Abtak Media Google News

મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મક્કમ સ્થાન પ્રાપ્ત કરે અને સામાજિક જવાબદારીઓ વિશે જાગૃત થાય તેવા શુભ હેતુસર સિદ્સર ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રેરિત મહિલા સંગઠન સમિતિ દ્વારા ત્રિદિવસીય મહિલા પરિસંવાદ શિબિર અને મહિલા સંગઠન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહિલાઓને સમાજ નિર્માણના ભગીરથ કાર્યમાં હોશભેર ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી. શિવરાત્રીના પાવન અવસર પર આયોજિત આ શિબિરમાં મહિલાઓ દ્વારા એક લાખ અગિયાર હજાર બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિના પ્રમુખશ્રી સરોજબેન મારડીયાના હસ્તે મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડિયા અને  ઉમિયા માતાજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ દ્વારા શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યું હતું. ડો. કલ્પેશભાઈ ભાલોડિયાએ તંદુરસ્ત સમાજના નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ મહિલા પરિસંવાદ  શિબિરને સફળ બનાવવા માટે નરસિંહભાઈ માકડિયા, નિલેશભાઈ ગોધાણી, જયેશભાઈ તેમજ સ્વયંમ સેવક ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી શ્રધ્ધાબેન કરડાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધી મહિલા સંગઠન સમિતિના મંત્રી કાજલબેન સીતાપરાએ કરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.