Abtak Media Google News

હિંસાને ધ્યાનમાં રાખી સિવિલ ઇમરજન્સી લાગુ કરાઈ

કેનેડામાં રવિવારના રોજ બે શંકાસ્પદ યુવાનોએ અલગ અલગ સ્થળો પર હુમલા કરીને 15 થી વધારે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આટલુ જ નહીં, 10 લોકોનાં મૃત્યુના પણ સમાચાર સામે આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને ઈજાગ્રસ્તો તેમજ મૃતકોના પરિવારજનો સામે સંવેદના વ્યક્ત કરી છે.

પશ્ચિમ કેનેડામાં છુરાબાજીની એક ઘટના સામે આવી છે. અહીંના પ્રોવિન્સમાં આ ચોંકાવનારી ઘટના બની છે, જેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. અધિકારીઓએ બે શંકાસ્પદો- ડેમિયન સેંડરસન અને માઈલ્સ સેન્ડરસનની તસવીરો જાહેર કરી છે. આ બન્ને આરોપીઓ એક કાળા રંગની કારમાં ફરી રહ્યા હતા અને ઘટનાને અંજામ આપી રહ્યા હતા.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર રોંડા બ્લેકમોર જણાવે છે કે, પ્રથમ ઘટનાની જાણકારી સ્થાનિક સમય અનુસાર સવારે 5:40 વાગ્યે મળી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 13 પીડિત મળ્યા છે. બ્લૈકમોરનું કહેવું છે કે તાજેતરના સમયમાં બનેલી આ સૌથી મોટી ઘટના છે. પાછલા ઘણાં સમયમાં આ પ્રકારની કોઈ ઘટના નોંધાઈ નથી. રવિવારના રોજ આ હિંસાને ધ્યાનમાં રાખીને સિવિલ ઈમર્જન્સી લાગૂ કરવામાં આવી હતી.કમિશનરે બન્ને આરોપીઓ માટે એક સંદેશ પણ બહાર પાડ્યો છે. તેમણે કહ્યું છે કે, જો ડેમિયર અને માઈલ્સ સાંભળી રહ્યા છે અને આ સૂચના મેળવી રહ્યા છે તો કહેવા માંગીશ કે તાત્કાલિક પોતાને પોલીસને સોંપી દો. પોલીસે પણ ટ્વિટર અકાઉન્ટ પર જાણકારી આપી કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે આરોપીઓ વિચાર્યા વગર ગમે તે વ્યક્તિને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ સિવાય તેમની કારની જાણકારી પણ શેર કરવામાં આવી છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ ટ્વિટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારના લોકો અને ઈજાગ્રસ્તો માટે સંવેદના વ્યક્ત કરી છે. જસ્ટિન ટ્રૂડોએ લખ્યું કે, સસ્કેચવાનમાં આજે જે હુમલા થયા તે ભયાવહ અને હૃદયદ્વાવક છે. જે લોકોએ આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. અમે ધ્યાનપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તમામ લોકોને વિનંતી છે કે સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી અપડેટને ફોલો કરવામાં આવે.

કમિશનર બ્લેકમૌરે જણાવ્યું કે, આ ઘટના અલગ અલગ સ્થળોએ બની હતી. અમુક પીડિતોને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે પરંતુ અમુક પર કારણ વગર જ હુમલો કરવામાં આવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી નથી શકાયુ. હુમલાને નજરે જોનાર એક વ્યક્તિ જણાવે છે કે, ચહેરો છુપાવવામાં આવ્યો હતો. તેણે મોટું જેકેટ પહેર્યુ હતું. તેણે અમને જણાવ્યું કે તેનો ચહેરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, માટે બતાવી શકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.