Abtak Media Google News

ચાર દિવસ પહેલાં લાપતા બનેલી મહિલાની લોહીલુહાણ હાલતમાં બુટલેગરના મકાનમાંથી લાશ મળી!

મહિલાની હત્યા શા માટે કરી અને આપઘાત કેમ કર્યો તે અંગેના ભેદ ભરમનો કોયડો ઉકેલવા પોલીસની મથામણ

ચોટીલામાં પાર્ક કરેલી કારમાંથી બુટલેગર ગળુ કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ રાજકોટમાં દમ દોડતા  સસ્પેન્સ થ્રીલર જેવી સ્ટોરીથી પોલીસમાં દોડધામ

પોલીસે મૃતક બુટલેગરના મકાનના દરવાજા તોડી ભેદી રીતે ગુમ મહિલાનો મૃતદેહ કાઢયો: આત્મહત્યા કરનાર બોટાદ પંથકના પ્રૌઢ સામે હત્યાનો ગુનો નોંધાયો

પોરબંદરમાં ચાર દિવસ પહેલાં ભેદી રીતે લાપતા બનેલી સર્ગભાની હત્યા અને તેણીની હત્યાની જેની સામે શંકાની સોય તાકવામાં આવી છે તે નામચીન બુટલેગરે ચોટીલામાં પોતાની જાતે જ ગળા પર છરી હુલાવી કરેલા આપઘાતના બનાવ સાથે અનેક રહસ્યના તાણાવાણા જોડાયેલા છે. હિન્દી સસ્પેન્ડ થ્રિલર જેવી સ્ટોરીનો ભેદ  ઉકેલવા પોરબંદર પોલીસ દ્વારા  બંને મૃતકના મોબાઇલના કોલ ડીટેલ સાથે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પાડોશી મહિલાની હત્યા બુટલેગરે શા માટે હત્યા કરી અને પોતે કેમ જીવન ટૂંકાવ્યું તે અંગેના ભેદ ભરમ ભરેલી ઘટના ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પોરબંદરના જુડાળા નવી ખડપીઠ વિસ્તારની બે સંતાનની માતા કંચનબેન ગત તા.4 એપ્રિલના રોજ ભેદી રીતે લાપતા બન્યા અંગેની કમલા બાગ પોલીસ મથકમાં ગુમ નોંધ જાહેર કરાઇ હતી. દરમિયાન મુળ બોટાદ પંથકના અને ભેદી રીતે ગુમ થયેલી સર્ગભા કંચનબેન બળેજાના પાડોશી ત્રિકમ ઉર્ફે મુન્નો ઉકા ચાવડા ગકિાલે  ચોટીલાના સીએનજી પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી કારમાંથી ગળા પર છરીનો ઘસરકો કરેલી હાલતમાં મળી આવતા તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતુ.ં મૃતક ત્રિકમભાઇ ચાવડા જે કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો તે કારમાંથી લોહીથી ખરડાયેલી ધારદાર છરી મળી આવતા તેને પોતાની જાતે જ ગળા પર છરી હુલાવી આત્મહત્યા કર્યાનું ચોટીલા પોલીસે નોંધ્યું હતું.

ત્રિકમ ચાવડાએ કરેલા આપઘાત અને તેના પાડોશી મહિલાના ગુમ થવાના બનાવને સાથે જોડી પોલીસ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન ત્રિકમ ચાવડા પોરબંદરનો બુટલેગર હોવાનું અને તે પરિવાર સાથે ચાર દિવસથી પોરબંદર ન હોવાનું બહાર આવતા પોલીસે મામલતદારની હાજરીમાં ત્રિકમ ચાવડાના મકાનના દરવાજા તોડતા તેના મકાનમાંથી ભેદી રીતે લાપતા બેનેલી કંચનબેન બળેજાની લોહીથી ખરડાયેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી હતી.

તેના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યાનું પોલીસની પ્રથમિક તપાસમાં બહાર આવતા પી.આઇ.એસ.ડી.સાળુકેએ મૃતક કંચનબેનના પતિ અશ્ર્વિન અરજણભાઇ બળેજાની ફરિયાદ પરથી મૃતક ત્રિકમ ચાવડા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કંચનબેન અને ત્રિકમ ચાવડા પાડોશી હોવાથી બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાના કારણે હત્યા કરી હોવાનું પોલીસ દ્વારા અનુમાન થઇ રહ્યું છે.

ત્યારે સામાન્ય ઝઘડામાં હત્યા કરી નાખવાની બાબત પોલીસને ગળે ઉતરતી નથી બીજી તરફ હત્યા કરી ચાર દિવસથી પરિવાર સાથે ફરી રહેલા ત્રિકમ ચાવડાએ હત્યાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે આપઘાત કર્યો છે કે અન્ય કોઇએ તેની હત્યા કરી સમગ્ર બનાવને આપઘાતમં ખપાવવા ખોટી એલઇબી ઉભી કરી છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે. પોલીસે બંને મૃતકના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી ઉંડી તપાસ હાથધરી છે. ટૂંક સમયમાં જ સમગ્ર ઘટના અંગે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

મૃતક કંચનબેન બળેજાને એક નવ વર્ષની અને એક પાંચ વર્ષની પુત્રી છે. પતિ અશ્ર્વિન બળેજા નગરપાલિકામાં પલ્બંરનું કામ કરે છે. જ્યારે ત્રિકમ ચાવડા મુળ બોટાદનો હોવાનું અને 20 વર્ષથી પોરબંદરમાં સ્થાયી  થઇ પ્રેમ લગ્ન કર્યા છે. તેને બે પુત્રી અને એક પુત્ર છે. તેની સામે દારુ અંગેના અનેક ગુના નોંધાયા છે. ફરી પોતાના વતનમાં ફરી સ્થાયી થવા પાડોશમાં ચર્ચા કરતો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.