Abtak Media Google News

રાજયકક્ષાના વિદેશમંત્રીએ રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્ર્નનો આપ્યો જવાબ

પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય માછીમારો એવા પણ છે કે જેઓ આ વર્ષે પાકિસ્તાનમાંથી વતન પરત આવ્યા છે. રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી મુરલીધરને 27 જુલાઈ, 2023ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી.મંત્રીના નિવેદન અનુસાર, 21 મે 2008ના રોજ હસ્તાક્ષર કરાયેલા ભારત-પાકિસ્તાન ‘એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ’અનુસાર, બંને દેશના નાગરિકી કેદીઓ અને માછીમારો, કે જેમને એકબીજાની જેલમાં કેદ કરવામાં આવેલા હોય છે તેમની યાદી દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાને આપવામાં આવે છે.

પાકિસ્તાની જેલોમાં કેદ કરાયેલા ભારતીય કેદીઓ, ખાસકરીને ભારતીય માછીમારો ઉપરાંત ભારતની જેલમાં કેદ પાકિસ્તાની કેદીઓ, ખાસકરીને પાકિસ્તાની માછીમારોની વિગતો જાણવા માગતા હતા. આ ઉપરાંત તેઓ એ પણ જાણવા ઈચ્છતા હતા કે, અજાણતા એકબીજાની દરિયાઈ સીમા ઓળંગી જનારા માછીમારોના કિસ્સામાં કામ ચલાવવા બંને દેશના સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશોના બનેલા સમાન ન્યાયિક તંત્રની સ્થાપના જેવી કોઈ દરખાસ્ત તેમજ બંને દેશના નિર્દોષ માછીમારો માટે લાભદાયી નિવડે તે માટે આવી કોઈ વ્યવસ્થા અંગે વિચારણા માટે બંનેમાંથી કોઈ પણ સરકાર કાર્યરત છે કે કેમ. મંત્રીના નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાનની સરકારો દ્વારા 2008માં બંને બાજુના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઈન્ડિયા-પાકિસ્તાન જોઈન્ટ જ્યુડિશિયલ કમિટિ ઓન પ્રિઝનર્સ’ની સ્થાપના કરાઈ હતી જે કેદીઓ તથા માછીમારો સાથે માનવીય વ્યવહાર માટે પગલાં ઉપરાંત તેમની ઝડપી મુક્તિ માટે ભલામણ કરવાની હતી.

આ નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, અત્યાર સુધીમાં બંને દેશ દ્વારા આ કમિટિની વારાફરતી સાત મિટિંગનું પણ આયોજન કરાઈ ચૂક્યું છે.આ નિવેદન અનુસાર, ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવાના કેસનો રિપોર્ટ થાય છે કે તુરત પાકિસ્તાન સરકાર પાસેથી કોન્સ્યુલર એક્સેસની ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા માગણી કરવા માટે ત્વરિત પગલાં લઈ લેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.