Abtak Media Google News

ધો.10માં 9.60 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.67 લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા: ગત વર્ષ કરતા આ વર્ષે 1.56 લાખ પરીક્ષાર્થીઓ વધ્યા

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં આ વખતે 1.56 લાખ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. આ વખતે ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થયો છે. આ વખતે રાજ્યના 16.54 લાખ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવાના છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 14.98 લાખ વિદ્યાર્થી નોંધાયા હતાં. ધો.10માં આ વખતે 9.60 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.67 લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.26 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.

Screenshot 12 5

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી લેવામાં આવનારી ધો.10 અને 12ની પરીક્ષા માટે નવેમ્બર માસથી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની મુદ્ત આપવામાં આવી હતી. ધો.12 સાયન્સના ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઇ હતી. ત્યારબાદ ધો.10ના ફોર્મ ભરવાની મુદ્ત 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ હતી અને સોમવારે ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઇ છે.

આ વખતે બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યના 16.54 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 1.41 લાખ વિદ્યાર્થી વધ્યા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં આ વખતે 5.67 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પણ આ વખતે 18 હજાર કરતા વધુ વિદ્યાર્થી વધ્યા છે. સાયન્સમાં આ વખતે 1.26 લાખ વિદ્યાર્થી નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ધો.12માં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા પાછળનું કારણ માસ પ્રમોશન છે. 2021માં ધો.10માં વિદ્યાર્થીને મળેલા માસ પ્રમોશન બાદ આ વખતે તે વિદ્યાર્થી ધો.12માં આવ્યા છે. જેના લીધે ધો.12માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

ધો.10માં વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ધો.10માં આ વખતે 9.60 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીમાં 3658 ઓછા છે. આમ એકદંરે આ વર્ષે ધો.10 અને 12ના મળી 16.54 લાખ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા ઉપસ્થિત રહેશે.

ગત વર્ષની વાત કરવામાં આવે તો બોર્ડના કુલ વિદ્યાર્થીની સંખ્યા 1.56 લાખનો વધારો જોવા મળ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થયા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.