લોબીનનું પ્રમાણ દેશની સરેરાશ ટકાવારીની સરખામણીએ વધું ઓછું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Advertisement

તાજેતરમાં સંસદના લોકસભા સત્રમાં કેન્દ્ર સરકારે રજુ કરેલા સર્વે રિપોર્ટમાં દેશમાં અડધાથી વધુ એટલે કે 57 ટકા મહિલાઓ એનીમિયા એટલે કે પાંડુરોગથી પીડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વધુ ચોંકાવનારું સત્ય એ બહાર આવ્યું છે. કે ગુજરાતમાં સૌથી વધુ 65 ટકા સ્ત્રીઓમાં લોહીના ટકા ઓછા છે. આ સર્વેમાં 1પ થી 49 વર્ષની વયની મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આંકડા પરથી સ્વાભાવિક પ્રશ્ર્ન ઉઠયો કે શા માટે ગુજરાતમાં જ લોહીના ટકા ઓછા હોવાનું પ્રમાણ વધુ છે. શું આપણી ખાણી-પીણી, રહેણી-કરણી અને જીવનશૈલી આની પાછળનું મોટું કારણ છે? આ અને અન્ય પ્રશ્ર્નોના જવાબ શોધવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પ્રેકટિસ કરતા ગાયનેકોલોજીસ્ટ ડો. જીજ્ઞાબેન ગણાત્રા સાથે આ વિષય પર વાત કરતા જાણવા મળ્યું કે,  સર્વેનો આંકડો ચિંતાજનક છે. લોહીના ટકા ઓછા હોવા ખાસ કરીને મહિલાઓમાં તે રિસ્ક ફેકટર છે. શરીરમાં હિમોગ્લોબીનની ખામી હોવાને એનીમિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે હિમોગ્લોબીન 12 હોવું જોઇએ. જો આ ટકાવારી ઘટે તો લોહીના ટકા ઓછા જોવા મળે છે. તેઓ ગુજરાતની મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ વધુ હોવા પાછળ ગુજરાતી જીવનશૈલીને કારણ ભૂત ગણાવે છે.

આપણી સમાજ વ્યવસ્થા પ્રમાણે ગૃહિણીઓ આખો દિવસ ઘરકામ કરતી હોય છતાં ઘરના સભ્યોના જમ્યા બાદ વધેલું ખાતી હોય છે. જે પૂરતું હોતું નથી. તેમ જ સમયસર અને આયરન, પોષક તત્વો મળી રહે તે પ્રકારનો ખોરાક લેવાતો ન હોવાથી આ સમસ્યા સર્જાય છે. તેમજ પોષણ આહારના તત્વો પચાવવા માટે ફિઝિકલ એકિટવિટી જરુરી છે, જે ન થતાં પણ તકલીફ ઉભી થાય છે. ઉપરાંત મેનોપોઝના તબકકા વખતે પણ મહિલાઓ ખાસ ઘ્યાન ન રાખે તો લોહીની ટકાવારી પર અસર જોવા મળે છે.

તેમજ મુગ્ધાવસ્થા એટલે કે 1ર થી 17 વર્ષના તરૂણોમાં જમાના મુજબ જાંકફુડ ખાવાનું ચલણ વધું છે. જે શરીરને પૂરતી માત્રામાં પોષક તત્વો પૂરા પાડતા ન હોવાથી લોહીના ટકા ઘટે છે. માસિક ધર્મ દરમિયાન હિમોગ્લોબીન લોસ થતું હોય છે. આવા સમયે ખાસ તકેદારી ન લેવાતા પાડુંરોગ થવાની શકયતા વધે છે. તેમજ લીવર ડિસીઝ, લોહીની બિમારી કે અન્ય ગંભીર બિમારીઓને લીધે લોહીના ટકા ઓછા રહેતા હોય છે. તેઓ આગળ વાત કરવા જણાવે છે કે, આપણા ગુજરાતીઓની રસોઇ પઘ્ધતિ પણ ઘણે અંશે જવાબદાર છે.

વધારે પરંતુ તેલ, મરચું વગેરે રોજીંદા ભોજનમાં લેવાથ અને શાકને વધુ પડતું બાફવાથી પોષક તત્વો મરી જાય છે. પરિણામે શરીરને જરુરી ન્યુટ્રીશન મળતું નથી. જીભને ભાવે એ ફાયદાકારક જ હોય તે જરૂરી નથી. રસોઇ પઘ્ધતિ સુધારવાની પણ જરૂર છે.

