Abtak Media Google News

ટંકારામાં સિંચાઇ,રોડ રસ્તા અને વીજતંત્રને સૌથી વધુ નુકશાન: જિલ્લાના ૧૦૮ ગામોમાં ૬૭૫૫ હેક્ટર જમીન ધોવાઈ ગઈ

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને બાદમાં પૂરના પાણી ફરી વળવાથી અંદાજે ૬૦ કરોડના નુકશાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે,જોકે નુક્શન નો સાચો આંક સર્વે પૂર્ણ થયે બહાર આવશે.

જિલ્લા વહીવટીતંત્ર મોરબી દ્વારા અતિવૃષ્ટિ બાદ હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ મોરબી જિલ્લાના સિંચાઇ વિભાગના ૩૦૬ તળાવને ૪૮.૭૮ કરોડનું નુક્શન પહોંચ્યું છે. જયારે વીજતંત્રને ભારે વરસાદને કારણે ૪.૫૦ કરોડનું નુકશાન પહોંચ્યાનું બહાર આવ્યું છે. વધુમાં ભારે વરસાદને કારણે જિલ્લાના ૧૦૮ ગામોની ૬૭૫૫ હેક્ટર જમીનનું ધોવાણ થયું છે ઉપરાંત નર્મદા કેનાલની શાખોમાં ગાબડાં પડતા રૂપિયા ૧.૬૬ કરોડનું નુકશાન પહોંચું છે.માલિયામાં પૂર્ણ પાણી ફરી વળતા સરકારી ગોડાઉનમાં રહેલું અનાજ પલળી જતા ૧૨.૭૦ લાખનું નુકશાન થયું છે.તેમજ માળીયામાં ૮૦૦ મીટર રેલવે ટ્રેક ધોવાઈ જતા ૧.૨૦ કરોડની નુકશાની પહોંચી છે

દરમિયાન ટંકારા અને હળવદની કુલ ૧૨ શાળાઓને પણ વરસાદને કારણે નુકશાન થયું છે જેમાં ટંકારાની ૧૧ શાળા અને હળવદની એક શાળાનો સમાવેશ થયા છે.

ઉલ્લેખનીય છે કે મોરબી,માળીયા,અને વાંકાનેર નગર પાલિકા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાઈ જતા કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યાનું રિપોર્ટમાં જણાવાયું છે.

જોકે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ સર્વેના આંકડા હજુ પ્રાથમિક છે નુકશાનીનો આંક હજુ પણ મોટો હોવાની શક્યતા જિલ્લા વહીવટીતંત્રએ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.