Abtak Media Google News

11 વોર્ડની 44 બેઠકો માટે 440થી વધુ દાવેદારો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો ફાઈનલ કરાશે

રાજકોટ,ભાવનગર, જામનગર, વડોદરા, અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જાજરમાન જીત થઈ છે.આગામી 18મી એપ્રીલના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેશરિયો લહેરાવવા ભાજપે પૂરજોશમાં તૈયારી આરંભી દીધી છે.કમળનાં પ્રતિક પરથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટયો છે. 11 વોર્ડની 44 બેઠકો માટે 440થી વધુ દાવેદારો છે.દરમિયાન ઉમેદવારો ફાઈનલ કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આવતા સપ્તાહે ભાજપ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થવા પામી છે. આવામાં હવે આગામી 18મી એપ્રીલના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તાજેતરમાં ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છકોને તથા સંભવિતોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં વોર્ડવાઈઝ 40 થી વધુ દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડવા 440 જેટલા દાવેદારો મેદાનમાં છે. દરમિયાન ઉમેદવારના નામો નકકી કરવા માટે આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી સંભવિતોના નામોની પેનલો બનાવશે. આવતા સપ્તાહે ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામોની સતાવાર ઘોષણા કરી દેવામાં આવેતેવી સંભાવના હાલ જણાય રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના બાદ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતુ. ત્યારબાદ ભાજપે સતા અંકે કરી હતી અને હાલ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. જે જાળવી રાખવા માટે પક્ષ એડી ચોટીનું જોર લગાવશે તેમાં કોઈ શંકા નથી. તાજેતરમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં જેરિતે ભાજપને ઐતિહાસીક જીત મળી છે તે જોતા ગાંધીનગરમાં પણ કમળ ખીલે તેવા આસાર મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.