Abtak Media Google News

જમીન સંપાદનમાં મોટુ નુકસાન થતું હોવાની રાવ બાદ રાજય સરકારનો નિર્ણય: સત્તામંડળો હેઠળની જમીન સંપાદનમાં પણ ચાર ગણુ વળતર અપાશે

ગુજરાત સરકારે જંત્રીદરમાં વાર્ષિક ૮ ટકાના ધોરણે વધારો કરવાનો નિર્ણય લીધો છે. જમીન સંપાદનમાં નુકસાન હોવાના દાવા સાથે ખેડુતોએ કરેલા દબાણ બાદ રાજય સરકારે આ નિર્ણય લીધો છે. ૨૦૧૧માં પ્રથમ વખત જે જંત્રીદર નકકી થયા હતા તેને પાયામાં ગણવામાં આવશે.

સરકારના વિવિધ પ્રોજેકટો જેવા કે રેલવે લાઈન, બ્રીજ માટે ખેડુતો કે અન્ય લોકોની જમીનો સંપાદિત થતી હોય છે પરંતુ નીચા જંત્રીદરને યોગ્ય ભાવ મળતા ન હોવાની રાવ સાથે રાજય સરકાર પર ખેડુતો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે જેને પગલે રાજય સરકારે જંત્રીદરનો બજાર ભાવ અમલ કરવા માટેની વિચારણા હાથધરી હતી.

સંપાદિત જમીનમાં જંત્રીદર કરતા ચાર ગણા વળતરની જોગવાઈ વિચારણા હેઠળ રાખવામાં આવી હતી. અંતે ખેડુતોના દબાણના કારણે જંગીદરમાં વાર્ષિક ૮ ટકાના ધોરણે વધારો કરીને સરકારે નમતુ મેલ્યું છે.

મળતી માહિતી મુજબ જંત્રીદરમાં વાર્ષિક ૮ ટકાનો વધારો કરવાની દરખાસ્તને કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. આવકવેરા વિભાગ ૮ ટકાના ધોરણે મુલ્યાંકન કરતું હોવાથી તે મુજબની નીતિ અપનાવાઈ છે. રાજય સરકારના ખેડુતલક્ષી આ નિર્ણયથી જમીનની જંત્રીની કિંમત સરેરાશ ૬૦ ટકા વધશે અને જમીન માલિકોને સંપાદિત જમીનનું ૪ ગણુ વળતર મળશે.

શહેરી સતામંડળો હેઠળ આવતી જમીનના સંપાદનમાં વળતર પેટે બે ગણી રકમ ચુકવવામાં આવે છે જયારે અન્યત્ર વળતર ૪ ગણુ છે જેથી શહેરી સતામંડળ હેઠળની જમીનોની શહેરી જમીનનો દરજજો નહીં ગણીને ૪ ગણુ વળતર આપવાની પ્રબળ માંગણી ઉઠી હતી તેનો પણ સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.