Abtak Media Google News

મોસમનો કુલ ૧૯ ઈંચ વરસાદ સવારથી શહેરમાં વરસાદ ચાલુ

રાજકોટમાં શુક્રવારે દિવસભર ધીમીધારે અને ઝરમર હેત વરસાવ્યા બાદ મધરાત્રે મેઘાએ અનરાધાર વ્હાલ વરસાવ્યું હતું. શહેરમાં ૨૪ કલાક દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ ૧૯ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

કોર્પોરેશનની ફાયર બ્રિગેડના શાખાના ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૪૫ મીમી (મોસમનો કુલ ૪૩૪ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૪૭॥ મીમી (મોસમનો કુલ ૪૬૭॥ મીમી) અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૩૮॥ મીમી (મોસમનો કુલ ૩૫૬॥ મીમી) વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. જયારે હવામાન વિભાગના ચોપડે રાજકોટમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦ મીમી અને મોસમનો કુલ ૪૬૮ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

શુક્રવારે દિવસભર ઝરમર હેત વરસાવ્યા બાદ રાત્રે મેઘરાજાનું જોર વઘ્યું હતું. શહેરીજનો જયારે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે વરૂણદેવ વ્હાલ વરસાવી રહ્યા હતા. બે દિવસથી અવિરત પડી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. આજે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય રાજકોટમાં પણ વરસાદ પડે તેવી સંભાવના જણાઈ રહી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની બે ટીમો બોલાવાઈ

રાજયમાં ભારે વરસાદની આગાહીના પગલે અજમેરથી એનડીઆરએફની બે ટીમ ગુજરાતમાં બોલાવી લેવામાં આવી છે. હાલ રાજયમાં એનડીઆરએફની ૫ ટીમો તૈનાત છે. નવી બે ટીમ આવતાની સાથે કુલ ૭ ટીમો તૈનાત થઈ જશે. છેલ્લા વીસેક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય એનડીઆરએફની ટીમોને કેરલ અને અજમેર ખાતે રાહત બચાવ કામગીરી માટે મોકલી દેવામાં આવી હતી. દરમિયાન આજથી બે દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહીના પગલે અજમેર ખાતે એનડીઆરએફની બે ટીમોને પરત ગુજરાત બોલાવી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.