Abtak Media Google News

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુખ્તાવસ્થામાં પહોંચતા જ લોકો તેમના બાળપણને કેમ યાદ કરવા લાગે છે? શા માટે આપણે અચાનક ધન અને સંપતિને બદલે રમતો, રમકડાં, નાની નાની બાળક જેવી પ્રવૃતિઓને ગમાડવા લાગીએ છીએ?તો તેનો જવાબ આપતા નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચના સર્વે અનુસાર, વ્યક્તિ બાળપણથી લઈને 15-16 વર્ષની ઉંમર સુધી સૌથી વધુ ખુશ રહે છે.

Advertisement

આ પછી, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સુખ ઘટતું જાય છે. શા માટે ઉમર વધતા ખુશીઓમાં ઘટાડો થાય છે આ અંગે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીઓ રબારી દિવ્યા અને બાંભણીયા ભૂમિએ અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 910 લોકો પર 6 મહિના સુધી સર્વે કર્યો અને જેમાં નીચે મુજબના તારણો જોવા મળ્યા.

વ્યક્તિ બાળપણમાં સૌથી વધુ રડે છે. જ્યારે તેમને ગમતી વસ્તુ મળતી નથી અથવા કોઈ તેમને ઠપકો આપે છે, ત્યારે બાળકો રડવા લાગે છે. પરંતુ બીજી તરફ, જેમ જેમ તેમને તેમની પસંદગીની વસ્તુઓ મળે છે, તેમના ચહેરા પર ખુશી ફરી વળવા લાગે છે. તેના મનમાં કોઈપણ પ્રકારની ફરિયાદ બાકી નથી. તેઓ આંસુ દ્વારા તેમના બધા દુ: ખ વહાવે છે. કંઈપણ વાતનો સંગ્રહ કરતા નથી.બીજી તરફ, તમે જોશો કે 15-16 વર્ષની ઉંમરે લોકો મોટા થવા અથવા સારા દેખાવા માટે દબાણ અનુભવવા લાગે છે.

સર્વેના તારણો

  • શું વધારે પડતી ચિંતાના કારણે લોકોના જીવનમાં ખુશીનો અભાવ જોવા મળે છે? જેમાં 9% લોકોએ હા જણાવી
  • શું ઉમર વધતા શોખમાં ઘટાડો થતો જોવા મળે છે? જેમાં 4% લોકોએ હા જણાવી
  • જવાબદારીઓ વધે તેમ ખુશીઓમાં ઘટાડો જોવા મળે છે? જેમાં 3% લોકોએ સહમતી જણાવી
  • ઉંમર વધતા વ્યક્તિના મોજ શોખના સાધનો અને પ્રવૃતિઓમાં ઘટાડો થાય છે? જેમાં 70% લોકોએ હા જણાવી
  • નાનપણના શોખ આજે પણ તમે જીવંત રાખી શકો છો? જેમાં 81% લોકોએ નાં જણાવી
  • સામાજિક પરિસ્થિતિના કારણે શું ખુશીમાં ઘટાડો થાય છે? જેમાં 20% લોકોએ હા જણાવી
  • ઉંમર વધતા લોકોના સ્વાસ્થ્ય બગડવાના કારણે ખુશીમાં ઘટાડો થાય છે? જેમાં 85% લોકોએ હા જણાવી
  • શું મૃત્યુનો ભય ખુશીમાં ઘટાડો કરે છે? જેમાં 70% લોકોએ હા જણાવી
  • હોર્મોન્સમાં થતા ફેરફાર ખુશીમાં ઘટાડો કરે છે? જેમાં 56% લોકોએ હા જણાવી
  • નાના બાળકજેમ મોટી ઉમરની વ્યક્તિઓ ખુલીને રોઈ શકે છે? જેમાં 85% એ હા જણાવી
  • વ્યક્તિ વધુ ખુશ કઈ ઉમરે રહી શકે છે? જેમાં 6% એ બાલ્યાવસ્થા, 10% એ તરુણાવસ્થા, 8.3% યુવાવસ્થા અને 1.1% એ વૃદ્ધાવસ્થા જણાવ્યું

રડવાના પણ અનેક ફાયદાઓ હોય છે

અહી વાત વારંવાર રડવાની કે જીદ પૂરી કરવા માટે રડવાની નથી પણ જયારે ચિંતા કે હતાશા અનુભવાય ત્યારે રડવાથી પણ ફાયદાઓ થાય છે જેમ કે નેશનલ આઈ ઇન્સ્ટીટયુટ, નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન અને કાઉન્સેલિંગ દરમિયાન મળતા અનુભવથી જોઈએ તો રડવાથી આંખો સ્વચ્છ થાય છે, બેક્ટેરીયલ ઇન્ફેકશન ઓછુ થાય છે, આંસુ મગજ અને શરીરને રીલેક્સ કરે છે, આંસુ સાથે લવ હોર્મોન પણ સ્ત્રવે છે, દુખ સહન કરવાની ક્ષમતામાં વધારો કરે છે.

એવી બાબતો જે સુખને કે ખુશીને અસર કરે છે

  • તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવી
  • અપેક્ષા મુજબ ઘટનાઓ ન થવી
  • શું થશે તે વિશે વિચારવું
  • લોકો પાસેથી અપેક્ષા
  • ભૂતકાળને યાદ રાખવું
  • ભવિષ્યની સતત ચિંતા કરવી

ઉમર વધતા ખુશીઓ ઘટવાના કારણો?

લોકોએ કહ્યું કે આર્થિક જવાબદારી અને આર્થિક સમસ્યાઓ કરતા માનસિક અને સામાજિક જવાબદારીઓ વ્યક્તિને અંદરથી ભાંગી નાખે છે, ગમતી વ્યક્તિનો સાથ જયારે ન મળે પણ બીજી બધી વસ્તુઓ મળે તો પણ ખુશી નથી મળતી, સમાજ શું કહેશે એ બીકે ઘણી પ્રવૃતિઓ બંધ કરી દેવી પડે છે અને બધા હોવા છતાં એકલતા અનુભવાય છે, ખુશ તો રહેવું દરેકને ગમે છે પણ જવાબદારીઓ એ ખુશી ટકવા દેતી નથી વગેરે કારણો જાણવા મળ્યા

ખુશ રહેવા થોડા સૂચનો

  • તમારી સરખામણી કોઈની સાથે ન કરો
  • કોઈ પાસે ખોટી અપેક્ષા ન રાખો
  • વિધાયક બનો
  • ગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહે તો તેને પણ સ્વીકારો સોશિયલ મીડિયાનો સમય ઓછો કરો
  • મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો
  • તમારા શોખને સમય આપો
  • તમારી જાતને ડેટ કરો
  • યોગ-ધ્યાન-પ્રાણાયામનો અભ્યાસ કરો
  • બીજાઓને મદદ કરો
  • રડવું આવે ત્યારે રડી લ્યો
  • વેરવૃત્તિ ટાળો
  • માફ કરતા શીખો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.