Abtak Media Google News

બસના ચાલકે ઉજાગરાને કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

રાજકોટના ભાગોળે આવેલા બામણબોર પાસે આજરોજ વહેલી સવારે લક્ઝરી બસ રોંગ સાઈડમાં પૂલ નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં 15 મુસાફરોને નાની – મોટી ઈજાઓ થતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસના ચાલકે ઉજાગરાને કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે બસના મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી 9872 નંબરની સરદાર લખેલી ખાનગી સ્લીપર બસ બામણબોર પાસે રોંગ સાઈડમાં પૂલ નીચે ઉતારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બસમાં સવાર અમદાવાદના દિપક શર્મા (ઉ.વ.19), જીવણભાઈ અમરાભાઇ ગોહેલ (ઉ.વ.52), અર્જુન કુમાર મોરવાલ (ઉ.વ.50) અને હમીરભાઇ અમરાભાઈ ગોહેલ (ઉ.વ.60)ને નાની મોટી ઈજાઓ થતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે ઘવાયેલા મુસાફરોએ જણાવ્યું હતું કે ખાનગી બસ જ્યારે ચોટીલા પાસે હોલ્ડ માટે ઊભી રહી ત્યારે બસનો ચાલક પોતાને ઉજાગરાના કારણે ઊંઘ આવતી હોવાનું જણાવ્યુ હતું અને પોતાને બસ ન ચલાવવાનું પણ જણાવ્યું હતું. તેમ છતાં પણ તે જ બસના ચાલકે બસ હંકારી જતા બામણબોર પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ સામેની સાઈડમાં પૂલ નીચે ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક કુવાડવા આરોગ્યકેન્દ્ર બાદ તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • અકસ્માત બાદ બસમાંથી માલમત્તા ગાયબ થતા મુસાફરો મૂંઝાયા

બામણબોર પાસે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે પર મોટો ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ અકસ્માત બાદ ગભરાયેલા મુસાફરો બસ નીચે ઉતરીને હોસ્પિટલ જવા માટે ઉપાયો શોધતા હતા. તે દરમિયાન ખાનગી બસમાં રહેલી મુસાફરોની માલમત્તા ગાયબ થઈ જતાં મુસાફરો પણ મૂંઝાયા હતા. જ્યારે બીજી તરફ અકસ્માતના કારણે મુસાફરોના મોબાઈલના ડિસ્પ્લે તૂટી જતાં આ ખર્ચો કોણ કરશે તે અંગે પણ મુસાફરોની માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.