Abtak Media Google News

ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવા માંડયું છતાં લોકલ ફોર્મેશનનાં કારણે છુટાછવાયા વિસ્તારોમાં પડી રહેલો વરસાદ

રાજયમાં આ વર્ષે ૧૪૨ ટકા જેટલો રેકોર્ડબ્રેક વરસાદ વરસી ગયો હોવા છતાં હજુ મેઘરાજા વિરામ લેવાનાં મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. નૈઋત્યનાં ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે છતાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં લોકલ ફોર્મેશનનાં કારણે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે અને બપોરે આકરા તડકા પડતા હોવાનાં કારણે સાંજનાં સમયે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી જાય છે. દિવાળી સુધી વરસાદ ચાલુ રહેશે કે કેમ તેવા સવાલો પણ હવે લોકોનાં મનમાં ઘુમવા લાગ્યા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રનાં જુનાગઢ જિલ્લાનાં માળીયા હાટીનામાં બુધવારે સાંજે અડધા કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જયારે ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં પણ ૨ ઈંચ વરસાદ પડી જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે હવે એક સામાન્ય ઝાપટુ પડે તો પણ રાજમાર્ગો પર નદીઓ હાલવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. દાહોદનાં સંજેલીમાં પણ કાલે ૨ ઈંચ વરસાદ પડયો હતો. જયારે અમરેલીનાં ખાંભામાં પણ ૧ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. નૈઋત્યનાં ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે જોકે આ વિદાયનો પીરીયડ એક પખવાડીયા સુધી ચાલતો હોય છે. હાલ વાતાવરણમાં સામાન્ય કરતા વધુ ભેજ છે. બપોરનાં સમયે વધારે તડકો પડે છે જેનાં કારણે સાંજનાં સમયે વાદળો બંધાય છે અને લોકલ ફોર્મેશનનાં કારણે છુટાછવાયા વિસ્તારોમાં થોડીવાર માટે વરસાદ વરસી જાય છે. આગામી દિવસોમાં પણ આ રીતે સતત વરસાદ ચાલુ રહે તેવી શકયતા જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.