Abtak Media Google News

રાહુલે માત્ર ૧૪ બોલમાં જ ૫૦ રન કરીને સૌથી ઝડપી હાફ સેન્ચુરી બનાવાનું  બિરુદ તો હાંસલ કર્યું પરંતુ કિંગ્સ ઈલેવનને પ્રથમ મેચમાં વિજેતા પણ બનાવી દીધું

કિંગ્સ ઇલેવન પંજાબે લોકેશ રાહુલની રેકોર્ડ બ્રેક અર્ધી સદી તેમજ કરુણ નાયરના ૫૦ રનની મદદથી દિલ્હી ડેરડેવિલ્સને છ વિકેટે પરાજય આપી વિજયી પ્રારંભ કર્યો હતો. ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમ કેપ્ટન ગૌતમ ગંભીરના ૫૫ કન અને ઋષભ પંતના ૨૮ રનની તેમજ ક્રિસ મોરિસના ૧૬ બોલમાં અણનમ ૨૭ રનની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૧૬૬ રન બનાવ્યા હતા પરંતુ આ ટાર્ગેટ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ઘણો ઓછો પડ્યો હતો

૧૬૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પંજાબની ટીમને ઓપનર લોકેશ રાહુલે વિસ્ફોટક શરૂઆત અપાવતાં માત્ર ૧૪ બોલમાં અર્ધી સદી ફટકારી સુનીલ નારાયણ અને યુસુફ પઠાણના રેકોર્ડને તોડયો હતો. નારાયણે ગત સિઝનમાં બેંગ્લુરૂ સામે ૧૫ બોલમાં અર્ધી સદી ફટકારી હતી જ્યારે યુસુફ પઠાણે હૈદરાબાદ સામે ૧૫ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. રાહુલની તોફાની બેટિંગને કારણે પંજાબે ત્રણ ઓવરમાં જ ૫૨ રન પૂર્ણ કરી લીધા હતા. જે પૈકી રાહુલના ૫૧ રન હતા. ૫૮ રનના સ્કોરે મયંક અગ્રવાલ આઉટ થયા બાદ લોકેશ રાહુલ પણ ૫૧ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. જ્યારે યુવરાજે ૧૨ રન જ બનાવ્યા હતા. તે પછી કરુણ નાયરે ૩૩ બોલમાં ૫૦ રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. નાયર આઉટ થયા બાદ મિલર અને સ્ટોનિસે ૨૯* રનની ભાગીદારી નોંધાવી વિજય અપાવ્યો હતો.

પંજાબની ટીમમાં સામેલ કરાયેલા અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાને મેચમાં ઊતરતાંની સાથે બે રેકોર્ડ બનાવ્યા હતા. ૧૭ વર્ષ અને ૧૧ દિવસની વયે આઈપીએલમાં પદાર્પણ કરી સરફરાજ ખાનનો રેકોર્ડ તોડયો હતો. સરફરાજે ૧૭ વર્ષ અને ૧૭૭ દિવસની વયે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું. મુજીબે ત્યારબાદ પોતાની પ્રથમ ઓવરના ત્રીજા જ બોલે કોલિન મુનરોને આઉટ કરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.