‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ , ભારતમાં પ્રેસને કેટલી સ્વતંત્રતા ?

પ્રેસ સ્વતંત્રતા એવો મુદ્દો છે જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થાય છે. લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાતા મીડિયાને કેટલીક વખત લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા દેવામાં આવતી નથી. દેશની સત્તા સંભાળી રહેલા લોકો પ્રેસને પોતાના હાથમાં કઠપૂતળીની જેમ રાખવા માંગે છે. વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પ્રેસ ઇચ્છે તો પણ સત્ય લોકો સુધી પહોંચાડી શકતું નથી, તેથી વિશ્વભરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

ઈન્ટરનેટને કારણે માહિતીની આપ-લેનું માધ્યમ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. જો કે, ઈન્ટરનેટના યુગમાં પણ ઘણા દેશોની સિસ્ટમે મીડિયા પર આવા નિયંત્રણો મૂક્યા છે, જે પ્રેસની સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરે છે.

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે
શરૂઆત સૌપ્રથમ વર્ષ 1991માં દક્ષિણ આફ્રિકાના પત્રકારોએ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવાની માંગ સાથે કરી હતી. આ પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, બે વર્ષ પછી, 3 મે 1993 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું.

વિશ્વ પ્રેસ ફ્રીડમ ડેનો ઉદ્દેશ્ય
પ્રેસનો ઉદ્દેશ્ય સત્યને ઉજાગર કરીને સામાન્ય લોકોને વાકેફ કરવાનો છે, પરંતુ બદલાતા સમય સાથે આ અધિકારો તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે. આજે દુનિયાભરમાંથી પત્રકારો સામે હિંસાના અહેવાલો આવતા રહે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણીનો હેતુ પત્રકારો સામે હિંસા રોકવા અને તેમને વાણી અને લેખનની સ્વતંત્રતા આપવાનો છે.

વર્લ્ડ પ્રેસ ફીડમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન છેલ્લા ઘણા સમયથી સતત નીચે જાય છે. ભારતનો ક્રમાંક અત્યારે બાંગલાદેશ(152) અને પાકિસ્તાન(145) ની આસપાસ 142માં ક્રમાંકે રહીને પાડોશીધર્મ નિભાવી રહ્યો છે.  છેલ્લા છ વર્ષનાં પરિણામ મુજબ 2016-133,2017-136, 2018-138, 2019-140, 2020-142 2021-142. હાલના કેટલાક વર્ષોના આકડા મુજબ ભારતમાં પ્રેસની સ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી જાય છે.