Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે તાલિમી સનદી અધિકારીઓ સાથેના વિશેષ સત્રમાં સંબોધન આપશે

વિશ્વ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ દિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવશે. માત્ર પ્રવાસનને બદલે અહીં તેમના આવવાનો ઉદ્દેશ્ય વિશેષ છે. ભારત સરકારના તાલિમી સનદી અધિકારીઓને તેઓ એક વિશેષ સત્રમાં આ દિવસે સંબોધિત કરશે.

ભારત સરકારે જ પોતાના ૨૦૧૮ની બેચના તમામ આઇએએસ, આઇઆરએસ, આઇએફએસ અને આઇપીએસ અધિકારીઓને બે મહિનાની તાલિમના ભાગરૂપે ત્રણ દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ તાલીમ માટે બોલાવ્યા છે. આ તમામ તાલિમી અધિકારીઓને વિશ્વ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ વક્તવ્ય આપીને ભારતને પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર કેવી રીતે બનાવી શકાય તે માટે માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત માલપાસ દિલ્હી સહિતના અન્ય સ્થળોની મુલાકાત પણ કરશે. તાલિમી અધિકારીઓની કાર્યશાળા ચાર દિવસની રહેશે જે દિવાળીના દિવસે એટલે ૨૮ ઓક્ટોબરથી શરૂ થઇ ૩૧ ઓક્ટોબરે સમાપ્ત થશે. આ કાર્યશાળાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અધિકારીઓનું સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યશાળાના એક સત્રને સંબોધન કરશે.

ગુજરાતમાં આ કાર્યક્રમ તથા વિશ્વબેંકના પ્રેસિડેન્ટના સ્વાગતને લઇને તડામાર તૈયારી શરુ થઇ ગઇ છે. ગુજરાત સરકારે દિવાળીના દિવસે અહીં ઉપસ્થિત સહુને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિશેષ ગુજરાતી ભોજન ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.