Abtak Media Google News

સ્માર્ટ 25,249 કરદાતાઓએ 12.24 કરોડ ઓનલાઇન ભરપાઇ કર્યા

પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વળતર યોજનાને કરદાતાઓનો પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ચાર જ દિવસમાં 32 હજાર જેટલા કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં 15 કરોડથી પણ વધુની રકમ ઠાલવી દીધી છે. આજે સવારે તમામ સિવિક સેન્ટરો ખાતે કરદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી. સ્માર્ટ કરદાતાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. 31મી મે સુધીમાં વેરો ભરપાઇ કરનારને વેરામાં 10 થી લઇ 22 ટકા જેટલું માતબર વળતર આપવામાં આવશે.

Advertisement

ગત 12મી એપ્રિલથી ટેક્સ બ્રાન્ચ દ્વારા વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનાર કરદાતાને વેરામાં 10થી લઇ 22 ટકા સુધીનું વળતર આપવામાં આવે છે. પ્રથમ દિવસે જ સાત કરોડ રૂપિયાની માતબર આવક થવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 31,978 લોકોએ વળતરનો લાભ લીધો છે અને કોર્પોરેશનની તીજોરીમાં 15.60 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વેરામાં એક ટકાનું વિશેષ વળતર આપવામાં આવી રહી હોવાના કારણે 32 હજાર પૈકી 25,249 કરદાતાઓએ ઓનલાઇન વેરો ભરપાઇ કર્યો છે અને કોર્પોરેશનની તીજોરીમાં 12.24 કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.

અમીન માર્ગ સિવિક સેન્ટર ખાતે 219 કરદાતા, સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે 304, ઇસ્ટ ઝોન કચેરી સિવિક સેન્ટર ખાતે 404, કોઠારીયા સિવિક સેન્ટરમાં 266, ક્રિષ્નનગર સિવિક સેન્ટર ખાતે 280, વેસ્ટ ઝોન કચેરી સિવિક સેન્ટર ખાતે 591 અને અલગ-અલગ વોર્ડ ઓફિસ ખાતે 4,566 કરદાતાઓએ એડવાન્સ વેરો ભરપાઇ કર્યો છે. છેલ્લા બે દિવસથી સર્વર ઠપ્પ થઇ જતું હતું. દરમિયાન ગઇકાલે સાંજ સુધીમાં આ સમસ્યા હલ થઇ જવા પામી છે. આજે સવારથી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં વસૂલાતની કામગીરી ચાલી રહી છે.

બપોર સુધીમાં 3,242 કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં 1.62 કરોડ રૂપિયા ઠાલવી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટેક્સ બ્રાન્ચને ભલે રૂ.430 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય પરંતુ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી સોમવારથી જ ટેક્સ બ્રાન્ચને ફરી દોડતી કરી દેવામાં આવશે. 500 કરોડથી પણ વધુના વસૂલાત સાથે આખા વર્ષ દરમિયાન કામગીરી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.