Abtak Media Google News
  • યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરા સામે પોરબંદર કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
  • 4 શખ્સોને 10-10 વર્ષની સખ્ત કેદની સજા: તમામ દોષિતોને રૂ. 1-1 લાખનો દંડ ફટકારાયો

ભારતના ભવિષ્ય સમાન યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરામાં પોરબંદરની અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2017માં એનસીબીએ પોરબંદર નજીક એક જહાજમાંથી અંદાજિત રૂ. 3500 કરોડની કિંમતનો 1445 કિલો ડ્રગ્સના જથ્થા સાથે કુલ 13 શખ્સોની ધરપકડ કરી હતી. જે મામલે પોરબંદરની એનડીપીએસની ખાસ અદાલતે 6 શખ્સોને 20 વર્ષનો સખ્ત કેદ અને રૂ. 1-1 લાખનો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય 4 શખ્સોને 10-10 વર્ષની કેદ અને રૂ. 1-1 લાખનો દંડ ફટકાર્યો છે. અન્ય ત્રણ આરોપીઓના ચાલુ ટ્રાયલે મોત નીપજ્યા હતા.

બનાવની વિગત અનુસાર વર્ષ 2017ના જુલાઈ મહિનામાં પોરબંદર દરિયા નજીક પ્રિન્સ નામના જહાજમાં ઈરાની નાગરિક સૈયલ અલી મોરાની સાથે મિલાપીપણું કરીને હજારો કરોડનો નશાનો પદાર્થ પોરબંદર મારફત ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરો રહ્યા હતા તે દરમિયાન કોસ્ટ ગાર્ડએ રેઇડ કરીને 7 ક્રૂ મેમ્બર્સ સાથે 1445 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.

કાર્યવાહી બાદ તપાસ હાથ ધરતા અન્ય આરોપીઓની સંડોવણી ખુલી હતી. જેમાં પોરબંદરમાં ડ્રગ્સ ઘુસાડવાની જવાબદારી લેનાર, વેચાણની જવાબદારી લેનાર સહીત કુલ 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આ કામના આરોપીઓએ મે-2017 ના અરસામાં ઇરાની નાગરીક સૈયદ અલી મોરાની સાથે મેળાપીપણુ કરી ઇરાની નાગરીક સૈયલ અલી મોરાનીના વેસલમાં ડ્રગ્સની હેરાફેરી માટે જરૂરી ફેરફારો કરી એકબીજાને મદદગારી કરી તા. 24-7-2017 ના અરસામાં આરોપી સુપ્રીત તિવારી પ્રિન્સ-2 નામની વેસલ (જહાજ)ના કેપ્ટન તરીકે અને આરોપી નં. 2 થી 8 નાઓ તેમાં ક્રુ મેમ્બર તરીકે હતા. જહાજમાં અગાઉથી તૈયાર કરેલ ગુપ્ત જગ્યાઓમાં ઇરાની અને પાકીસ્તાની નાગરીકો સાથે મેળાપીપણું કરી તેમાં નારકોટીકસ ડ્રગ્સ ભરી આ ડ્રગ્સ ગેરકાયદેસર રીતે ધારણ કરી કબજામાં રાખી ભારતમાં વેચાણ અર્થે લાવેલ અને આ ડ્રગ્સના વેચાણ માટે આરોપીઓ અરસપરસ સતત સંપર્કમાં હતા. આરોપી સુપ્રીતે આરોપી વિશાલ જીતેન્દ્ર યાદવ અને સુલેમાન સીદીક ભડેલા સાથે સંપર્ક કરી વાતચીત કરી આરોપી સુજીત સંજય તિવારીને આ ડ્રગ્સના વેચાણ બાબતેની વાતચીત વ્યવસ્થા કરવા કહ્યું હતું.

આ ડ્રગ્સના વેચાણ માટે ગ્રાહકો શોધવા અને ડ્રગ્સ ઉતારવા માટે ગુજરાતના દરીયાકાંઠે સલામત શોધવા જણાવી તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરેલ દરમ્યાનમાં તા. 29-7-2017 ના રોજ ઇન્ડીયન કોસ્ટગાર્ડ ધ્વારા આરોપીઓના હવાલાવાળા વેસલના જરૂરી દસ્તાવેજો, પરમીટ, લાયસન્સ ન હોય, તા. 30-7-2017 ના રોજ પોરબંદર બંદરે વેસલ લાવી તેમાં તપાસ કરતા વેસલમાંના પાઇપો અને છુપી કેવીટીઓમાંથી 1526 પેકેટોમાં કુલ 1445 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ મળી આવેલ. જેમાંથી 101 8 કિલોગ્રામ હેરોઈન અને 427 કિલોગ્રામ મોરફીન હતું. આમ આરોપીઓએ આંતરરાષ્ટ્રીય ગુનાહીત સંગઠનના ભાગ બની ઇરાની અને પાકીસ્તાની નાગરીકો સાથે મળી ગુનાહીત ઇરાદો મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મામલામાં પોરબંદરની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતાં સુપ્રીત તિવારી, સંજય લક્ષમણપ્રસાદ યાદવ, દેવેશકુમાર, મુનિશ મિલાપચંદ, વિનય દૂધનાથ યાદવ, મનીષ સંજયકુમાર પટેલને 20-20 વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂ. 1-1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત સુજીત સંજય તિવારી, વિશાલ જીતેન્દ્ર યાદવ, સુલેમાન સીદીક ભડેલા અને સાઉદ અસલમ પટેલને 10-10 વર્ષની સખ્ત કેદ અને રૂ. 1-1 લાખનો દંડ એનડીપીએસ અદાલતે ફટકાર્યો છે. કુલ 13 આરોપીઓ પૈકી 3 આરોપી અનુરાગ શિવબાબુ શર્મા, દિનેશકુમાર યાદવ અને ઈરફાન મોહમમદ શેખનું ચાલુ ટ્રાયલે મોત નીપજ્યું હતું.

તપાસમાં 23 મૌખિક પુરાવા જયારે 218 દસ્તાવેજી પુરાવા કરાયા એકત્ર

પોરબંદર નજીક ઝડપાયેલા અંદાજિત રૂ. 3500 કરોડના ડ્રગ્સ મામલે તપાસ કરતા 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તપાસ એજન્સીએ 23 મૌખિક પુરાવાઓની સાથે 218 જેટલાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેના આધારે એનડીપીએસ અદાલતે 10 આરોપીઓને તકસીરવાન ઠેરવી સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

જહાજમાંથી 1018 કિલોગ્રામ હેરોઈન અને 427 કિલોગ્રામ મોરફીનનો જથ્થો ઝડપાયો’તો

પોરબંદર બંદરે વેસલ લાવી તેમાં તપાસ કરતા વેસલમાંના પાઇપો અને છુપી કેવીટીઓમાંથી 1526 પેકેટોમાં કુલ 1445 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ મળી આવેલ હતો. જેમાંથી 1018 કિલોગ્રામ હેરોઈન અને 427 કિલોગ્રામ મોરફીન હતું. આમ આરોપીઓએ આંતરરાષ્ટ્રીય ગુનાહીત સંગઠનના ભાગ બની ઇરાની અને પાકીસ્તાની નાગરીકો સાથે મળી ગુનાહીત ઇરાદો મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.