સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જુથવાદ નડી જશે?

પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયાના અઘ્યક્ષ સ્થાને સિરોઇમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય સાબરીયા પર વરસ્યો ફરિયાદનો ધોધ

સ્થાનીક સ્વરાજયની ચુંટણીના પડધમ વાગી ગયા હોય તેમ ભાજપ, કોંગ્રેસ બન્ને ચુંટણી તૈયારીમાં લાગી ગયા છે. જો કે ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં જૂથબંધી અત્યારથી જ દેખાઇ રહી છે. ગઇકાલે જસદણ કોંગ્રેસમાં પણ ભંગાણ થતા બે આગેવાનોએ રાજીનામા આપ્યા હતા. જસદણ કોંગ્રેસ પાટીદાર નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણી ત્યારબાદ જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઇ રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજીબાજુ હળવદ ભાજપમાં ઘણા સમયથી ધારાસભ્ય સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા એમ બે જુથ પડી ગયા છે. આ બન્ને જુથો જાહેરમાં એકબીજાના ટાંટીયા ખેંચ કરવામાં કોઇ કસર છોડતા નથી. ત્યારે હળવદમા સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ગ્રુપીઝમ નડી જશે?

આ દરમ્યાન આગામી સ્થાનિક.સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાને લઈને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાના અને પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા ના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં હળવદ સિરોઇ ગામે કોળી સમાજ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં આગેવાનો દ્વારા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા પર સીધું જ નિશાન તકાયુ હોવાનું જાણવા મળ્યું છે સાથેજ આ બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ ધારાસભ્ય તેમના સમાજના હોવા છતાં સમાજના કોઈ કામો કરતા ન હોવાનો બળાપો ઠાલવ્યો છે

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે.જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની.પણ નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજવાની શકયતા હોવાથી હળવદમાં ભાજપે અત્યારથી ચૂંટણીઓની તૈયારી કરી લીધી છે.ખાસ કરીને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાએ હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને બહુમતી મળે તે માટે જ્ઞાતિવાઇઝ મીટીંગોનો દૌર શરૂ કર્યો છે.જેમાં તાજેતરમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાના અધ્યક્ષ સ્થાને સિરોઇ ગામે કોળી સમાજ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હળવદ તાલુકાના કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ તાલુકાના કોળી સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય પરસોતમ સાબરીયા પ્રત્યે ખુલીને નારાજગી પ્રગટ કરી હતી.

હળવદ તાલુકાના કોળી સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય પરસોતમ સાબરીયા સામે બંડ પોકારીને કહ્યું હતું કે ,આ ધારાસભ્ય  સમાજના જ હોવા છતાં સમાજના કામે આવતા નથી. ધારાસભ્ય  સમાજના કોઈ કામો કરતા જ હોવાનો આક્ષેપ કર્યો હતો.આથી કોળી સમાજ રાજકીય રીતે ઘણીધોરી વગરનો થઈ ગયો હોવાનો પણ સુર વ્યક્ત કર્યો હતો.સાથેસાથે પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાની.પડખે રહીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મા કોળી સમાજના અગ્રણીઓએ ટિકિટની માગણી કરવામાં આવનાર હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ધારાસભ્ય પરસોતમ સાબરીયાને તેમના જ સમાજના આગેવાનો તરફથી નરાજગી મળી છે.જો કે ,તેમના સમાજના આગેવાનો હરીફ જૂથમાં ભળી જાય તો તેમની રાજકીય પ્રતિભાને નુકશાન પહોંચાડે એમ છે.અને તેમનું રાજકીય કદ પણ વેતરાઈ જવાની ભીતિ રહેલી છે.ત્યારે આ મુદ્દે આગામી સમયમાં નવા જુનીના એંધાણ વર્તાય રહ્યા છે.

આ બેઠકમાં કોળી સમાજના અગ્રણી ચંદુભાઈ સિહોરા, રૂપાભાઈ પંચાસરા,નવઘણભાઈ, ભરતભાઈ,વાલજીભાઈ,સોમાભાઈ,બાબુભાઈ, લાભુભાઈ, મેરા ભાઈ, રસિકભાઈ, નાગજીભાઈ, હરજીભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, હેમુભાઈ, પ્રભુભાઈ, ખોડાભાઈ, મનોજભાઈ, જીવણભાઈ, જગાભાઈ, ધીરુભાઈ, નવીનભાઈ, અવસર ભાઈ, રમેશભાઈ, ગોવિંદભાઈ સહિતના ૫૦ થી ૬૦ કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા