Abtak Media Google News

જીલ્લા કલેકટરને સીધા જ પાઠવાયેલ ઈ-મેઈલ બાદ પુરવઠાનાં જવાબદારોનો ઉઘડો લેવાયો

આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થા બન્યા બાદ સસ્તા અનાજના ધંધામાં ‘મલાઈ’ નિકળી ગઈ હોવા છતાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેપારીઓની બેહદ કનડગત કરાતી હોવાના આરોપ સાથે સસ્તા અનાજના વેપારી દ્વારા ધગધગતો ઈમેઈલ જિલ્લા કલેકટરને મોકલવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અને આ ઈ-મેઈલને પગલે જિલ્લા કલેકટરે જવાબદારોનો ઉધડો લઈ શાનમાં સમજી જવા કડક સુચના આપી હોવાનું પણ બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં સસ્તા અનાજના એક વેપારીને ત્યાં તપાસ બાદ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ઉતાવળે નિર્ણય લઈ તપાસ કર્યાના કલાકોમાં આ વેપારીનું લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતા સસ્તા અનાજના આ વેપારીએ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા કલેકટરને ઈ-મેઈલ મોકલી પુરવઠામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દબાણની નીતિ અપનાવી નાણા પડાવવા ખેલ કરાતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

દરમિયાન સસ્તા અનાજના વેપારી તરફથી આવેલા ઈ-મેઈલને જિલલા કલેકટર દ્વારા ગંભીરતાથી લેવાયો હોવાનું જણાવી ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે જિલ્લા કલેકટર દ્વારા પુરવઠા વિભાગના જવાબદારોને બોલાવી લાલીયાવાડી બંધ કરવા કડક સુચના આપી હતી.

બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થા બની ગઈ હોય ઉપરાંત કેરોસીનનો જથ્થો કપાઈ રહ્યો હોવાથી સસ્તા અનાજના વેપારમાં ‘મલાઈ’ રહી નથી. આમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સસ્તા અનાજના વેપારીઓને જુના સમય મુજબ જ તબતબાવવાનું ચાલુ રાખી મોટી રકમના ઉઘરાણા યથાવત રખાતા વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે અને આ નીતિ ઈ-મેઈલમાં પણ ખુલ્લી પડી હોય પુરવઠાનો ખેલ ખુલ્લો પડી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.