Abtak Media Google News

યુવાનો ગાયો ખરીદવા માટે ગયા હતા ત્યારે ગાઢ ધુમ્મસને કારણે સર્જાયો ગોઝારો અકસ્માત: પરિવારમાં કલ્પાંત

હરિયાણા ગાયો ખરીદવા માટે ગયેલા પાટણના ધિણોજ નજીક આવેલા કમાલપુર, સીતાપુરા અને મહેસાણાના સામેત્રા સહિતના ચાર યુવકોની કારને હરિયાણા એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે ગોઝારો અકસ્માત નડ્યો હતો જેમાં ધુમ્મસને કારણે તેમની કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ચારેય યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચારેય યુવકોના ચાર આશાસ્પદ યુવકોના મોતને પગલે સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. ચાર યુવકો પૈકી એક પાર્થિલ ભરતભાઈ ચૌધરી નામનો યુવક દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ભાણિયો થતો હોવાનું તેમજ અકસ્માત થયેલ કાર પણ અશોકભાઈના ભાઈ નરેશ ભાઈના નામે હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

Advertisement

વિગતો મુજબ પાટણના ચાણસ્મા તાલુકાના ધિણોજ નજીક આવેલા કમાલપુર ગામના જગદીશભાઈ ચૌધરી ગાયોનો તબેલો ધરાવે છે. ત્યારે કેટલાક દિવસ પૂર્વે જગદીશભાઈ પોતાની નજીક આવેલા સીતાપુરા ગામના બે અને સામેત્રાના એક મળી ચાર યુવકો જી.જે.18.ઇ.એ.9696 નંબરની ક્રેટા કાર લઈને પંજાબના હરિયાણા ખાતે વધુ હરિયાણવી ગાયો લેવા માટે ગયા હતા.

દરમિયાન ગુરુવારે વહેલી સવારે પંજાબ હરિયાણાના એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.બાદલી અને બુપનિયા ગામની વચ્ચે ધુમ્મસને કારણે કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈને ગઈ હતી. ટ્રેલર સાથેની જોરદાર ટક્કરને પરિણામે કારમાં સવાર 5 યુવકો બહાર ફેંકાઈ ગયા હતા અને 5 પૈકી પાર્થિલ, જગદીશ અને મુકેશનું ગંભીર ઇજાઓને પરિણામે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે સ્થાનિક યુવક હંસરાજને બહાદુરગઢ હોસ્પિટલમાં તેમજ ગંભીર ઇજાગ્રસ્ત ભરતકુમારને રોહર્તકની પીજીઆઇ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી બહાદુરગઢ પોલીસે કારના ગુજરાત પાસિંગના રજિસ્ટ્રેશન નંબર આધારે મહેસાણામાં રહેતા માલિકનું સંપર્ક કરી ને ગમખ્વાર અકસ્માતની જાણ કરી હતી. બીજી તરફ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ભાગી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.