Abtak Media Google News

માર્ચ-૨૦૧૮ સુધીની કુલ કરન્સીમાં ૨૦૦૦ની નોટોની હિસ્સેદારી ૩૭.૩ ટકા હતી

બે વર્ષ પહેલા નોટબંધી બાદ માર્કેટમાં ૨૦૦૦ રૂપિયાની નોટ આવી હતી. આ ૨૦૦૦ રૂપિયાની કરન્સી નોટનું પ્રિન્ટીંગ ન્યુનતમ સ્તર પર પહોંચી ગયું છે. નાણા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, ૫૦૦-૧૦૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ ૨૦૦૦ રૂપિયાની અને ૫૦૦ રૂપિયાની નવી નોટ આવી હતી.

Advertisement

મહત્વનું છે કે નોટોના સર્કયુલેશનના આધારે રિઝર્વ બેંક અને સરકાર તરફથી સમયાંતરે કરન્સીના પ્રિન્ટીંગની માત્રા પર નિર્ણય લેવાય છે. જયારે ૨૦૦૦ રૂપિયાની નોટ લોન્ચ થઈ હતી ત્યાં એવો નિર્ણય લેવાયો હતો કે, આગળ જતા તેનું પ્રિન્ટીંગ ઓછુ કરી દેવામાં આવશે કેમ કે તેને પુન:મુદ્રીકરણની જરૂરતને પુરી કરવા માટે શરૂ કરાઈ હતી.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે, ૨૦૦૦ રૂપિયાની નોટોનું પ્રિન્ટીંગ ઘણું ઓછુ કરી દેવામાં આવ્યું છે તેનું પ્રિન્ટીંગ ઘટાડવાનો નિર્ણય લીધો છે તેમાં કંઈ નવું નથી. આરબીઆઈના ડેટા પ્રમાણે માર્ચ ૨૦૧૭ના અંતમાં સરકયુલેશનમાં ૨૦૦૦ રૂપિયાની નોટોની કુલ સંખ્યા ૩૨૮૫ કરોડ હતી. એક વર્ષ બાદ (૩૧ માર્ચ ૨૦૧૮)ની સામાન્ય વૃદ્ધિ સાથે તેની સંખ્યા ૩૩૬૩ કરોડ થઈ છે.

માર્ચ ૨૦૧૮ના અંતમાં સરકયુલેશનમાં કુલ ૧૮,૦૩૭ અરબ રૂપિયામાંથી ૩૭.૩ ટકા હિસ્સો ૨૦૦૦ રૂપિયાની નોટોનો હતો. જયારે માર્ચ ૨૦૧૭માં આ હિસ્સેદારી ૫૦.૩ ટકા હતી. નવેમ્બર ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનું ચલણ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેજ સમયે કુલ કરન્સીમાં તેની હિસ્સેદારી ૮૬ ટકા હતી. મહત્વનું છે કે ૨૦૧૬માં નોટબંધી બાદ ૫૦૦-૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો અને કાળા નાણા પર સરકારે તરાપ મારી હતી. ૫૦૦-૧૦૦૦ની નોટબંધી બાદ ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૫૦ અને ૧૦ રૂપિયા અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટો બજારમાં મુકવામાં આવી હતી. જોકે ૨૦૦૦ની નોટોનું હવે પ્રિન્ટીંગ ઘટાડાતા લોકોને એવો ભય છે કે ૨૦૦૦ની નોટો પણ બંધ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.