Abtak Media Google News

પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરનાર 5.08 લાખ છાત્રો સરકારી શાળાના તથા 21 હજાર છાત્રો ખાનગી શાળાના: પરીક્ષાની પેટર્ન બોર્ડ જેવી હશે

સરકાર દ્વારા જ્ઞાનસેતુ, રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિ શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેના તરફ વાલીઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પ્રથમ વર્ષે જ આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે અધધધ 5.29 લાખ છાત્રોનું રજીસ્ટ્રેશન થયું છે.રાજ્ય શિક્ષણ બોર્ડે રાજ્ય સરકારની નવી જ્ઞાનસેતુ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ શાળાઓ માટે પ્રવેશ પરીક્ષા માટે હોલ ટિકિટ અપલોડ કરી છે.  રાજ્ય પરીક્ષા બોર્ડના ડેટા અનુસાર, 5.29 લાખ ધોરણ 5 વિદ્યાર્થીઓએ 27 એપ્રિલે લેવાનારી પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. ડેટા દર્શાવે છે કે 5.08 લાખ અરજદારો સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાંથી છે જ્યારે 21,290 ખાનગી શાળાઓમાંથી છે. ટેસ્ટ પેટર્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષા જેવી હશે.

Advertisement

 

પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા લેવી તે નિયમ વિરુદ્ધ : આરટીઇ ફોરમ

રાજ્યની નવી જ્ઞાનસેતુ શાળાઓમાં પ્રવેશ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો છે. જેને લઈને વાલીઓ માટેના પ્રશ્નોને ઉઠાવતા સંગઠન એવા આરટીઇ  ફોરમે શિક્ષણ વિભાગને પત્ર લખી એન્ટ્રન્સ ટેસ્ટ રદ કરવાની માગ કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે પ્રાઈમરી શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા લેવી તે આરટીઇ એક્ટ 2009 હેઠળ ગેરકાયદેસર છે.

27 એપ્રિલે યોજાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે 50 જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ, 25 જ્ઞાનશક્તિ આદિજાતિ નિવાસી શાળાઓ, 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને 10 રક્ષાશક્તિ સ્કૂલો બનાવવાનું નક્કી કર્યુ છે. ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા એવા તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ આર્થિક પછાત કુટુંબોમાંથી આવે છે તેમને મફત શિક્ષણ આપવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ફન્ડિંગ મોડલ હેઠળ જ્ઞાનસેતુ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આગામી 27મી એપ્રિલે એન્ટ્રન્સ એક્ઝામ યોજાવાની છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.