Abtak Media Google News

ગુજરાત સરકારે ડિસેમ્બર 2020થી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ કર્યો ત્યારથી સત્તાધીશોને જમીન પચાવી પાડવાની 4000થી વધુ અરજીઓ મળી છે. આ જમીનની કિંમત 567 કરોડ રૂપિયા થાય છે. જંત્રી મૂલ્યની ગણતરીથી આ રકમ આંકવામાં આવી છે. જો કે આ જમીનની વાસ્તવિક કિંમત ઘણી વધારે હોય શકે છે.

આ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ 4138 જમીન પચાવી પાડવાની ફરિયાદો નોંધાઈ છે, જેમાં 196 કેસોમાં 728 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.  અન્ય અરજીઓ તપાસના વિવિધ તબક્કામાં છે.  રાજ્યના માહિતી ખાતાના સત્તાવાર રેકોર્ડ મુજબ કુલ 28.55 લાખ ચોરસ મીટર જમીન પચાવી પડાયેલી જમીન તરીકે નોંધાઈ છે.  રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 77 કેસોમાં સુમો મોટો મારફત એફઆઈઆર નોંધી છે.

196 કેસમાં 728 લોકો સામે કાર્યવાહી : પચાવી પાડવામાં આવેલી જમીનની જંત્રી દર મુજબ કિંમત રૂ. 567 કરોડ

77 કેસમાં સરકારે સુઓમોટો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

નવા અધિનિયમની તૈયારી અને અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિક મુખ્ય સચિવ (મહેસુલ) પંકજ કુમારે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારની નવી જમીન-કબજો અધિનિયમ અંતર્ગત નવા અધિનિયમના કડક અમલ માટે જિલ્લા અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે.  તમામ અરજદારોને ન્યાય મળે તે માટે તમામ કાર્યક્રમોની ટોચની કક્ષાએ સમીક્ષા કરવામાં આવી રહી છે. ’’

તેમણે ઉમેર્યું, “રાજ્ય સરકાર પણ જમીન કબજે કરવાની અરજીઓ ઓનલાઇન સ્વીકારે છે, અને કડક અમલ થાય તે માટે તમામ સ્તરે દેખરેખ રાખે છે.” કાયદાની જોગવાઈઓ હેઠળ દોષિત જમીન પચાવી પાડનારાઓને ઓછામાં ઓછી 10 વર્ષની કેદની સજા થશે, જે 14 વર્ષ સુધીની લંબાઈ શકે છે.

આ કાયદા માટે વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાઈ છે. આ કાયદા હેઠળ કેસ આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે. ફરિયાદ FIR નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. આ કાયદા અન્વયેના ગૂનાઓની તપાસ DYSP ના દરજ્જાના અધિકારી કરશે. તો સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. આ ઉપરાંત વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકે છે.

લેન્ડમાફિયાને ભીડવવાના આ પાંચ સ્ટેપ

  1. લેન્ડગ્રેબિંગ એકટમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ તમામ અરજીઓની સમીક્ષા કરશે.
  2. કલેક્ટર અને તંત્રને સુઓમોટો એક્શન લેવાની સતા, હાઈપ્રોફાઈલ લેન્ડગ્રેબિંગ અને સરકારી જમીનમાં કબ્જેદારો સામે કાર્યવાહીની સતા
  3. નોંધાયેલા કેસની નિશ્ચિત મુદતમાં તપાસ કરવાની, અહેવાલ સુપ્રત થવાના 21 દિવસમાં જિલ્લા કલેક્ટરે નિર્ણય કરી લેવાનો
  4. લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે ગુનો બને છે કે નહીં તેનો નિર્ણય કરી સમિતિ પોલીસ ફરિયાદ કરી શકશે. પોલીસે 7 દિવસમાં ગુનો નોંધવાનો રહેશે.
  5. પોલિસ ફરિયાદના 30 દિવસની અંદર સ્પેશિયલ કોર્ટમાં 30 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાની રહેશે. તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીએ કરવાની રહેશે.

જમીન પચાવી પાડવાના સૌથી વધુ કેસ રાજકોટમાં, પણ કાર્યવાહીમાં કલેક્ટરની નીરસતા

જમીન પચાવી પાડવા મામલે રાજકોટ જિલ્લો કુખ્યાત છે. અહીં સેંકડો કેસો નજર સમક્ષ છે. સેંકડો અરજીઓ પણ આવે છે. પણ જિલ્લા કલેક્ટરની કાર્યવાહીમાં નિરસતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જેટલી અરજીઓ આવે છે. તેની તપાસ પણ નિયત સમયમાં થતી ન હોવાની બુમરાળ ઉઠી છે. ઉપરાંત અનેકવિધ કેસોમાં તથ્ય નજરસમક્ષ હોવા છતાં પણ સુઓમોટો દાખલ કરવામાં પાછીપાની કરવામાં આવી રહી છે. આમ રાજકોટ જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ જાણે સદતું ન હોય અને તેની એલર્જી હોય તેવું જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.