લોહીના ટકા ઓછા હોવાની સમસ્યા દૂર કરવા અથવા તેનાથી બચવા માટે સમયસર અને પોષાણયુકત આહાર લેવો જોઇએ. ખાસ કરીને લીલા શાકભાજી, ખજુર, ગોળ, પાલક, બીટનું સેવન કરવું. જેનાથી હિમોગ્લોબીન વધે છે. બોઇલ કરેલા પાલક, બીટ જેવા શાકભાજી લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. તેમ જ મહિલાઓએ  વોકિંગ, એકસરસાઇઝ અને યોગા જેવી શારીરિક પ્રવૃતિ કરવી જોઇએ. તેમજ સમયાંતરે લોહીના ટકાની તપાસ કરાવતા રહેવું જોઇએ. જો બાળકો અને તરૂણાવસ્થાની વાત કરીએ તો બાળકોને બાળપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવું જોઇએ. પોષણયુકત આહાર વિશેની સમજ કેવળી તેનું યોગ્ય અનુસરણ કરાવવું જોઇએ. તેમજ તરૂણીઓને માસિક ધર્મ વિશેની ઊંડી સમજ આપવાથી પણ આ વકરી રહેલી સમસ્યાથી રાહત મળી શકે છે. મહિલાઓએ ખાસ આરોગ્ય બાબતે જાગૃત થવાની જરૂર છે. ઘણીવાર થેલેસિમિયા માઇનર મહિલાને હિમોગ્લોબીન ઓછું હોવાથી અનેક તકલીફો વેઠવી પડતી હોય છે. ઘણાને તો જીવન ભર ખ્યાલ નથી આવતો ક પોતે થેલેસેમીયા માઇનર છે.

લોહીના ટકા ઓછા હોય તેને થાક લાગવો, ઊંઘ આવવી, ઘ્યાન કેન્દ્રીય ન થવું  જેવી તકલીફો થતી હોય છે. તેમજ રોગ પ્રતિકારક શકિત ક્ષીણ થઇ જાય છે. પરિણામે અનેક બિમારીઓને આમંત્રણ મળે છે. જો પોષક આહાર લીધા બાદ પણ એનીમીયા રહે તો તે માટે આયરનની દવા ઉપલબ્ધ છે. તેમ છતાંય ઘટ વર્તાય તો ઇન્જેકશનનો કોર્ષ કરવો હિતાવહ છે. અંતે ગાયનેકોલોજીસ્ટ ડો. જીજ્ઞાબેન ગણાત્રા કહે છે કે, ‘પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન કયોર’ તકલીફો  ઊભી થવા જ ન દેવી જોઇએ. સ્ત્રીઓ પોતાના પર ઘ્યાન આપતી થઇ જાય તો રકતકણ અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાની જે ચિંતાજનક સમસ્યા છે. તેનું નિવારણ મળી જશે.

ગર્ભાવસ્થા દરમિયાન એનીમિયા હોવો અત્યંત જોખમી

ગર્ભાવસ્થા દરમિયાન લોહીના ટકા વધુ ઘટે છે. જો અગાઉથી જ સ્ત્રી એનીમિયા ગ્રસ્ત હોય તો જોખમ વધી જાય છે. ગર્ભાધાન સમયે લોહીના ટકા ઓછા હોય તો બાળકનું વજન ઓછું અને પોષક તત્વોની ખામી સર્જાય છે. તેમ જ પ્રિયર્મ ડિલીવરીની સંભાવના વધી જાય છે. તેમ જ બાળકની આજુબાજુ પાણી ઓછું થઇ જાય છે. આ પરથી એવું સાબિત થાય છે કે નોર્મલ ડિલીવરી કરવા સીઝેરીયનનું પ્રમાણ વધવાનું એક મોટું કારણ મહિલામાં લોહીની ટકાવારી ઓછું હોવાનું પણ છે.

એનીમિયા વધવા પાછળ ખોરાકની ટેવ અને પસંદગી કારણભૂત: ન્યુટ્રીશીયન રીમા રાવ

ન્યુટ્રીશીયન રીમાબેન એનીમિયાનું પ્રમાણ વધવા માટે ખોરાકની ટેવ અને ખોરાકની પસંદગી જવાબદાર હોવાનું કહે છે. વિટામીન-સી વાળા ખાદ્યો, દાળ, કઠોળ, ફળ, લીલા શાકભાજી ભોજનમાં પૂરતા પ્રમાણમાં ન લેવાતા હોવાથી આ સમસ્યા ઉભી થાય છે. આયરનની ઉણપથી એનિમિયા થાય છે.

જયારે આયરન ઇમ્યુન સિસ્ટમનો મહત્વનો ભાગ છે. તેમજ આપણા સમાજમાં હેલ્થ કેરનો અભાવ હોવાથી પ્રારંભિક તબકકામાં લોહીની ઘટ હોવાનો ખ્યાલ આવતો નથી અને જાણ થાય ત્યારે ગંભીર રૂપ ધારણ કરી લીધું હોય છે. લોહીના ટકા ઓછા થવાથી શારીરિક સાથે માનસિક તંદુરસ્તીને પણ અસર પહોંચે છે.

