Abtak Media Google News

ભાજપના 14 અને કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ પુછયા 40 પ્રશ્ર્નો: વાહિયાત પ્રશ્નોની ચર્ચામાં વધુ એકવાર બોર્ડનો પ્રશ્નોતરીકાળ વેડફાઈ જશે

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 18મી નવેમ્બરના રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં સવાલોની જડી વરસશે. ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ પ્રશ્ર્નોતરીકાળમાં 40 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જો કે સામાન્ય રીતે એક જ પ્રશ્ર્નની ચર્ચામાં 1 કલાકનો પ્રશ્ર્નોતરીકાળ વેહફાઈ જતો હોય છે. પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે પ્રજાના પ્રતિનિધિ એવા નગરસેવકોએ વાહિયાત પ્રશ્ર્નોની લાંબી લાંબી ચર્ચા કરી બોર્ડનો સમય વેડફી નાખતા હોય છે. આ વખતે પણ ભાજપના નગરસેવીકાના પ્રશ્ર્નની ચર્ચા પ્રથમ થવાની હોય જેમાં એક કલાકનો સમય વેડફાય જાય તેવુ લાગી રહ્યું છે.

કોર્પોરેશનમાં આગામી 18મી નવેમ્બરે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ વોર્ડ નં.3ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીના બે પ્રશ્ર્નોની ચર્ચા થશે. તેઓએ વેરા વસુલાત શાખા દ્વારા 1 ઓકટોબર 2021 બાદ કુલ કેટલા મિલકત ધારકોને વેરો વસુલવા માટે નોટિસ આપી છે તેની વોર્ડવાઈઝ વિગત અને નોટિસ બાદ મહાપાલિકા દ્વારા ક્યાં પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની માહિતી માંગી છે. આ ઉપરાંત બીજા પ્રશ્ર્નમાં તેઓએ જાહેર સ્થળો ફ્રી વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે તે અંગેની પુછાણ ર્ક્યું છે. વોર્ડ નં.5ના નગરસેવક હાર્દિક ગોહિલનો પ્રશ્ર્ન બીજા સ્થાને છે. જેમાં તેઓએ બાંધકામ શાખા દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન કેટલા રોડ રસ્તા રીપેરીંગ કરવામાં આવ્યા, કેટલા રી કાર્પેટ કરાયા તેની વિગત અને એક વર્ષમાં કેટલા સ્થળે ફોગીંગ કરાયું તેની માહિતી માંગી છે.

ત્રીજા ક્રમે વોર્ડ નં.18ના નગરસેવક સંજયસિંહ રાણાનો પ્રશ્ર્ન છે જેઓએ રોશની વિભાગ દ્વારા છેલ્લા ત્રણ માસમાં સ્ટ્રીટ લાઈટની કેટલી ફરિયાદ મળી અને તેનો નિકાલ કરવામાં આવ્યો અને મહાપાલિકા હસ્તકના કેટલા સ્વીમીંગ પુલ છે અને તેના સભ્યોની સંખ્યા તેમજ નવા બનાવવા શું ભાવિ આયોજન છે તે અંગે વિગત માંગી છે. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, આશાબેન ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ વાઘેલા, લીલુબેન જાદવ, કંચનબેન સિધ્ધપુરા, મનિષ રાડીયા, ભાનુબેન બાબરીયા, રવજીભાઈ મકવાણા, હિરેન ખીમાણી, દેવાંગ માંકડે પણ પ્રશ્ર્ન રજૂ કર્યા છે. જ્યારે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ ત્રણ પ્રશ્ર્નો રજૂ ર્ક્યા છે. જેમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કાબુમાં લેવા મહાપાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી અને આગોતરા આયોજનની માહિતી માંગી છે. સરકાર દ્વારા વેક્સિનના કેટલા ડોઝ ફાળવવામાં આવ્યા તેની માહિતી માંગી છે. વકરતા રોગચાળાને કાબુમાં લેવા શું કામગીરી કરાઈ, ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કેવા પગલા લેવાઈરહ્યાં છે તે અંગેના પ્રશ્ર્ન પુછયા છે.

આ ઉપરાંત કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ અને મકબુલ દાઉદાણીએ પણ જનરલ બોર્ડ સમક્ષ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. ભાજપના 14 કોર્પોરેટરના 28 પ્રશ્ર્નો અને કોંગ્રેસના 4 કોર્પોરેટરના 12 પ્રશ્ર્નોની પ્રશ્ર્નોતરીકાળમાં રજૂ કરવામાં આવ્યા છે. જેના પર બોર્ડમાં ચર્ચા થશે. આ ઉપરાંત અલગ અલગ ચાર દરખાસ્તો રજૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ નં.3માં બાવાજીરાજ સ્કૂલની સામે દરબારગઢની બાજુમાં આવેલી જાહેર યુરીનલ દૂર કરવા, ઘંટેશ્ર્વરના રેવન્યુ સર્વે નં.20માંથી પસાર થતાં 24 મીટરના ડીપી રોડમાં કપાતમાં જતી જમીન સામે વૈકલ્પીક જમીન આપવી. પાર્કિંગ પોલીસી અને બાયલોસ મંજૂર કરવા, અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય બોર્ડમાં કોર્પોરેશનના પ્રતિનિધિનું નામ સુચવવા નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.