Abtak Media Google News

001 2

શું તમે ‘બુરખા’વાળા કબૂતર જોયા છે? સંદેશા વાહકથી લઇને જાસુસી કરવા સુધીની આ છે, વિવિધ માહિતી

પ્રાચિનકાળમાં તેનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો, તો આજે પણ તેને પેટે કેમેરો બાંધીને જાસુસી કરવા પણ ઉપયોગ થાય છે: મોટા ભાગે જુથમાં રહેવા ટેવાયેલા ભોળા કબૂતરો શિકારી જાળમાં આસાનીથી ફસાય જાય છે

આપણે સાદા કબૂતરો કે સફેદ કે કાળા જેવા પાંચ છ જાતના કબૂતરો જોયા હોય છે પણ દુનિયામાં તેના પ્લમેજ, રંગ અને

અન્ય શારીરીક લાક્ષણિકતા ધરાવતા અજાયબી જેવા કબૂતરો પણ છે: તેને પાળવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જોવા મળે છે

કબૂતર એક એવું પક્ષી છે જે આપણી ફિલ્મોમાં વર્ષોથી સ્થાન પામેલ છે. આપણે પણ તેને પસંદ કરીએ છીએ અને તેને ચણ નાખવા જઇએ છીએ. શહેર કે ગામની ખુલ્લી જગ્યામાં તેના ટોળા ચણતા જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કબૂતરો માતા લક્ષ્મીનાં ભક્ત હોય છે. તેના વિશે ઘણી શુભ-અશુભ લોકવાયકા આપણાં સમાજમાં પ્રવર્તે છે. તે કપોતકુળનું પક્ષી ગણાય છે, તેને મેરૂ દંડધારી પક્ષી પણ કહેવાય છે. કબૂતર રાખોડી, સફેદ કે વિવિધ રંગોના સમુહમાં જોવા મળતું શાંતિપ્રિય નિદોર્ષ પક્ષી છે. વિશ્વભરમાં તે શાંતિના પ્રતિક તરીકે મનાય છે. તેની ઉડવાની ક્ષમતા ખૂબ જ પાવરફૂલ હોવાથી તેની રેસ પણ લગાડવામાં આવે છે. આજે વિશ્વમાં તેની 50 જાતિઓમાં વિભાજીત થયેલ 344 પ્રજાતિઓ છે તે પૈકી 13 પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે. બધા જ દેશોમાં કબૂતર જોવા મળે છે જે મોટા ભાગે ઘર આસપાસ રહેનારૂં પક્ષી છે.

Advertisement

આજના આ કબૂતરોના લેખમાં દુનિયાના સૌથી રૂપકડા કબૂતરોની વાત કરવી છે. જેમાં બુરખાવાળા, પગમાં મોજાવાળા, મોર જેવી લાંબી પૂંછડી વાળા કે મોટું ગળું ફૂલાવનાર કબૂતરો રોચક માહીતી આપવી છે. આ રૂપકડાં કબૂતરોની યાદીમાં મુખ્ય દેવદૂત, બ્રુનર પાઉડર, ગુલાબી ગળાનું લીલુ કબૂતર, નિકોબાર, વિકટોરીયા તાજ, ફિલબેક, બ્રોન્ઝ વિંગ, જેકોબીન, ફેન્ટાઇલ, આઇસ, સ્પીની ફેક્સ અને પાઇડ ઇમ્પીયરલ જેવા વિવિધ પ્રજાતિના કબૂતરો છે. વાતાવરણ અને દેશના પર્યાવરણ તેમના કદ-આકાર, રંગો અને પીંછામાં ફેરફાર જોવા મળે છે.

વિશ્વમાં રેસિંગ કબૂતરોની બોલબાલા છે, વિજેતા કબૂતરોની બોલી કરોડો રૂપિયામાં હોય છે. ખાસ તાલિમ પામેલા કબૂતરો ચોક્કસ સ્થળએથી છોડવામાં આવે છે. જે પોતાના મૂળ સ્થાને તેની ચોક્કસ જગ્યા ઉપર આવીને બેસે છે. તે 100થી એક હજાર કિ.મી.ઉડી શકે છે. ‘હોમર’ કબૂતર રેસિંગ માટે ખૂબ જ જાણીતું નામ છે. વિશ્વની સૌથી ટોપ રેસિંગ પીજન બ્રિડમાં હોમર ઉપરાંત બેલ્જિયમ પોસ્ટલ, ઇન્ગિલીશ કેરી, મોસ્કોસજન, ટેપટર્મન, દમાસ્ક, હોટ ટર્મન, કલોટ અને જર્મન એલ્સ્ટર કબૂતરનો સમાવેશ થાય છે. 20મી સદીમાં કબૂતરોની હોમિંગ ક્ષમતાને કારણે પ્રથમ અને બીજા વિશ્વ યુધ્ધમાં તેનો ઘણો ઉપયોગ કરાયો હતો. રેસિંગ કબૂતરોએ ઘણા સૈનિકોના જીવ બચાવ્યા હતા.

