Abtak Media Google News

ઉમરા પાડામાં સૌથી વધુ અઢી ઇંચ, નિઝારમાં એક ઇંચ પાણી પડયું: અન્ય તાલુકામાં ઝાપટા વરસ્યા

આગામી ચાર દિવસ સુધી રાજયમાં છુટા છવાયા વિસ્તારોમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન આજે સવારે પૂરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 74 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડયો હતો. રાજયમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 79.65 ટકા વરસાદ વરસી ગયો છે.

ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરતના ઉંમર પાડામાં 63 મીમી પડયો હતો આ ઉપરાંત નિઝારમાં ર3 મીમી, સાગબારામાં 16 મીમી, લુણાવાડામાં 1પ મીમી વરસાદ પડયો હતો. અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદથી લઇ માત્ર ઝાપટા વરસ્યા હતા આગામી ચાર દિવસ રાજયમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.રાજયમાં આજ સુધીમાં સિઝનનો 79.65 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 135.78 ટકા, ઉતર ગુજરાતમાં 66.78 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 63.39 ટકા, સૌરાષ્ટ્રમાં 109.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 70.08 ટકા વરસાદ પડયો છે.

રાજકોટ જિલ્લાનો કરમાળ ડેમ પણ ઓવરફલો

ડેમનો એક દરવાજો ખોલાયો: હેઠવાસના ગામોને સાવચેત કરાયા

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા સામાન્ય વરસાદ અને છલકાતા નદી નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વાદીપર ગામ પાસે આવેલો કરમાલ ડેમ ઓવરફલો થઇ ગયો છે ડેમના 7 પૈકી એક દરવાજો ખોલી નદીના પટમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હેઠવાસના ગામોને સાવચેત કરાયા છે.

કરમાળ ડેમની ઉંડાઇ 13.10 ફુટ છે. ડેમની જળ સંગ્રહ શકિત 449 એમસીએફટી છે. ગઇકાલે ડેમ ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પ્રથમવાર ઓવરફલો થઇ ગયો હતો. ડેમના સાત દરવાજા પૈકી એક દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો હતો.

કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામ પાસે આવેલો કરમાળ ડેમ ઓવરફલો થતાં ડેમની હેઠવાસમાં આવેલા કોટડાસાંગાણી તાલુકાના કરમાળ પીપળીયા, બગડીયા, વાદીપરા, જસદણ, તાલુકાના દેતળીયા, ઇશ્ર્વરીયા, મોટા દડવા અને ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત કરવામાં આવ્યા છે.

ભાદર ડેમનો હજી એક દરવાજો 0.9 મીટર સુધી ખુલ્લો રાખી પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અનેક ડેમ હજી ઓવરફલો થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.