Abtak Media Google News

આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતી શકે તેમ હોય આંતરિક અસંતોષનો દાવાનળ: કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજકોટ, આણંદ, અંબાજી અને સુરતના રિસોર્ટમાં સલામત સ્થળે ખસેડયા

દેશમાં કોરોના મહામારી અને તેના પગલે આવેલા લોકડાઉનના કારણે મોકૂફ રહેલી રાજયસભાની ચૂંટણી આગામી ૧૯મી યોજાનારી છે. જેમાં ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીના પ્રારંભે સંખ્યાબળના આધારે ભાજપ અને કોંગ્રેસ બે બે બેઠકો જીતી શકે તેમ હતા પરંતુ, ભાજપે પોતાના ત્રણ ઉમેદવારો ઉભા રાખીને રાજકીય કુકરી ગાંડી કરી હતી. જે બાદ સમયાંતરે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેને લઈને કોંગ્રેસના બે સિંહ ઉમેદવારોમાંથી એક જ ઉમેદવાર જીતી શકે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. કોંગ્રેસના બંને ઉમેદવારો પોતાની જીત નિશ્ર્ચિત કરવા એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ પ્રબળ બની છે. જેથી રાજયસભાની ચૂંટણી કોંગ્રેસને ‘શકિત’ શાળી બનાવશે કે યાદવાસ્થળી કરાવશે ? તે રાજકીય પંડીતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજયસભાની ગુજરાત રાજયની ચાર બેઠકો માટે માર્ચ માસમાં ચૂંટણી યોજાનારી હતી. તે સમયે વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળના આધારે ભાજપ બે બેઠકો જયારે કોંગ્રેસ પણ બે બેઠકો પર આસાનીથી જીતી શકે તેમ હતી. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે તેના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને ઉતાયાર્ં હતા જેથી ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભાંગતુટ થવાની સંભાવના વ્યકત થઈ હતી. જે બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી માટેવિજયની રાહ મુશ્કેલ બની હતી. જેથી, કોંગ્રેસમાં વધુ ભાંગફોડ રોકવા તમામ ધારાસભ્યોને રાજસ્થાનમાં ખસેડાયા હતા પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ચૂંટણી મોકૂફ રહી હતી.

તાજેતરમાં ચૂંટણી પંચે આ મોકૂફ રખાયેલી ચૂંટણીનેઆગામી ૧૯મીએ યોજવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. ભાજપ પાસે ત્રીજા ઉમેદવારને જીતાડવા જેટલા મતો ન હોય કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવીને વિજય માટે મતોની સંખ્યા ઓછી કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. જે સફળ થતો હોય આ ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોની વિકેટ ખડી ચૂકી છે અને હજુ એક બે ધારાસભ્યો રાજીનામાની લાઈનમાં છે જેથી કોંગ્રેસના બે સિંહ ઉમેદવારોમાંથી હવે એક માત્ર ઉમેદવાર જ જીતી શકે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે જેથી કોંગ્રેસના બંને ઉમેદવારોએ પોતાની જીત નિશ્ર્ચિત કરવા પોતાના વિશ્ર્વાસુ ધારાસભ્યોને અંકે કરવાની ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે શકિતસિંહ ગોહિલને પ્રથમ નંબર અને ભરતસિંહ સોલંકીનો બીજા નંબરનાં ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીના આદેશ મુજબ કોંગ્રેસી ધારાસભ્યો મતદાન કરે તો ભરતસિંહ સોલંકીની હાર નિશ્ર્ચિત બને તેમ છે. જેથી હવે રાજયસભામાં વિજયી બનવા કોંગ્રેસના બે સિંહો વચ્ચે ચાલતી ખેંચતાણમાં કોંગ્રેસ ‘શકિત’ શાળી બનશે કે યાદવાસ્થળી કરાવશે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શકિતસિંહે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી ‘ચેલા’ને સોંપી

ગઈકાલે મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ કોંગ્રેસમાં ફરી રિસોર્ટ પોલીટીકસ શ‚ થયું હતુ શકિતસિંહ ગોહિલે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને પોતાના ચેલા અને પૂર્વ કોંગ્રેસી એવા ઈન્દ્રનીલ રાજયગૂ‚ના રીસોર્ટમાં મોકલી દીધા છે. જેમાં સૌરાષ્ટ્રના ૨૨ કોંગ્રેસી ધારાસભ્યો આવે તેવી સંભાવના છે. જો કે, અત્યાર સુધી સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઈન્દ્રનીલના રીસોર્ટમાં પહોચ્યા નથી કોંગ્રેસના મધ્ય ગુજરાતના ધારાસભ્યોને આણંદ પાસે ઉમેટાના રીસોર્ટમાં ભેગા કર્યા હતા તેવી જ રીતે સુરતમાં દક્ષિણ ગુજરાતનાં કોંગ્રેસી ધારાસભ્ને સાચવવાની જવાબદારી તુષાર ચૌધરી અને ગૌરવ પંડયાને જયારે ઉત્તર ગુજરાતનાં કોંગ્રેસી ધારાસભ્યોને અંબાજીમાં સાચવવાની જવાબદારી જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. અમુક ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડના શકિતસિંહને પ્રથમ ક્રમના ઉમેદવારના નિર્ણયનો ઉલાળીયો કરે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. જેથી પાર્ટી હાઈકમાન્ડ તેમને પાર્ટીના નિર્ણય મુજબ મત આપવાનો વ્હીપ આપે તેવી સંભાવના પણ કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં વ્યકત થઈ રહી છે.

બ્રિજેશ મેરજાના રાજીનામા પાછળ મોરબીના સિરામીક ઉદ્યોગનું ‘અર્થકારણ’ જવાબદાર

ગઈકાલે મોરબીના કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મેરજાના રાજીનામા પાછળ મોરબીના જગવિખ્યાત સિરામીક ઉદ્યોગનું અર્થતંત્ર જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ૧૨ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો સિરામીક ઉદ્યોગ જે મોરબીનાં ધારાસભ્યને નકકી કરવામાં મહત્વનો ભાગ ભજવતો હોય છે. લોકડાઉનમાં બે માસ બંધ પડેલા સિરામીક ઉદ્યોગના ૯૦૦ જેટલા યુનિટોને કરોડો ‚ા.ની નુકશાની વેઠવી પડી છે. ઉપરાંત તાજેતરમાં અખાતી દેશોએ મોરબીથી આવતી સિરામીક પ્રોડકટ પર ડયુટી લાદી છે. મોરબીના સિરામીક કારખાનાઓની મોટાભાગની પ્રોડકટ અખાતી દેશોમાં જ નિકાસ થતી હોય લોકડાઉન બાદ સિરામીક ઉદ્યોગને આ પડયા પર પાટા સમાન ઘટના બની છે. જેથી સિરામીક પ્રોડકટ પર અખાતી દેશોની આ ડયુટી દૂર કરાવવામાં ભાજપની કેન્દ્ર અને રાજય સરકાર જ મદદ‚પ થઈ શકે તેમ છે જેથી, સિરામીક

ઉદ્યોગકારોના દબાણ પછી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યાની ચર્ચા મોરબીમાં જોર પકડયું છે. મેરજાએ રાજીનામા બાદ આજે આપેલી પોતાની પ્રતિક્રિયાઓ કાચના ઘરમાં રહેવા વાળા બીજા પર પથ્થર નથી મારતા તેમ ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.