Abtak Media Google News

તોડજોડની ગેમ નહિ, વિચારધારાની ગેમ મહારાષ્ટ્રમાં શિંદે જૂથ સમજી ગયું તેમ હવે એનસીપીનું એક જૂથ પણ બરાબર રીતે સમજી ગયું કે અસમાન વિચારધારાવાળી પાર્ટી સાથે રહેશું તો અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે

ભાજપનું લોકસભામાં 400 પ્લસ બેઠક મેળવવાનું લક્ષ્યાંક છે. મહારાષ્ટ્રમાં એનસીપી નેતાઓનું એનડીએ સાથે મિલન ભાજપના આ લોકસભાના લક્ષ્યાંકને સિદ્ધ કરાવશે તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે જો કે બીજી બાજુ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ તોડ જોડની ગેમ નથી. આ વિચારધારાની ગેમ છે. મહારાષ્ટ્રમાં શિંદે જૂથ સમજી ગયું તેમ હવે એનસીપીનું એક જૂથ પણ બરાબર રીતે સમજી ગયું કે અસમાન વિચારધારાવાળી પાર્ટી સાથે રહેશું તો અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે એટલે તેને સમાન વિચારધારાવાળી પાર્ટી સાથે બેસવું પડ્યું છે.

મહારાષ્ટ્રના રાજકીય ચિત્રમાં પરિવર્તન આગામી સામાન્ય ચૂંટણીઓ સાથે જોડાયેલું હોય તેવું લાગે છે. જ્યાં ભાજપ રાજ્યની કુલ 48 લોકસભા બેઠકો જીતવા અને તે જ સમયે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની એકતાના પ્રયાસોને નબળા પાડવાની નજરમાં છે.  મહારાષ્ટ્રમાં ભાજપની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા અજિત પવાર વિપક્ષના નેતાના પદ પરથી સીધા નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને અજિત અન્ય 8 ધારાસભ્યો સાથે મંત્રી બન્યા બાદ 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો પણ કરે છે.  એવું માનવામાં આવે છે કે આ તાજેતરના રાજકીય વિકાસ સાથે, લોકસભામાં મોદીની જીતનો માર્ગ સરળ બનશે, વિધાનસભા અને મહાનગરપાલિકાઓમાં પણ ભાજપની જીત સરળ બનશે.

રાજકીય વિશ્લેષકોના મતે હિમાચલ અને કર્ણાટકમાં હાર અને બિહારમાં નીતીશ કુમાર સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપની સૌથી મોટી ચિંતા મહારાષ્ટ્રની 40 લોકસભા બેઠકો માનવામાં આવી રહી હતી, જેના પર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવ સેના, કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડશે.જેની તૈયારી કરી રહી હતી  જો આ ત્રણેય પક્ષોએ ભાજપ સામે સંયુક્ત ઉમેદવાર આપ્યો હોત તો ભાજપને હારનો સામનો કરવો પડી શક્યો હોત.  મહારાષ્ટ્રના રાજકારણના નિષ્ણાતો માને છે કે હવે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીના ભાજપમાં વિલીનીકરણને કારણે મહા વિકાસ અઘાડી મજબૂત ઉમેદવારથી વંચિત રહી ગઈ છે.  એનસીપીમાં ફટકો માર્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં જીતની શક્યતા નિશ્ચિત હોવાને કારણે મોદી માટે કેન્દ્રમાં ફરીથી વડાપ્રધાન બનવું આસાન બની જશે.

રાજકીય વિશ્લેષકોના મતે પણ ભાજપ-શિવસેનાની સરકારમાં એનસીપીનો એક જૂથ એકસાથે આવવાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ સત્તા પર આવવું આસાન બનશે અને 2019ની ચૂંટણીમાં જીતનું સ્વપ્ન સાકાર થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અનેક નગરપાલિકાઓ અને કાઉન્સિલોને પણ સરળતા રહેશે.

શિવસેના-ભાજપ સરકારમાં એનસીપીના ધારાસભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ અને શરદ પવારના નજીકના સાંસદ સુનિલ તટકરે અને શરદ પવારના નજીકના સાથી છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, અદિતિ તટકરે અને હસન મુશરિફ હાજર રહ્યા હતા. આ સરકારમાં ખાસ લોકો મંત્રી બનવાના મોટા સંકેતો છે.  રાજકીય વિશ્લેષકો માને છે કે કેન્દ્રીય એજન્સીઓ તેમાંથી મોટા ભાગની તપાસ કરી રહી છે અને તેમનું સરકારમાં જોડાવું વધુ આઘાતજનક છે.  કારણ કે ખુદ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં એનસીપીને નેશનલ કરપ્ટ પાર્ટીનું બિરુદ આપ્યું છે.  તેમ છતાં, તેમને સરકારમાં લાવવું એ કેન્દ્રમાં સત્તા પર પાછા આવવા માટે શક્ય તેટલી લોકસભા બેઠકો જીતવા માટે ભાજપની રાજકીય મજબૂરીને રેખાંકિત કરે છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જેના પર કોંગ્રેસે 25 અને એનસીપી 19 બેઠકો પર ગત વખતે ચૂંટણી લડી હતી.  જ્યારે બાકીની ચાર બેઠકો બહુજન વિકાસ આઘાડી અને સ્વાભામાની શેતકરી સંગઠનને આપવામાં આવી હતી.  25 સીટોમાં કોંગ્રેસે માત્ર એક સીટ જીતી છે જ્યારે એનસીપીને ચાર સીટો પર જીત મળી છે.  ત્યારે શિવસેનાએ 18 બેઠકો જીતી હતી.  આ વખતે એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવને સહાનુભૂતિ મળી રહી છે અને કોંગ્રેસ-એનસીપીનું સમર્થન અને સામૂહિક રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાની યોજનાને ભાજપના આંતરિક સર્વેમાં રાજકીય રીતે જોખમી ગણાવવામાં આવી છે.  આ જોખમમાંથી છૂટકારો મેળવવા માટે, ભાજપે મોટી દાવ રમી અને અજિત પવાર સહિત એનસીપીના મોટા વર્ગને સાથે લીધો.

