Abtak Media Google News

અભેદ્ય ગઢ સમી આ બેઠક પર ખોટા વિવાદ અને જુથવાદ ભાજપને કોઇ કાળે પાલવે તેમ નથી: કલ્પકભાઇ મણિયારને ચૂંટણી લડવા તૈયાર રહેવા ‘કાન’માં જાણ કરી હોવાની ચર્ચા: હાલ ચર્ચાતા નામોએ હથિયાર મ્યાન કર્યા

દાયકાઓથી ભાજપ માટે અડિખમ અને અભેદ્ય ગણાતી 69 રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર ભાજપ આ વખતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને કોને મેદાનમાં ઉતારશે તેના પર સૌરાષ્ટ સહિત રાજયભરના રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે. આ બેઠક માટે ભાજપના ટોપ મોસ્ટ સિનીયર નેતાઓના નામો હાલ ચર્ચામાં છે. દરમિયાન રાજકોટના વિકાસના સ્વપ્નદ્રષ્ટ, ભાજપના પાયાના પથ્થર સ્વ. અરવિંદભાઇ મણીયારના પુત્ર અને સહકારી અગ્રણી કલ્પકભાઇ મણીયાર કમળ માટે એકસ ફેકટર સાબિત થાય તેવી પ્રબળ સંભાવના જણાય છે. રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ચુંટણી લડવા માટે તૈયાર રહેતા કલ્પકભાઇને દિલ્હીથી સુચના આપી દેવામાં આવી હોવાનું પણ હાલ ચર્ચાય રહ્યું છે. બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી જે નામો ચર્ચામાં હતા તેઓએ પોતાના હથિયારો મ્યાન કરી દીધા છે.

Advertisement

69 રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક જનસંઘની સ્થાનાથી ભાજપ માટે અડિખમ ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પોતાની રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી આ બેઠક પરથી લડયા હતા. આ બેઠક માત્ર ભાજપ માટે ગઢ છે. એટલું જ નહી અહીંથી વિજેતા બનનારા નેતાની રાજકીય કારર્કીદીનો અનોખો સુર્યોદય થાય છે. પ્રથમ વખત આ બેઠક પરથી પોતાના જીવનની પ્રથમ ચુંટણી લડેલા નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન પદ સુધી પહોચ્યા સાથે સાથ વૈશ્ર્વિક લીડર તરીકે પોતાની છબી બનાવી રહ્યા છે.

વિજયભાઇ રૂપાણી આ બેઠક પરથી પ્રથમ વાર ધારાસભાની ચુંટણી લડયા. કેબિનેટ મંત્રી બન્યા અને પ્રથમ ટર્મમાં મુખ્યમંત્રી પદ સુધી પહોંચી ગયા અને પાંચ વર્ષ સુધી ગુજરાતના સરતાજ રહ્યા. આ બેઠક પરથી સૌથી વધુ વખત ચુંટાય ધારાસભ્ય બનનારા વજુભાઇ વાળાએ પણ મહામહિમ રાજયપાલ સુધીની રાજકીય સફર સર કરી.

ભાજપ માટે આ બેઠક એટલી સલામત માનવામાં આવે છે કે શેરી ગલીમાં પણ ન ઓળખાતા હોય તેવા વ્યકિતને પણ આ બેઠક પરથી ચુંટણી લડાવવામાં આવે તો પણ તે કમળના પ્રતિક પરથી ચૂંટાય જાય છે આ વખતે 69 રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં વિવાદનું વાવેતર થયું હોય તેવું લાગી રહ્યું છે. સેન્સ પ્રક્રિયા દશમિયાન

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા કોઇ દાવેદારી કરી નથી છતાં પાર્લામેન્ટરી બોર્ડમાં બનાવવામાં આવેલી પેનલમાં તેઓનું નામ અગ્ર ક્રમે છે. આ ઉપરાંત આ બેઠક માટે ભાજપમાં હાલ શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુકલ, અનિલભાઇ દેસાઇ અને ડો. દર્શીતાબેન શાહના નામો ચર્ચામાં છે. બીજી તરફ પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ પોતાના અંગત મદદનીશ તેજશ ભટ્ટીનું નામ પાર્લામેન્ટરી બોર્ડમાં રજુ કર્યુ હતું. હવે ભટ્ટીના નામથી પણ ચર્ચા થવા લાગી છે.

ભાજપ માટે સૌથી સલામત મનાતી પશ્ર્ચિમ વિધાનસભા બેઠક હાલ જુથવાદ ના વમળોમાં ફસાય જવા પામી છે. પરંતુ હાઇકમાન્ડને આ બેઠક પર રતિભારનો પણ વિવાદ પાલવે તેમ નથી.

ચુંટણી જાહેર થયાના મહિનાઓ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કલ્પકભાઇ મણીયાર વચ્ચે દિલ્હી ખાતે મેરેથોન બેઠક યોજાઇ હતી.

ત્યારબાદ એવી અટકળો ચાલતી હતી કે ભાજપ પશ્ર્ચિમ બેઠક પરથી કલ્પકભાઇને ટિકીટ આપશે. જો કે સેન્સ દરમિયાન તેઓએ દાવેદારી કરી ન હતી.

પશ્ર્ચિમ બેઠક પર જુથવાદનું વાવેતર થતા દિલ્હી હાઇકમાન્ડ દ્વારા કલ્પકભાઇ મણીયારને આ બેઠક પરથી ચુંટણી લડવા માટે તૈયાર રહેવાની સુચના આપી દીધી છે. હવે માત્ર વિધિવત રીતે નામ જાહેર કરવાની જ વાર હોવાનું ચર્ચાય રહ્યું  છે. કલ્પકભાઇ મણીયાર જુથવાદમાં કયારેય માનતા નથી તેઓ વિજયભાઇ સાથે અને વજુભાઇ વાળા એમ બન્ને સાથે ધરોબો ધરાવે છે. આ ઉપરાંત આર.એસ.એસ. ના પણ તેઓના પર ચાર હાથ છે.

આ બધા ફેકારને ઘ્યાનમાં રાખવામાં આવે તો તેઓની સામે વિરોધ કે વિવાદ થવાની કોઇ જ સંભાવના દેખાતી નથી.

સેન્સમાં પોતાની દાવેદારી કરનાર અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામોની પેનલ દિલ્હી મોકલવામાં આવી છે તે તમામ દાવેદારો હવે શાંત થઇ ગયા છે જેના પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી એકસ ફેકટર એવા કલ્પકભાઇ મણીયારને ટિકીટ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.