Abtak Media Google News

૧૧ અને ૧૨ જાન્યુઆરીએ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી

પ્રદેશ ભાજપ બેઠક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે લોકસભા ચુંટણી પ્રભારીઓની નિમણુક કરી છે. તે અંતર્ગત ગુજરાતના લોકસભા ચુંટણી પ્રભારી તરીકે નિયુકત ઓમજી માથુરને પ્રદેશ ભાજપાએ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની નિયુકિત ઉતરપ્રદેશના લોકસભા ચુંટણી પ્રભારી તરીકે કરવામાં આવી છે તે બદલ ગોરધનભાઈ ઝડફિયાનું અભિવાદન કરી શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રદેશ બેઠકમાં આગામી વિવિધ કાર્યક્રમો વિશે ચર્ચા-વિચારણા કરીને આગામી ચુંટણી વિશેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

Advertisement

આગામી કાર્યક્રમોની માહિતી આપતા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૬ થી ૩૧મી ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજયમાં આશરે ૯૦૦૦ જેટલા શકિત કેન્દ્રોના નિમાયેલા ઈન્ચાર્જઓ સાથે પ્રદેશ સંગઠનના હોદેદારો તેમજ લોકસભાના પ્રભારીઓ, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જો બેઠકો યોજશે તે પછી તા.૧ જાન્યુઆરી થી ૯ જાન્યુઆરી દરમિયાન દરેક લોકસભામાં આશરે ૪૦૦૦ જેટલી ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર રાજયમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર એમ કુલ મળીને એકાદ લાખ જેટલી ખાટલા બેઠકો યોજવામાં આવશે. રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તેમજ તેમના દ્વારા કરેલ કાર્યોને પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવશે અને જનસંપર્ક થકી સરકારની યોજનાઓ તેમજ કાર્યોથી માહિતગાર કરવામાં આવશે. બુથસંગઠન વધુ મજબુત કેવી રીતે બને તે માટેના તમામ પ્રયત્નો આ બેઠકમાં કરવામાં આવશે. આમ, ૫૦ લાખ લોકોનો સીધો સંપર્ક ભાજપા દ્વારા કરવામાં આવશે.

આગામી ૩,૪,૫ જાન્યુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળા સમગ્ર રાજયમાં ગુજરાત સરકાર યોજવા જઈ રહી છે. ભાજપાની સરકારે હર-હંમેશ ગરીબલક્ષી જનલક્ષી કાર્યો કર્યા છે અને ભાજપનો કાર્યકર તેનો વાહક બન્યો છે. ગરીબોના હકકો તેમને મળે તે માટે ભાજપાનો કાર્યકર ગરીબ કલ્યાણ મેળામાં સરકારની સાથે જોડાશે અને લાભાર્થીઓને લાભો મળે તે માટે તત્પર બનશે. જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૧-૧૨ જાન્યુઆરીના રોજ ભાજપાની રાષ્ટ્રીય કારોબારી દિલ્હી ખાતે યોજાશે.

ગુજરાતમાંથી આશરે ૧૦૦૦થી વધુ કાર્યકર્તાઓ આ રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેશે અને માર્ગદર્શન મેળવશે. લોકસભાની આગામી ચુંટણી પહેલા જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં શ્રૃંખલાબંધ કાર્યક્રમો થકી કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારવાનું કાર્ય સંગઠન કરશે અને આગામી ચુંટણીઓમાં ભવ્ય વિજય મેળવી શકાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.