Abtak Media Google News

આગામી ડિસેમ્બરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઇન ગેમિંગ અંગે થશે ચર્ચા : નાણામંત્રીઓની સમિતિ પણ જીએસટી વધારવા કરી શકે છે ભલામણ

જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ડિસેમ્બરમાં થઈ શકે છે. 1-2 સપ્તાહમાં ઓનલાઈન ગેમિંગ પર રિપોર્ટ આપવામાં આવી શકે છે. આગામી બેઠકમાં રિપોર્ટ પર વિચાર થવાની આશા છે. બીજી તરફ રાજ્યના નાણા મંત્રીઓની સમિતિ ઓનલાઈન ગેમિંગ પર એકસમાન 28 ટકા જીએસટીની ભલામણ કરી શકે છે.

ઓનલાઈન ગેમ્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લગાવવાનો આ મુદ્દો છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય બનેલો છે. ઘણા રાજ્યોએ આવા ઓનલાઈન ગેમ્સ પર ઓછા દરે ટેક્સ લગાવવાની માંગ કરી છે, જેમાં આવડતની જરૂર નથી. તેમનો દાવો છે કે, ગેમ્સ ઓફ સ્કિલને નસીબ આધારિત રમતો સાથે સરખાવી ન શકાય. આ રમતોની સ્પષ્ટ પરિભાષાના અભાવમાં ઘણી વાર ઓનલાઈન ગેમ પોર્ટલોને ટેક્સની નોટિસ મોકલવામાં આવે છે અને પછી કાનૂની વિવાદ શરૂ થઈ જાય છે.

જીએસટી કાઉન્સિલયની હાલમાં જ બેંગલોરમાં થયેલી લેજિસ્લેટિવ સમિતિની બેઠકમાં ગેમ્સ ઓફ ચાન્સ અને ગેમ્સ ઓફ સ્કિલની પરિભાષાથી સંબંધિત મુદ્દાઓ પર ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. લો કમિટિમાં બધા જ રાજ્યોના સામેલ નહિ થવા પર પરિભાષા સંબંધિત ડ્રાફ્ટ રિપોર્ટને બધા જ રાજ્યો સાથે શેર કરવામાં આવશે અને તેના પર તેમની સલાહ મેળવવામાં આવશે.

જીએસટી કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, કસીને અને ઘોડાની દોડ જેવી રમતો પર ટેક્સેશન વિશે મંત્રી જૂથના અહેવાલ પર ડિસેમ્બરના અંતમાં થનારી બેઠકમાં વિચારણા કરવામાં આવશે. મંત્રી સમૂહે જૂનમાં રજૂઆત કરી હતી કે, ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર 28 ટકાના દરે ટેક્સ લગાવવો જોઈએ. જો કે ઉદ્યોગની માંગ છે કે, ગેમ્સ ઓફ સ્કિલ પર ઓછા દરે ટેક્સ લગાવવામાં આવે, કારણ કે વધારે ટેક્સ રેટ હોવા પર એવોર્ડની રકમ ઘટાડવી પડશે.

આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે સમિતિની ભલામણો તમામ ઓનલાઈન ગેમ્સ માટે હશે. જો કે, કમિટી કેટલી રકમ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવશે તેની ગણતરી કરવા માટે સંશોધિત ફોમ્ર્યુલા સૂચવી શકે છે. હાલમાં, ઓનલાઈન ગેમિંગ પર 18 ટકા જીએસટી લાગે છે.  આ ટેક્સ કુલ આવક પર લાદવામાં આવે છે, જે ઓનલાઈન ગેમિંગ પોર્ટલ દ્વારા લેવામાં આવતી ફી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જીઓએમનો રિપોર્ટ લગભગ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં જીએસટી કાઉન્સિલને તેની વિચારણા માટે સબમિટ કરવામાં આવશે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાના નેતૃત્વ હેઠળના પ્રધાનોના જૂથએ અગાઉ જૂનમાં કાઉન્સિલને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.  જો કે, કાઉન્સિલે જીઓએમને તેના અહેવાલ પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. ત્યારબાદ, જીઓએમ એ એટર્ની જનરલ પાસેથી સૂચનો લીધા અને ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગના હિતધારકો સાથે પણ વાતચીત કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.