Abtak Media Google News

ભારતમાં કોરોના વાયરસના કેસો અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 761 નવા કોવિડ-19 કેસ અને 12 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 12 રાજ્યોમાંથી જેએન.1 વેરિઅન્ટના કુલ 619 કેસ નોંધાયા છે. અપડેટ થયેલા ડેટા અનુસાર, દેશમાં એક્ટિવ કોવિડ-19 કેસોની સંખ્યા ગુરુવારે 4,423 થી ઘટીને 4,334 થઈ ગઈ છે.માહિતી અનુસાર, 12 મૃત્યુમાંથી પાંચ કેરળમાં, ચાર કર્ણાટકમાંથી, બે મહારાષ્ટ્રમાંથી અને એક ઉત્તર પ્રદેશમાં થયા છે.

5 ડિસેમ્બર સુધી દૈનિક કેસોની સંખ્યા બે આંકડામાં હતી, પરંતુ ઠંડા હવામાનની સ્થિતિ અને નવા કોરોના પ્રકારના ઉદભવ પછી તેઓ ફરીથી વધવા લાગ્યા છે.

એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો : ગુરુવારે 4423 એક્ટિવ કેસ સામે શુક્રવારે એક્ટિવ કેસની સંખ્યા 4334 થઇ ગઈ

કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે. દેશમાં જેએન-1 વેરિઅન્ટની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તમામ હોસ્પિટલોને જેએન-1 વેરિઅન્ટના વધતા જતા કેસોને કારણે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને શ્વસન સંબંધી બીમારી પર દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે.

દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ જેએન-1 કેસની સંખ્યા વધીને 619 થઈ ગઈ છે. અહેવાલ મુજબ 4 જાન્યુઆરી સુધીમાં કર્ણાટકમાં 199, કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે. તેલંગાણા, હરિયાણામાં 2 અને ઓડિશામાંથી એક-એક કેસ નોંધાયો છે.

એક અધિકારીએ કહ્યું કે, દેશભરમાં જેએન-1 વેરિઅન્ટની સંખ્યા વધી રહી હોવા છતાં, અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચેપગ્રસ્ત મોટાભાગના લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, ઠંડીની ઋતુમાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા અન્ય ત્રણ વાયરસ પણ અસ્તિત્વમાં છે. જે તમામના લક્ષણો કોરોના જેવા જ છે. જેમાં રેસ્પીરેટરી સિન્સિશલ વાયરસ, સીઝનલ ફલૂ, ઇન્ફલુએન્ઝાનો સમાવેશ થાય છે. આ ત્રણેય વાયરસમાં કોરોના માફક જ તાવ, શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ સહીતના લક્ષણો જોવા મળે છે જેથી નિષ્ણાંતો આ પ્રકારની સમસ્યામાં તબીબી સલાહ અને ટેસ્ટ કરાવી લેવાનું સૂચન કરી રહ્યા છે. આ ત્રણ વાયરસ અને કોરોના વાયરસના લક્ષણો વચ્ચે અમુક જ તફાવત જોવા મળે છે.જેથી તાત્કાલિક તબીબી સલાહ લેવી જ હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.