Abtak Media Google News

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરતી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા

ચોમાસાની સીઝન શ‚ થવાના આડે હવે એક માસનો સમય બાકી રહ્યો છે ત્યારે ભારે વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન ઉદભવે તે માટે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ તાકીદે પ્રિ-મોન્સુન કામગીરી શ‚ કરવા આદેશ આપ્યો છે. જેના પગલે સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં છેલ્લા એક પખવાડીયામાં ૧૨ વોકળાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૭૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર અને ઈસ્ટ ઝોન કચેરીના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા ખુલ્લા અને મોટા વોકળાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧૫માં કુબલીયાપરા, ચુનારાવાડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વોકળા સાફ કરવામાં આવ્યા હતા. જયારે વોર્ડ નં.૧૬માં જંગલેશ્ર્વર, ગંજીવાડા, મનહર સોસાયટી, પાંજરાપોળ અને બેડીપરામાં, વોર્ડ નં.૪માં ભગવતીપરા, મોરબી રોડ તથા રોહિદાસપરા અને કુવાડવા રોડ વોર્ડ નં.૫માં સંતકબીર રોડ, પેડક રોડ તથા ભગીરથ સોસાયટી, વોર્ડ નં.૬માં બાલકૃષ્ણ સોસાયટી અને માલધારી સોસાયટીમાં કુલ ૧૨ વોકળાની સફાઈ કરવામાં આવી હતી. જેમાં ૩૯ ડમ્પર અને ૮૪ ટ્રેકટરના ફેરા કરી આશરે ૪૭૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. વોકળાની સફાઈ માટે ૧૦ મજુરો ફાળવવામાં આવ્યા છે. ચોમાસાની સીઝન પૂર્વે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં આવેલા તમામ વોકળાઓમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવશે અને સફાઈ કરાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવાની કોઈ સમસ્યા ન ઉદભવે અને લોકોને સ્થળાંતર ન કરવું પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.