Abtak Media Google News

કોરોના બાદ મ્યુકર માઇક્રોસિસની મહામારીના કારણે જરૂરી દવાની અછત ઉભી થતા કેટલાક લેભાગુ દ્વારા ઇન્જેકશનના કાળા બજાર શરૂ કર્યાનું પોલીસના ધ્યાને આવતા મેડિકલ સંચાલક સહિત બે શખ્સોને રૂા.1.40 લાખની કિંમતના 20 ઇન્જેકશન સાથે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડીના ખોડીયારનગરમાં રહેતા અને સુરેન્દ્રનગર આર.પી.પી.સ્કૂલ સામે જનસેવા ઔષધ સ્ટોર નામનો મેડિકલ સ્ટોર ધરાવતા દલસુખ જેરામ પરમાર અને સુરેન્દ્રનરના હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલ મન્સુરી નામના શખ્સોને રૂા.1.40 લાખની કિંમતના 20 ઇન્જેકશન સાથે વાડીલાલ ચોક પાસેથી પોલીસે ધરપકડ કરી છે.

મ્યુકરના દર્દીઓ માટે લીપોસોમલ અને એમથોટેરીસીન-બી ઇન્જેકશન આપવા જરૂરી હોય છે. આ ઇન્જેકશનની મુળ કિંમત રૂા.7 હજાર જેટલી હોય છે. તે નિયત કિંમત કરતા રૂા.3 હજાર વધુ લઇ દલસુખ પરમાર રૂા.10 હજારમાં વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે ઔષધ નિયમનના ઇન્સ્પેકટર વી.જી.કગથરાને સાથે રાખી વાડીલાલ ચોકમાંથી દલસુખ પરમારને બે ઇન્જેકશન સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તે હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલ મન્સુરી પાસેથી ખરીદ કરી કાળા બજારમાં વેચતો હોવાની કબુલાત આપતા સમીર મન્સુરીની ધરપકડ કરી બંને શખ્સો પાસેથી કુલ 20 ઇન્જેકશન કબ્જે કર્યા છે. ઇન્જેકશનના કાળા બજારમાં અન્ય કોણ સંડોવાયું છે તે અંગે વધુ તપાસ હાથધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ખાટલે મોટી ખોટ : મ્યુકરના ખાટલે પથારી ફરી

સુરેન્દ્રનગર પંથકમાં મ્યુકરનાં ઇન્જેક્શનની કાળા બજારી કરતા ઇસમો પકડાયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલ મહાત્માં ગાંધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરની સારવાર આપવામાં જ નથી આવતી અને કોરોના બાદ થતા આ ફૂગજન્ય રોગની સારવાર માટે લોકોને હાલાકી સેહવી પડે છે અને જો કોઇ દર્દીને સારવાર માટે દાખલ કરવો હોઇએ તો તેને સુરેન્દ્રનગરમાં આવેલી 5 થી 6 ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને લોકોના ખીસ્સા ખાલી કરવામાં આવે છે જો કોઇને સિવિલમાં સારવાર લેવી હોય તો તેને રાજકોટ કે અમદાવાદનો સહારો લેવો પડે છે ત્યારે ખાનગીમાં સારવાર લેતા દર્દીઓને ઇન્જેક્શનની અછત થાય તો તે કાળાબજારીઓ પાસે જાય છે. જે લોકો દર્દીઓના ખીસ્સા ખાલી કરતા હોય અને પોલીસ દ્વારા આ કાળા બજારીઓને પકડી પાડવામાં આવ્યા છે પણ હવે પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગરમાં મ્યુકરની સારવાર આપવામાં આવશે કે નહીં સુવિધા ઉભી કરવામાં આવશે કે નહીં અને સરકાર દ્વારા ઇન્જેક્શનની અછતને પૂર્ણ કરવામાં આવશે કે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.