Abtak Media Google News

વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં  વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.

જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ. કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ. જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે. વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે.

વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે. આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.

અંદાજે 8 કરોડ 30 લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાય છે. વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી જશે.

ગુજરાતની વસ્તી પણ વધુ પ્રમાણમાં વધી રહી છે. 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતની વસ્તી 6.04 કરોડ જોવા મળી છે. રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ દર ખુબ નીચો રહ્યો હતો. જે દર 2001માં 919 હતો તે 2011માં ઘટીને 919 થઈ ગયો હતો. સાથે સાથે રાજ્યમાં વસ્તી ગીચતામાં ખુબ વધારો જોવા મળ્યો હતો. જે વસ્તી ગીચતા 2001માં 258 હતી તેમાં વધારો થતાં હાલમાં 308 પ્રતિ કિમી થઈ છે. 0થી 6 વર્ષના બાળકોમાં સેક્સ રેશિયો ઘણો ઓછો જોવા મળ્યો છે. રાજયના પોપ્‍યુલેશન પ્રોજક્‍શન રિપોર્ટ- માર્ચ- 2015માં ગુજરાતની વસતી 6,51,05,237 થઇ છે. એટલે કે આપણે સાડા છ કરોડ થઇ ગયા છીએ. સાડા છ કરોડની વસતી સાથે ગુજરાત વસતી વધારા સાથે ભારતનું દસમું મોટું રાજય બની ચૂક્‍યું છે. અમદાવાદ સૌથી વધુ વસતી ધરાવતું રાજયનું પહેલું શહેર છે. તે પછી સુરત, વડોદરા અને રાજકોટનો ક્રમ આવે છે. 2015માં અમદાવાદની વસ્તી 56,33,927 જેટલી થઈ છે એટલે કે છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરની વસ્તીમાં ૬૩,૩૪૨નો વધારો નોંધાયો છે.   સુરતની વસ્તી 45,01, 610 લાખ, તો વડોદરાની વસ્તી 17,52,371 રાજકોટની વસ્તી 13,23,363 ભાવનગરની વસ્તી 6,05,882 જામનગરની વસ્તી 6,00,943 જુનાગઢ 3,19,462 જ્યારે ગાંધીનગરની વસ્તી 2,92,797 લાખ થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.