મહારાષ્ટ્ર રાજકારણનું એપી સેન્ટર, તેની અસર દેશભરમાં પડે!

મહારાષ્ટ્રનું મુંબઇ જેમ આર્થિક પાટનગર છે. તેમ મહારાષ્ટ્ર રાજ્ય પણ રાજકારણનું એપી સેન્ટર છે. અહીંની રાજનૈતિક હલચલની અસર સમગ્ર દેશમાં પડે છે. તેમાંય અહીં એનડીએ મજબૂત બન્યું છે. એટલે આખા દેશમાં આની અસર જોવા મળશે. ખાસ ક્રિમે લોકસભાની ચૂંટણીમાં આ ઘટનાની અસર સૌથી વધુ જોવા મળશે.

બિહારમાં પણ મહારાષ્ટ્રવાળી થવાના દાવા!

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે બિહારમાંથી આવી જ સ્થિતિ સર્જાઈ તેવા દાવા થઈ રહ્યા છે. એલજેપી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે મહાગઠબંધન સરકાર ટૂંક સમયમાં તૂટી શકે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીના ઘણા ધારાસભ્યો અને સાંસદો એનડીએના સંપર્કમાં છે.  ચિરાગ પાસવાને કહ્યું કે મુખ્યમંત્રી જે રીતે તેમના ધારાસભ્યો અને સાંસદોને મળી રહ્યા છે તે સ્પષ્ટ છે કે તેમને તેમની પાર્ટી તૂટવાનો ડર છે.  ચિરાગે ટોણો મારતા કહ્યું કે જે બીજાનો પક્ષ તોડે છે તેને હંમેશા પોતાનો પક્ષ તૂટવાનો ડર રહે છે.  જો રાજકીય પંડિતોનું માનીએ તો ચિરાગ પાસવાનની ભવિષ્યવાણી સાચી પડી તો ટૂંક સમયમાં બિહારમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.

સમાન નાગરિકત્વ ધારા માટે રાજ્યસભામાં પ્રફુલ પટેલ મહત્વની ભૂમિકા ભજવશે

રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલને પવાર અને એનસીપી માટે સંકટ મોચન માનવામાં આવે છે.  એવું કહેવાય છે કે પટેલે ક્યારેય પવારની પરવાનગી વગર કોઈ રાજકીય નિર્ણય લીધો નથી.  આવી સ્થિતિમાં એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પેટેલ પણ અજિત પવાર સાથે એનડીએન સમર્થનમાં આવ્યા છે.  1999માં પક્ષની રચના થઈ ત્યારથી, તેણે લોકસભા અને વિધાનસભામાં બેઠકોની ફાળવણી અને મંત્રીમંડળની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.  તેમજ ગાંધી પરિવાર અને દિવંગત નેતા અહેમદ પટેલ સાથેના સારા સંબંધોને કારણે તેઓ મહાવિકાસ અઘાડીની રચનામાં પણ મોટા રાજકારણી ગણાય છે.હવે પ્રફુલ પટેલે એનડીએના સમર્થનમાં છે એટલે સંસદના આગામી ચોમાસુ સત્રમાં સમાન નાગરિકત્વ ધારા બીલ કે જે રાજ્યસભામાં પસાર કરવું ભાજપ માટે પડકારભર્યું છે. તેમાં પ્રફુલ પટેલ પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા સેવાઈ રહી છે.

સુપ્રિયા સુલેનું કૂણું વલણ પણ ઘણું કહી જાય છે!

શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેએ જણાવ્યું કે શરદ પવાર દરેક સાથે એક પરિવારની જેમ વર્તે છે અને તેઓ અમારા વરિષ્ઠ નેતા છે.  તેમનો જવાબ હતો કે આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ, જ્યાં દરેકને પોતાનો અભિપ્રાય બોલવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર છે.  અજિત પવારનું આ પગલું તેમનો પોતાનો નિર્ણય છે.  અજિત પવાર સાથેના મારા સંબંધો બદલાશે નહીં, તેઓ હંમેશા મારા મોટા ભાઈ રહેશે. બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એવું કહ્યું કે શરદ પવારની મરજી વગર અજિત પવાર કોઈ પગલું ન ઉઠાવી શકે. આવતીકાલે સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બને તો તે કોઈ મોટી વાત નહીં હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.