02 11

  • ફ્રિલબેક : ફેન્સી કબૂતરની એક જાતિ જે ઘણા વર્ષોથી સંવર્ધન કરાય છે. પાળેલા કબૂતરોની અન્ય જાતો સાથે આ કબૂતર રોકકબૂતર (કોલમ્બાલિવિયા)ના વંશ જ છે. તેમની સુંદરતા અને પીંછા આભૂષણ જેવા સુંદર લાગે છે. કબૂતરની પ્રજાતિમાં તે સૌથી રૂપકડું કબૂતર છે.
  • સામાજીક કબૂતર : જે આપણી આસપાસ જોવા મળે છે. તેના જેવા જ રંગ-રૂપ ધરાવતા કબૂતરો ફ્રેન્ચની સૌથી જુની જાતિ છે. જર્મનમાં પણ તેની અમુક ફેમિલી પ્રજાતિ જોવા મળે છે. ઉડવામાં ઓછાને પરેડ કરીને સંતુષ્ટ થાય છે.
  • અંગ્રેજી બુલન્ટ : જાજરમાન પીંછાથી ઢંકાયેલા પગ, પાતળી કમર સાથે સૌર્દ્ય સ્પર્ધામાં અવ્વલ આવતા આ કબૂતર ફાઉન્ટનનું મીની સંસ્કરણ ગણાય છે.
  • ઓરિએન્ટલ રોલર કબૂતર : આ પ્રજાતિની ઘણી વિશિષ્ટતા છે અને નાની ચાંચ તેનું આકર્ષણ છે. વ્હાઇટમાં બ્લેક છાંટણા અને ગળામાં બ્લેક એન્ડ વ્હાઇટ પીંછા તેને વધુ રૂપકડું બનાવે છે.
  • બુડા પેસ્ટ હાઇ-ફ્લાવર્સ : આ કબૂતરોની ઉડવાની ક્ષમતા ખૂબ જ હોય છે. તેઓ મૂળ બુડાપેસ્ટના છે, તેમની મોટી હાયપર એકપ્રેસિવ આંખો તેની ખાસિયત છે. 12 થી 14 કલાક હવામાં ઉડતા રહેતા કબૂતરોની પ્રજાતિમાં તેની વિવિધ 12 પેટા પ્રજાતિ વિકસીત કરાય છે.
  • ઓલ્ડ ડચ કેપ્યુચીન : મોઢાની આસપાસ બુરખા જેવી પીંછા તેને ખૂબ જ આકર્ષક બનાવે છે. તેની ચાલ-છટા તેના રાજા જેવા કોલર સાથે અદ્ભૂત લાગે છે.
  • સેક્સન કબૂતર : પગમાં મોજા જેવા પીંછા સાથે બંને સાઇડની પાંખ સફેદ કલર સાથે વધુ આકર્ષણ લાવે છે. પાંચ અને માથા ઉપર ટોપી જેવી હેલ્મેટ ખૂબ જ રૂપકડું લાગે છે.
  • લોંગ ફેસ ટમ્બલર : પગમાં સફેદ પીંછાના મોજા, ગોળાકાર કપાળ અને નાનકડી ચાંચ અને ગળાના સુવાળા પીંછાના કલરથી સાવા આછી શરીરનાં કલરથી તે ખૂબ જ સુંદર લાગે છે.
  • એમ્સ્ટર્ડમ બુલન્ટ : આ પ્રજાતિ માદાને આકર્ષવા પોતાના ગળામાં હવા ભરીને ચક્કર મારતાં જોવા મળે છે. ગળું એટલું મોટું ફૂલાવે કે તેનું માથુને ચાંચ આપણે શોધવી પડે છે. તે ક્યારેય માથુ નમાવતું નથી.
  • પીકોક કબૂતર : પંખાવાળા કબૂતર રાજા રજવાડાના સમયથી જોવા મળે છે. આ કબૂતર મોરની જેમ તેના પીંછાથી કાયમી કળા કરે છે તેને ફેન્ટેઇલ કબૂતર પણ કહેવાય છે. તેની ચાલવાની છટા લાજવાબ છે.

દુનિયાનું સૌથી રૂપકડું કબૂતર વિક્ટોરિયા ક્રાઉન્ડ !!

નેવી બ્લુ કસર સાથે પૂંછડી અને પાંખનો થોડો ભાગ સ્કાય બ્લુ કલરમાં આ વિક્ટોરિયા ક્રાઉન્ડને ખૂબ જ આકર્ષક બનાવે છે. માથા ઉપર મોર જેવી રૂપકડી કલગી મનમોહી લે છે. આ કબૂતર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. ખુલ્લા મેદાનોમાં ખોરાક ચણતાં આ કબૂતરો પૃથ્વી પરનાં સૌથી રૂપકડા લાગે છે. કુદરતી અદ્ભૂત રચના અને સુંદરતા આ ક્રાઉન્ડને મળી છે. કબૂતરની તમામ પ્રજાતિઓમાં સૌથી રૂપકડું આ કબૂતર છે. કબૂતરના ખાસ શોખીનો આને પણ પાળે છે. દુનિયામાં કબૂતરોને પાળવા ઘણા સહેલા હોવાથી લોકો તેને પાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.