એનિમિયાને નિવારવાના ઉપાય તરીકે જુદા જુદા આહાર જેવા કે અનાજ- ધાન્યો અને મિલેટસ એટલે કે બાજરો, જુવાર, રાગી, કોદરી, સામો વગેરેનું ભોજનમાં સમાવેશ કરવો જોઇએ. સાથે સાથે ફળ, લીલા પાંદરાવાળા શાકભાજી, ડાયેટરી ડાયર્વસીટીફિકેશનવાળો આહાર લેવો જોઇએ. તેમજ આયરન, ઝીંક, ફોલિક એસીડ અને આયોડીન સપ્લીમેન્ટેશન સરકાર દ્વારા આપવામાં આવે છે જેનો લાભ લેવો હિતકારી સાબિત થશે.

માસિક ધર્મ અને ગર્ભાવસ્થા જેવા તબકકાઓમાંથી પસાર થતી હોવાથી સ્ત્રીઓમાં લોહીની ટકાવારી ઓછી જોવા મળે છે: ડો. નિસર્ગ ઠકકર

હિમેટોલોજીસ્ટ ડો. નિસર્ગ ઠકકર મહિલાઓમાં લોહીના ટકા ઓછા હોછા પાછળ સ્ત્રીઓ જીવનકાળ દરમિયાન માસિક ધર્મ અને ગર્ભાવસ્થા જેવા અલગ અલગ તબકકાઓમાંથી પસાર થતી હોવાનું જણાવે છે. શરીરમાં લોહતત્વ એટલે કે આયરન ઘટવાથી હિમોગ્લોબીન ઘટે છે. શરીરમાં ઓકિસજન પહોચાડવાનું કામ હિમોગ્લોબીન કરે છે. મોટાભાગની સ્ત્રીઓમાં આયરન ઓછું થવું મુખ્ય કારણ તરીકે ઉભરી આવ્યું છે. મહિલાઓમાં 1ર થી 14 ટકા હિમોગ્લોબીનનું પ્રમાણ હોવું સામાન્ય છે.

10 ટકા માઇલ્ડની શ્રેણીમાં આવે છે. જયારે 10 થી 7 વચ્ચેની ટકાવારી મોડરેટ ગણાય છે. અને 7 થી નીચે હોય તો સીવીયર એટલે કે ગંભીર શ્રેણીમાં આવે છે. તેઓ જણાવે છે કે ડાયેટમાં પાલક, બીટ, ગાજર, ખજુર, ગોળ, સીંગદાણા લેવાથી રૂટીન આયરન જળવાઇ રહે છે. આ ખાદ્યોમાંથી સારી માત્રામાં લોહતત્વ મળી રહે છે. જો આયરનની વધુ ઘટ હોય તો ટેબ્લેટ એ બેસ્ટ થેરાપી છે. સ્ત્રીઓમાં 13 થી 14 વર્ષની ઉમરથી માસિક શરુ થવાથી અને ત્યારબાદ ગર્ભાવસ્થાના તબકકામાં લોહતત્વની જરુરીયાત સામાન્ય કરતા વધુ ઉભી થતી હોય છે. જો આ તબકકે યોગ્ય કાળજી ન લેવાય તો અનેક સમસ્યાઓ ઉદભવે છે. જયારે 13 થી નાની વયના બાળકોમાં લોહતત્વ યુકત ખોરાકનું સેવન થતું ન હોવાથી લોહીના ટકા ઘટે છે.

મોટાભાગે મહિલાઓ માસિક ધર્મની સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરતી હોવાથી હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટે છે. સ્ત્રીઓ ઘરના કામકાજ અને બાળકોના ઉછેરમાં એટલે વ્યસ્ત હોય છે કે નાની-નાની સમસ્યાઓ ઘ્યાને લેતી નથી. પરિણામે નાની તકલીફ આગળ જતાં ગંભીર રૂપ ધારણ કરી લે છે. એનીમિયાના નિવારણ માટે મહિલાઓ  જેટલો પરિવારને સમય આપે છે એટલો જ પોતાના માટે કાઢવાની જરુરી છે. નાની-મોટી તકલીફોની અવગણના ન કરવી અને ડોકટરની નિયમિત સલાહ લેવી. માથુ દુ:ખવું , થાક લાગવો, ચકકર આવવા, પગ દુ:ખાવા અને શ્ર્વાસ ચઢવો જેવા લક્ષણોને નજર અંદાજ ન કરવા અને યોગ્ય સારવાર લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.