Abtak Media Google News

મુંબઈના શખ્સ પાસેથી માદક પદાર્થ લાવ્યાની કબુલાત

જૂનાગઢ એલસીબીએ ફરી એક વખત આ જૂનાગઢ શહેરમાંથી રૂ 5.50 લાખની 55 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે. અને જૂનાગઢ પોલીસે ડ્રગ્સના સોદાગર એવા મુંબઈના સાગરદાદા ને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. તે સાથે જૂનાગઢમાં ડ્રગ્સ કોને આપવામાં આવી રહ્યો હતો તથા આ ડ્રગ્સનો કોણ ઉપયોગ કરવાનું હતું તે સહિતની જૂનાગઢ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન શહેરના મજેવડી દરવાજાથી સિવિલ હોસ્પીટલ તરફ જવાના રસ્તે જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં રહેતો સાગર ઉફે સાગરો રાઠોડ પોતાના મોટર સાયકલ પર નીકળેલ તે દરમિયાન એલ.સી.બી. ટીમે આ શખ્સને રોકી, તેની તલાસી લેતા તેમની પાસેથી રૂ. 5.50 લાખની કિંમતનો 55 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા તેને પકડી પાડી, પોલીસ સ્ટેશને લઇ જઇ, વિશેષ પૂછપરછ કરતા આ જથ્થો તેણે મુંબઈ વાળા સાગરદાદા પાસેથી મંગાવ્યો હોવાની કેફીયત આપી હતી.

જૂનાગઢ એલ.સી.બી. એ જૂનાગઢના સાગર ઉફે સાગરો રાઠોડના કબજામાંથી મળી આવેલ રૂ. 5.50 લાખની કિંમતનો 55 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઉપરાંત મોબાઇલ નંગ-2 કિ. રૂ. 11,000 તથા રોકડ રૂ.23,800 તથા મો.સા.-1 કિ. રૂ. 70,000 મળી કુલ કિ. રૂ. 6,54,800 નો મુદ્દામાલ જપ્ત કરી,  ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા સાગર ઉફે સાગરો રાઠોડ તથા ડ્રગ્સની જથ્થો આપનાર મુંબઈના સાગર દાદા સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં જૂનાગઢ એલસીબી પીએસઆઇ. ડી.જી.બડવા એ ગુનો નોંધાયેલ છે.

જૂનાગઢમાંથી પકડાયેલા મેકેડ્રોન ડ્રગ્સના જથ્થા ના આ ગુનાની તપાસ જુનાગઢ એસ.ઓ.જી. પો.ઇન્સ. એ.એમ.ગોહિલ એ શરૂ કરી છે, અને હાજર નહીં મળી આવેલા પક્ષના સોદાગર મુંબઈના સાગર દાદાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, જુનાગઢ જીલ્લા અને જુનાગઢ શહેરમાંથી અગાઉ પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ગઈકાલે જૂનાગઢ એલસીબીએ રૂપિયા 5.50 લાખનો જથ્થો પકડી પાડતા શહેરના પ્રબુદ્ધ અને બુદ્ધિજીવી લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. કારણ કે, જુનાગઢ એ ધાર્મિક સંસ્કાર અને ઐતિહાસિક નગરી છે, ત્યારે જૂનાગઢના યુવક-યુવતીઓને નશાની લત ન લાગે અને ડ્રગ્સના આદિ ન બને તે જરૂરી છે તો બીજી બાજુ પોલીસે પણ ડ્રગ્સના સોદાગરો સામે લાલ આંખ કરી એક પછી એક ડ્રગ્સના જથ્થા પકડી પાડી, ડ્રગ્સના સોદાગરો અને મોજ માણતા લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.