Abtak Media Google News

મોટી સંખ્યામાં લોકોને રકતદાન કરવા અપીલ

રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની કલેકટર ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક સંપન્ન

રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાના હુમલામાં સી.આર.પી.એફ.ના ૪૪ જવાનો શહીદ થયેલ અને અન્ય જવાનોને ઇજા થયેલ છે. આ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવાના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસના ઉપક્રમે અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ તથા સીવીલ હોસ્પીટલના સહયોગથી આગામી તા. ૧૮ તથા ૧૯ ફેબ્રુઆરીના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ કવાર્ટર, મવડી, રાજકોટ ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોને રકતદાન કરવા અપીલ કરવામાં આવેલ છે. જેથી જરૂરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક રકત મળી રહે અને માનવ જીંદગી બચાવી શકાય.

આ ફરિયાદ સંકલન બેઠકમાં ધારાસભ્યોશ્રી ગોવિંદભાઇ પટેલ અને લલીતભાઇ કરગથરા ઉપસ્થિત રહીને તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. અને કલેકટરશ્રીએ પ્રશ્નો સત્વરે ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ કર્યુ હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના અને સબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.