Abtak Media Google News

રાજકોટમાં 1રર કેન્દ્રો પર પરીક્ષા લેવાશે: વિવિધ પ્રતિબંધાત્મક આદેશ જારી

રાજયભરમાં આગામી રવિવારે ટેટ-ર ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 2.72 લાખ શિક્ષકો પોતાની યોગ્યતા સાબિત કરવા માટે કસોટીની એરણ પર ચડશે.  રાજકોટ શહેરમાં 122 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે જેના માટે પ્રતિ બંધાત્મક આદેશો જાહેર કરવામાં આવશે.ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-2 (ટેટ-ર)ની પરીક્ષા, રાજકોટ શહેરની અલગ-અલગ શાળા કોલેજોના કુલ-122 કેન્દ્રો ખાતે તા.23ને રવિવારે બપોરે 3 કલાકથી પ કલાક સુધી લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, પરીક્ષાર્થીઓ ખલેલ વિના પરીક્ષા આપી શકે, તેમજ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ આચરે નહીં તે હેતુસર, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.

રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકો ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખી શકશે નહીં. શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઈલેકટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ તેમજ પરીક્ષા ખંડમાં લઈ જવા નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4ના કર્મચારીઓએ ચોકસાઇપૂર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ જાહેરનામું તા.23ના બપોરે 1 કલાકથી 6 કલાક સુધી રાજકોટ શહેર તેમજ પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.