Abtak Media Google News

ફાયર સેફટીનાં સાધનો લગાવવાથી માનવ જીંદગી પર જોખમ નહીં ઘટે તેને ચલાવવાની આવડત પણ જરૂરી શાળા-સંચાલકો, ટયુશન કલાસીસ અને હાઈરાઈઝ બિલ્ડીંગોને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપવું આવશ્યક

આપણે ત્યાં કાયમને માટે તરસ લાગે ત્યારે કુવો ખોદવા દોડીએ તેવો ઘાટ સર્જાતો હોય છે પછી તે ભુકંપ હોય કે આગ, વાવાઝોડું હોય કે પુર કોઈપણ ઘટના ઘટયા બાદ ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હોય છે. તાજેતરમાં સુરતમાં થયેલ આગની ઘટનાને લઈ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં તંત્ર દ્વારા ભયનો માહોલ ઉભા કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને લોકોએ જાગૃત થવું ખુબ જ જરૂરી બન્યું છે. સુરતમાં ટયુશન કલાસીસમાં લાગેલી ભીષણ આગમાં ૨૨ જેટલા બાળકો ભડથુ થયાની ઘટના બાદ રાજયભરમાં સરકારી તંત્ર જાણે સફાળુ જાગ્યું છે જેને લઈને ગઈકાલે રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરનાં સ્વનિર્ભર શાળા સંચાલકો સાથે એક બેઠક કરી હતી જેમાં ખાનગી શાળાનાં સંચાલકો આગામી ૧૦ દિવસ જ શાળામાં ફાયર સેફટીનાં સાધનો વસાવી લેવા માટે સહમતી દર્શાવી હતી જોકે અહીંયા સવાલ એ થાય છે કે, આવી ઘટના બાદ જ તંત્ર હરકતમાં આવતું હોય છે. હવે ૧૦ દિવસની અંદર શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનો કયાંથી અને કઈ રીતે આવશે તે મોટો પ્રશ્ન છે.

ઉલ્લેખનીય છે કે, બજારોમાં ફાયર સેફટીનાં હાટડાઓ હાલ ધમધમયા છે. રાજયભરમાં ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સ્કુલો, કોલેજોને એનઓસી અને નોટીસ આપવામાં આવી છે. તાત્કાલિક ફાયર સેફટીનાં સાધનો વસાવવા તાકિદ કરવામાં આવી છે. બજારોમાં ફાયર સેફટીનાં સાધનો કયાં મળે છે ? ફાયર સેફટીનાં સાધનોનો ભાવ શું છે ? તેનાથી હજુ લોકો અજાણ છે. જેના પર ભાવનું નિયંત્રણ પણ હોય તેવું લાગતું નથી. સુરતની દુર્ઘટનાને લઈ લાંબાગાળાનાં આયોજનની જગ્યાએ જાણે ગભરાહટમાં જ લુંટ બજારો ખુલ્લી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સ્વનિર્ભર શાળાઓની બેઠકોમાં ૧૦ દિવસની અંદર ફાયર સેફટીનાં સાધનો લગાવવાનું નકકી કરાયું છે જોકે પ્રશ્ન એજ છે કે ખરેખર તો તમામ શાળાઓ, કોલેજોમાં ફાયર સેફટીનાં પુરા સાધનો પહોંચશે કે કેમ ?

બીજીબાજુ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા ફાયર સેફટીનાં સાધનો લગાવવા માટે નોટીસ આપવામાં આવી રહી છે જોકે ઘણી ખરી સ્કુલ-કોલેજોમાં અગાઉથી ફાયર સેફટીનાં સાધનો હોય છે પરંતુ તંત્ર દ્વારા ફાયર સેફટીનાં સાધનોની ચકાસણી થાય છે ખરા ? જયારે આગની કોઈપણ ઘટના બને ત્યારે લોકોને ફાયર સેફટીનાં સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ વાતથી પણ અજાણ હોય છે. જયારે કોઈ આકસ્મિક ઘટના બને ત્યારબાદ તંત્ર માત્રને માત્ર નોટીસો આપે છે પરંતુ આવી ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર સેફટીનાં સાધનો કે અન્ય કોઈ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવતું નથી. તંત્ર દ્વારા માત્રને માત્ર નોટીસ ફટકારી તાકીદ કરવામાં આવે છે પરંતુ કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી.

ઉલ્લેખનીય છે કે, કોઈપણ આગ, વાવાઝોડા કે પુરની ઘટના બને ત્યારબાદ તંત્ર દ્વારા થોડા દિવસો માટે કામગીરીઓ થતી હોય છે. ફરી એકવાર આવી કોઈ આગની ઘટના ન સર્જાય ત્યાં સુધી આરામનું ઓડકાર ખાતું હોય તેમ નિરશ રીતે બેસી રહે છે. આવી આફતો બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામે લાગી જતું હોય છે પરંતુ ડિઝાસ્ટર વિનાનું મેનેજમેન્ટ કયારે તે એક પ્રશ્ર્ન છે. જયારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે તે પહેલા જ ડિઝાસ્ટર જાગૃત થાય તેવું આયોજનવાળું તંત્ર બનાવવું હાલ અતિઆવશ્યક બન્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટો છે પરંતુ ડિઝાસ્ટર વિનાનું મેનેજમેન્ટ કયારે ?

ફાયર સેફટીનાં સાધનોનાં અભાવે પાંચ નેપાળીઓએ જીવ ખોયા હતા !

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ૨૦૧૩માં બનેલી ઘટનામાં પાંચ નેપાળીઓએ આત્મવિલોપન કર્યું હતું. પાંચ નેપાળીઓ કોર્પોરેશનનાં પટાંગણમાં જ જીવતે જીવતા સળગ્યા હતા. આવા સમયે કોર્પોરેશનની અંદર જ ફાયર સેફટીનાં સાધનો જોવા મળ્યા ન હતા. સુરતમાં આગની ઘટના બન્યા બાદ રાજયભરમાં તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ નોટીસો આપવામાં આવી રહી છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનેલી ૨૦૧૩ની દુ:ખદ ઘટનામાં પાંચ નેપાળીઓએ ફાયર સેફટીનાં સાધનોનાં અભાવે પોતાનાં જીવ ગુમાવ્યા હતા ત્યારે તંત્રની બેદરકારી જોવા મળી હતી અને હવે સુરતમાં લાગેલી આગની ઘટના બાદ તંત્ર દ્વારા શહેરમાં ફાયર સેફટીનાં સાધનોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ કોર્પોરેશનમાં જ ફાયર સેફટીનાં સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.