Abtak Media Google News

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડના પ્રતિનિધિ મંડળ સાથે કલ્પસર ધોલેરા-સરના વિકાસ માટે છ એમઓયુ કરાશે

ખંભાતના અખાતમાં ધોધા-દહેજ વચ્ચે ૩૦ કી.મી. નો બંધ બાંધીને સાત નદીઓના પાણીને દરિયામાં વહી જતા રોકવાની યોજના

કલ્પસર યોજના દ્વારા દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવીને જેમાં ૧૦ હજાર મીલીયન ધનમીટર પાણીનો સંગ્રહ કરીને નહેર મારફતે છ જીલ્લામાં પહોચાડાશે

કલ્પસર યોજના દ્વારા પીવા-સિંચાઇ માટે પાણી, દરિયાઇ ખારાશ અટકાવવા ઉપરાંત ભાવનગર-સુરત વચ્ચે ૧૦ માર્ગીય રોડ બનાવીને સમય અને ઇંધણ બચાવી શકાશે

 

વિશાળ દરિયા કિનારો ધરાવતા સૌરાષ્ટ્રમાં દરિયાઇ ખારાશ વધવાના કારણે પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે વિકરાળ બની રહી છે. જેથી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને નિવારવા અને દરિયાઇ ખારાશને આગળ વધતી અટકાવવા ૧૯૮૦ ના દાયકામાં કલ્પસર સરોવર બનાવવાની યોજના બનાવવામાં આવી હતી. ઘોઘા-દહેજ વચ્ચે આકાર પામનારી દુનિયાના સૌથી મોટા એવા મીઠા પાણીના સરોવરની આ યોજનાથી અનેક લાભો થવાની સંભાવનાઓ વ્યકત થઇ છે.

પરંતુ અનેક કારણોસર આ યોજના વર્ષો સુધી વિલંબમાં મુકામ જવા પામી હતી. જે હવે ટુંક સમયમાં રૂપાણી સરકાર દ્વારા સાકાર થવાની સંભાવના છે. હાલમાં સૌરાષ્ટ-કચ્છ અને ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઇ માટે મુખ્યત્વે નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ અને તેની કેનાલો પર મુખ્ય આધાર છે. પરંતુ ચાલુ વર્ષે મઘ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પણ ઓછું પાણી આવ્યું છે.

જેથી આગામી ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની સંભાવના છે. જેથી રાજયની રૂપાણી સરકારે સરદાર સરોવર બંધના વિકલ્પ સ્વરુપે ૮૦ના દાયકામાં બનેલી કલ્પસર યોજના પર ઝડપભેર કામ કરવાનું નકકી કર્યુ છે.

જેના ભાગરુપે આજથી શરુ થયેલા વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં ભાગ લેવા આવેલા નેધરલેન્ડના પ્રતિનિધિ મંડળ સાથે ‚પાણી સરકારે આ મુદ્દે ચર્ચા કરીને કલ્પસર યોજના અને ધોલેરા સર યોજનાનો વિકાસ કરવા છ એમઓયુ કરવાનો નિર્ણય કર્યો છે. આ તકે વિજયભાઇએ બંદરોના વિકાસ, મેરીટાઇમ અને ભૂર્ગભ ગટર ક્ષેત્રમાં નેધરલેન્ડે કરેલા સંશોધનો ઉપયોગ કરી રાજય સરકાર આ ક્ષેત્રમાં વિકાસ કરી શકશે તેમ જણાવ્યું હતું.

આ અંગે મુખ્યમંત્રીના જળ વ્યવસ્થાના સલાહકાર બી.એન. નવલવાલાએ જણાવ્યું હતું કે કલ્પસર અનોખી અને આ રીતની પહેલી યોજના છે. આ યોજનાને શરુ કરતા પહેલા જેના વિવિધ મુદ્દાઓ પર અભ્યાસ કરવો જરુરી છે. આ અભ્યાસો ટુંક સમયમાં પુરા થઇ જશે અને આ વર્ષના અંત સુધીમાં આ પરિયોજનો વિસ્તૃત રીપોર્ટ અમો તૈયાર કરી શકીશું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાના લાભ, પર્યાવરણ આર્થિક સહીતની અનેક મુદ્દાઓ પર અત્યાર સુધીમાં ૪૩ અભ્યાસો થઇ ચુકયા છે. આ અભ્યાસોના અને સરકારોની અનિચ્છાના કારણે લાંબા સમયથી આ યોજના વિલંબમાં પડી જવા પામી હતી. અત્યાર સુધીમાં આ યોજનાના અભ્યાસ માટે રપ૦ કરોડ રૂપીયાનો ખર્ચ થઇ ચુકયો છે.

આ યોજનાની વાત કરીએ તો, ભાવનગર પાસે ઘોઘા અને સુરત પાસે દહેજ વચ્ચેના દરિયાઇ ખંભાતના અખાતમાં ૩૦ કી.મી.નો બંધ બાંધવાની યોજના હતી.

