Abtak Media Google News

6 અનુસ્નાતક, 46 સ્નાતક જેમાં 26 ઇજનેર અને આર્કિટેક્ટ, 2 એમબીએ સહિત 58 પાર્ષદોએ દિક્ષા લીધી: અમેરીકાના 5, મુંબઇના 7 અને ગુજરાતના 46 પાર્ષદોનો સમાવેશ

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 વાગ્યે ભાગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો.

બીએપીએસના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી.

મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવદિક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી.

મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.

બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિ:સ્પૃહતા અનુભવી છે. 2001ની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું છે કે, ’પ્રમુખસ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો.’

અનેક યુવકો આજે પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંતસ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે કારણકે તેમના સાંનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં  જેમાં 10 ડોક્ટર, 12 એમ બી એ, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70% થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે 55 સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે.

બીએપીએસના વરિષ્ઠ સદ્ગુરૂ ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, ‘ભગવાનને ભજવા એથી મોટી બીજી કોઈ વાત નથી ’ અને આજે આ યુવકો બધા લોકોને ભગવાન ભજવવાના પથ પર જઈ રહ્યા છે. ત્યાગનો માર્ગ એ ઉત્તમ માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમ્યાન 3000 જેટલા નિયમધર્મયુક્ત પરમહંસોને દીક્ષા આપી હતી અને આજે તે જ પરંપરામાં આજે સૌ દીક્ષા લઇ રહ્યા છે. આજે આ સંસ્થાના મોટાભાગના સંતો મહિનામાં 5 નિર્જળા ઉપવાસ કરી રહ્યા છે તેવા ત્યાગી અને તપસ્વી સંતો પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે તૈયાર કર્યા છે.

દીક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં પરમ પૂ.મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે કારણકે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે મોટી વાત છે, પરંતુ તમે તે  કરી બતાવ્યું છે. આપના માતાપિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કારણકે તેઓએ તેમનું હૃદય આપ્યું છે આજે. આપ સૌ શૂરવીર છો, નિયમ પાલનમાં દ્રઢ રાખવા.

અમેરિકન આર્મીમાં સેવારત શેનિકા શાહ જેઓ પૂજ્ય દધીચિ ભગત બહેન છે તેઓએ જણાવ્યું કે મારો ભાઈ સાધુ થાય છે તે જોઈને હું બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું. અમેરિકામાં જન્મ છતાં તે ખૂબ જ સંસ્કારી છે. આ મહંતસ્વામી મહારાજની કૃપા છે.

અમેરિકાના જયશ્રીબેન પટેલ (પૂજ્ય પાણીનિ ભગતનાં પૂર્વાશ્રમનાં માતૃશ્રી)  કહે છે- જ્યારે દીકરાએ સાધુ થવાનો  સંકલ્પ અમારી આગળ રજૂ કર્યો ત્યારે ખરેખર બહુ અહોભાગ્યની  લાગણી થઈ. સ્વામીની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કરે છે.  સ્વામીશ્રીને આપણે શતાબ્દીમાં બીજું તો શું આપી શકીએ પણ આ સેવા અનાયાસે એમની કૃપાથી થઈ ગઈ છે એટલે ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે આવી સેવાની તક અમને મળી.

રાજકોટથી પધારેલા વલ્લભભાઈ જેઓ પૂજ્ય સ્વસ્તિક ભગતના પૂર્વાશ્રમના પિતા થાય તેઓએ આ અવસરે કહ્યું કે દીકરો ભગવાન અને સમર્થ સંત એવા મહંતસ્વામી મહારાજને સોંપ્યો છે એટલે કંઈ જ ચિંતા નથી. પુત્ર પણ રાજી છે, અમે પણ રાજી છીએ.

બીએપીએસનું સંત તાલીમ કેન્દ્ર : 

અમદાવાદથી 150 કિમી દૂર બોટાદ જીલ્લામાં આવેલું સારંગપુર ગામ બીએપીએસ સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે.

ગુરૂના શરણમાં માતૃશક્તિનો અદ્ભૂત સંગમ : સ્મૃતિ ઇરાની (કેન્દ્રીય મંત્રી)

પ્રમુખસ્વામી મહારાજનગરમાં 33,000 મહિલા સ્વયંસેવકોમાં સેવા અને સમર્પણનો સમન્વય

ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજની સેવા માટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટે ઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સામય આપવાની વાત કરી. આપણે આદર્શોના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે. આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે.

સ્વામીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું. ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કે વિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી રત બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવી રીતે ખુશ છો ? તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામી મહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.