Abtak Media Google News

ઇમારત દુર્ધટના બાદ તંત્ર જાગ્યું…..

જુનાગઢ મનપા દ્વારા ગઈકાલે વધુ 7 સાથે અત્યાર સુધીમાં કુલ 61 જર્જરિત ઇમારતો ઉતારી પડવામાં છે અને 445 થી વધુ ઈમારતોને નોટીસ ફટકારાય છે, ત્યારે જુનાગઢ મનપાના ડેપ્યુટી મેયર નિવેદન આપી રહ્યા છે કે, મનપાના અધિકારીઓ સામે એક્શન લેવા સંકલન સમિતિએ ઠરાવ કર્યો હતો અને મનપાની બેદરકારી અંગે સી.એમ.ને રિપોર્ટ કરાયા બાદ તંત્ર કામે લાગ્યું છે.

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં એક જૂની ઈમારત ધરાશાયી થતા એક સાથે 4 વ્યક્તિઓના દટાઈ જવાથી મોત થયા હતા. અને બાદમાં જૂનાગઢ મનપા કમિશનર સહિતના અધિકારીઓ અને સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું. અને એક અઠવાડિયામાં મનપા દ્વારા 61 જેટલી જર્જરિત ઇમારતોને હટાવવામાં આવી હતી આ સાથે મનપાના 25 કર્મીઓ દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ છે અને 445 જેટલી જર્જરીત બની ગયેલી ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી રહી છે.

દરમિયાન જુનાગઢ મનપાના ડેપ્યુટી કમિશનર ગિરીશ કોટેચા એ પત્રકારને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં જે દુર્ઘટના ઘટી તેમાં મનપા એ ફોલો અપ લીધો ન હતો, અને સર્વે કરાયા બાદ કામગીરી ન કરતા આ ઘટના ઘટી હતી. ત્યારે જૂનાગઢ મનપાની સંકલન સમિતિના સભ્યો દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રીને તે અંગેની સઘડી હકીકત સાથે રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. તે સાથે જવાબદાર સામે પગલાં લેવાની તેમાં માંગ કરવામાં આવી હતી. જે રિપોર્ટ મુખ્યમંત્રીના કાર્યાલય પહોંચતા છેલ્લા ત્રણ – ચાર દિવસથી જુનાગઢ શહેર અને જિલ્લામાં તેની અસર દેખાઈ રહી છે અને શહેરના જર્જરિત મકાનો, દુકાનો અને ઇમારતો ઉતારી લેવામાં આવી રહી છે. તથા સરકારી કચેરીઓ ખાલી કરવામાં આવી રહી છે, અને તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

જો કે બીજી બાજુ જૂનાગઢના તમામ સોશિયલ મીડિયામાં ખુદ ભાજપના અગ્રણીઓ સહિતના બુદ્ધિજીવીઓ અને શ્રેષ્ઠિઓ દ્વારા જુનાગઢના અધિકારીઓ ઉપર મનપાના સત્તાધીશો એ સંકલનની બેઠક યોજી, દોષનો ટોપલો ઠાલવી દીધા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યો છે, એ સાથે સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જે રીતે મનપાના પદાધિકારીઓ દ્વારા દોષનો ટોપલો મનપાના અધિકારીઓ ઉપર ઠાલવામાં આવી રહ્યો છે. તે રીતે જો મનપાના અધિકારીઓ પણ મોં ખોલે તો અનેક રાજકીય આગેવાનો અને ખુદ મનપાના સતાધીશોને પગ તળે રેલો આવે અને ઘણાના તપેલા ચડી જાય તેમ છે. પરંતુ અધિકારીઓ મૌન બની બેસી રહ્યા છે.

આમ, જૂનાગઢની એક ઇમારત ધરાશાયી થતા કાળનો ભોગ બનેલ 4 નિર્દોષ જીવોના મોત બાદ જુનાગઢ શહેરમાં એક તરફ ધડાધડ જરજરીત મારતો ઉતારી લેવામાં આવી રહી છે. બીજી બાજુ મનપાના પદાધિકારીઓ અને જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયામાં અનેક આક્ષેપો અને ગરમાગરમ પોસ્ટ વહેતી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.