આ બંધ બાંધવા નર્મદા, સાબરમતિ, મહીસાગર, સુખભાદર, ભોગાવો, ઉતાવળી સહીતની નદીઓના દર વર્ષે દરિયામાં વહી જતાં ૧૦ હજાર મીલીયન ધનમીટર પાણીનું સરોવર બનશે. જે દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે. આ બંધ પર રસ્તા બનાવીને ભાવનગર-સુરત- મુંબઇ વચ્ચેના રસ્તાનું અંતર ઘટાડવાની પણ યોજના છે. ઉપરાંત આ સરોવરમાંથી ભાવનગરના દરિયા કિનારાથી જામનગરના દરિયા કિનારા વિસ્તાર સુધી કેનાલો બનાવીને પીવા અને સિંચાઇ માટે પાણી પહોચાડવાની યોજના છે.

આ કલ્પસર યાજનાના નિર્માણ બાદ તેમાંથી ઉઘોગ માટે વીજળી ઉત્પન્ન  કરવાનો તથા દરિયા કાંઠાના વિસ્તારોમાં આગળ વધતી ખારાશને ઘટાડવાની પણ યોજના બનાવવામાં આવી હતી. આ યોજનાની કેનાલો દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચેક ડેમો બનાવવાની પણ યોજનાઓ પણ બનાવવામાં આવી હતી.

આ યોજના એક જ રાજયમાં બનનારી હોય તેમાં બીજા રાજયોનો વિરોધ શકય નથી. ઉપરાંત, કલ્પસર યોજના દરિયાના અખાતમાં બનનારી હોય ખેડુતોની જમીન સંપાદીત કરવાનો પ્રશ્ન ન હોય જેનો વિરોધ પણ નડવાની સંભાવના ઓછી છે.

આ યોજના ફળીભૂત થાય તો તેમાં સંગ્રહાયેલા ૧૦ હજાર મીલીયન ધનમીટર પાણીમાંથી ૬૫૬૮ મીલીયન ધનમીટર મીઠું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ થવાની શકયતા છે. જેનાથી સૌરાષ્ટ્રના છ જીલ્લાના ૩૯ તાલુકાઓની ૧૦.૫૪ લાખ હેકટર જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થવાની સાથે નદીઓ જીવંત થવાની સંભાવના છે. ઉપરાંત ૬૦ થી વધુ હયાત બંધોને કાયમી ધોરણે પાણીથી ભરી શકાશે. આ બંધ પર રોડ બનાવાથી ભાવનગર- સુરત – મુંબઇ વચ્ચેના અંતરમાં ર૦૦ કી.મી.નો ધટાડો થવાની સંભાવના છે. જેથી સમય ઘટાડો થવાની સંભાવના છે. જેની સમય અને ઇંધણ પણ બચશે આ બંધ પર ૧૦ માર્ગીય રસ્તો બનાવીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સીધું જોડી શકાશે.

દરિયામાં ભરતીના કારણે તેના ખારા પાણી નદીઓના ૬૦ થી ૭૦ કી.મી. સુધીના ક્ષેત્રમાં ધુસી ગયા છે. જેના કારણે ભાવનગર, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા અને ભરુચ જીલ્લાના ૭ લાખ હેકટર જમીનના ભૂગર્ભ જળ ખારા થઇ ગયા છે. આ બંધ બન્યા બાદ આ નદીઓના  સ્ત્રાવ ક્ષેત્રમાં ફકત મીઠું પાણી રહેવાથી ભુર્ગભ જળ પણ ધીમે ધીમે મીઠા થશે. નર્મદા નદીનું પાણી ભાડભૂત ખાતે બેરેજથી કેનાલ મારફતે આ સરોવરમાં વાળવાની યોજના પણ બનાવવામાં આવી છે. જેની આ સરોવરના અંદાજાયેલ રપ૦ વર્ષનો જીવન કાળ વધીને પ૦૦ વર્ષનો થશે.

સૌરાષ્ટ્રના છ જીલ્લાનો પીવાના સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવતી અને દરિયા કાંઠે આગળ વધતી ખારાશને અટકાવનારી આ મહત્વપૂર્ણ યોજન પાછળ હાલમાં અંદાજ મુજબ ૯૦ હજાર કરોડ રૂપીયા.નો ખર્ચ થવાની સંભાવના છે. જેને કાર્યાન્વિત કરવા માટે ૧ર થી ૧પ વર્ષનો સમય લાગે તેમ છે. ‚પાણી સરકાર આ યોજનાને કાર્યરત કરે તો સરકાર સરોવર બાદ રાજયની સૌથી મોટી પાણીની આ યોજના દ્વારા સૌરાષ્ટ્રનો સર્વાગી વિકાસ શકય બને તેમ છે. અને આ યોજના દેશની જ નહી દુનિયાની અભૂતપૂર્વ યોજના બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.