Abtak Media Google News
  • 50677 મતદાન મથકો: દરેક વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક ઉભુ કરાશે: 1274 સખી મતદાન મથકો
  • આચાર સંહિતા ભંગની ફરિયાદો હવે ઓનલાઇન પણ કરી શકાશે

ફરિયાદોના ઝડપથી નિકાલ અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ માટે દરેક જિલ્લા કક્ષાએ તેમજ ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે.

એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ ં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતીએ જણાવ્યું હતું કે,   આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.  85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

સપ્ટેમ્બર-2023 ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-2023ના બીજા અઠવાડિયા (સંક્ષિપ્ત સુધારણા 2024) સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંબંધે અરજી કરેલ તેવા 13 લાખથી વધુ મતદારો માટે ઊઙઈંઈ વિતરણની કામગીરી ડિપાર્ટમેન્ટ ઑફ દ્વારા હાલ ચાલુ છે, જે માર્ચ-2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ડિસેમ્બર-2023ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-2024ના પહેલા અઠવાડિયા સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંદર્ભે અરજી કરેલ તેવા 3.5 લાખથી વધુ મતદારો માટે ઊઙઈંઈ કાર્ડ મતદાનના દિવસ પૂર્વે તમામને મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ મતદાન મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બુથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા 07 મતદાન મથકોની મહિલા સંચાલિત  એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે.

ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે. દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો બનાવવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે 217 મતદારો માટે શિપિંગ ક્ધટેઈનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મતદારોને મતદાન કરવા બસમાં 82 કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.

ગત વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80+ વર્ષની ઉંમરને બદલે 85+ વર્ષ કરેલ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

લોકશાહીના મહાપર્વને સુપેરે પાર પાડનારા કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાના આધારસ્તંભ સમાન છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000 નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800 થી વધુ પ્રિસાઈડિંગ ઑફિસર્સ, 1.67 લાખથી વધુ પોલીંગ ઑફિસર્સ, 6,300 થી વધુ સેક્ટર ઑફિસર અને 5,200 થી વધુ માઈક્રો ઑબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1 લાખ 20 હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરીયાદ હવે ઓનલાઈન અને રીયલ ટાઈમમાં થઈ શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ c-VIGIL એપ્ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આ અંગેની ફરીયાદ કરી શકશે.

ચૂંટણી જાહેર થતાંની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં 756 ફ્લાઈંગ સ્કોડ, 206 એકાઉન્ટીંગ ટીમ, 251 વિડીયો વ્યૂઈંગ ટીમ, 480 વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સુચનાઓ મુજબ તમામ જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે આઈ.ટી. ઈનિસિયેટીવ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ESMS App-(Election Seizure Management System)  તૈયાર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા સહિત ઈલેક્ટ્રોનિક મિડિયામાં પ્રસારિત કરવાની થતી રાજકીય જાહેરાતોનું સમગ્ર વર્ષ દરમિયાન પ્રિ-સર્ટીફિકેશન મેળવવાની વ્યવસ્થા છે. નોંધાયેલા રાષ્ટ્રીય/રાજ્યકક્ષાના રાજકીય પક્ષ તથા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ જાહેરાત પ્રસારિત કરવાની હોય તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તે સિવાયના નોંધાયેલા ન હોય તેવા રાજકીય પક્ષો કે અન્ય વ્યક્તિઓએ સાત દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે રજૂ કરવાની રહેશે. મતદાનના આગળના દિવસે કે મતદાનના દિવસે પ્રિન્ટ મિડિયામાં પ્રસિદ્ધ કરવાની થતી જાહેરાત ઓછામાં ઓછા બે દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના 50 ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ વેબકાસ્ટીંગ કરવાની સૂચના છે. ગુજરાતમાં આશરે 25,000 થી વધુ મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.  આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી તા. 16.03.2024 થી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ, બ્લોકનં-6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ – કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણ કક્ષના ફોન નંબર- (079) 23257791 અને ફોન/ફેક્સ નંબર- (079) 23257792 છે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. મતદારોની સગવડ માટે સ્ટેટ કોન્ટેક્ટ  સેન્ટરનો હેલ્પલાઈન નંબર- 1800-233-1014 છે. જે કચેરી સમય દરમ્યાન કાર્યરત રહેશે. તે ઉપરાંત, કોઈપણ પ્રકારની ફરીયાદ 1950 (ટોલ ફ્રી નંબર) પર કરી શકાય છે. તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) પર ઑનલાઈન પણ ફરીયાદ કરી શકાય છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ 40 જેટલી LED વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કોલેજ, યુનિવર્સિટી કેમ્પસ, GIDC વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા.

રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ LED  વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ ઍપ્સ તથા EVM અને VVPAT દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સહિતની બાબતોથી મતદારોને અવગત કરાવવામાં આવ્યા હતા.

ગત લોકસભા ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો/વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન પણ આવી LED  વાન પર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.