Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અધિકારીએ કોર્પોરેટરને સણસણતો જવાબ આપતા સામાન્ય સભામાં ઉપસ્થિત તમામ સ્તબ્ધ થઈ ગયા હતાં તો વિપક્ષી કોર્પોરેટરની બોલતી બંધ થઈ ગઈ હતી.

જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા આજે બપોરે મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી.સભાની શરૃઆતમાં દેશના જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવી હતી અને બે મિનિટનું પાળવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ મંતવ્ય રજૂ કર્યું હતું કે દેશના શહીદ જવાનોને સહાય માટે આપણે એક માસનો પગાર જમા કરાવવો જોઈએ તેમાં ગૃહના તમામ સભ્યોએ સહમતી દર્શાવતા તમામ નગરસેવકોનો એક માસનો પગાર દેશના શહીદો માટે અર્પણ કરવા નિર્ણય લેવાયો હતો.

આ પછી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષીએ વર્ષ ર૦૧૯-ર૦ નું રૃપિયા ૬રપ કરોડ ૬૬ લાખનું અંદાજપત્ર ગૃહના અધ્યક્ષને રજૂ કર્યું હતું. આ પછી બજેટ અંગે ચર્ચાઓ શરૃ કરવામાં આવી હતી. બજેટની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષી કોર્પોરેટર અસ્લમ ખીલજીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડીંગ કમિટીએ વિકાસની ચાલતી ગાડી દર્શાવી છે, પરંતુ તેમાં ખરા ઉતરો તો સાચું કહેવાય. બજેટને વર્ષોથી કોપી-પેસ્ટ કરવામાં આવે છે. ફક્ત આંકડા બોલે લે. બજેટમાં આંકડાની રકમ પણ મોટી બનાવવામાં આવે છે, પરંતુ હકીકતે આવક અડધી જ થતી હોય છે.

હદ વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારો પણ રિબેટ યોજનાની મુદ્ત વધારી છે, પરંતુ આ વેરો ર૦૧૩ થી વસૂલવા નોટીસો અપાઈ છે. જેમના દસ્તાવેજો ર૦૧૬અથવા ર૦૧૭ માં થયા છે. તે કેવી રીતે છેલ્લા પાંચ-સાત વર્ષને ટેક્સ માટે આ અન્યાય છે.

ટેક્સ ઉઘરાવવો હોય તો વર્ષ ર૦૧પ પછીના વર્ષથી ઉઘરાવવો જોઈએ, આ બજેટમાં શાક માર્કેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ લાખોના ખર્ચે બનાવાયેલી અને ધૂળ ખાતી ગુલાબનગર શાક માર્કેટ શા માટે ચાલુ કરવામાં આવતી નથી. નવી શાક માર્કેટ ક્યાંય પણ બનાવવામાં આવે, પરંતુ વિપક્ષને વિશ્વાસમાં લેવાય તો સારૃ રહેશે.

તમામ કોર્પોરેટરોને ર૦ લાખની ગ્રાન્ટ આપવાનું પ્રયોજન દર્શાવાયું છે, પરંતુ આજ સુધીમાં કુલ દસ લાખ પણ મળ્યા નથી. આ પછી ચર્ચામાં ઉતરેલા વિપક્ષી નગરસેવક આનંદ રાઠોડ આ બજેટને તારક મહેતાના ઉલટા ચશ્મા સમાન ગણાવ્યું હતું અને સ્માર્ટ સિટી અંગે એક કવિતા રજૂ કરી હતી.

આનંદ રાઠોડે પણ નવા ભળેલા વિસ્તારમાંથી વર્ષ ર૦૧૩ થી ટેક્સ વસૂલવા સામે નારાજગી દર્શાવી હતી અને સુવિધા વગર ઉઘરાવતા ટેક્સનો વિરોધ કર્યો હતો. મહાનગરપાલિકા ઉપર લોન, વ્યાજના ભારણ અને કેટલાક ચોક્કસ વિસ્તારમાં ટેક્સનું ભારણ ઘટાડવાની ચર્ચા કરતા જામનગર મહાનગરપાલિકાના ચિફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મળએ જવાબ આપતા જ ગૃહમાં સોંપો પડી ગયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં કોઈ નવી લોન લેવામાં આવી નથી. જે રકમ ચૂકવવાની છે તે જુની છે. રહી વાત વિકાસની તો ટેક્સ ભરો તો વિકાસ થઈ શકે. પૈસા વગર કાંઈ થાય નહીં. સરકાર વિકાસ માટે ગ્રાન્ટ આપે પગાર માટે નહીં, માટે પહેલા ટેક્સ ભરપાઈ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. અધિકારીએ અંતમાં જણાવ્યું હતું કે એક તરફ ટેક્સ માફીની માંગ કરો છો, બીજી તરફ સુવિધા માંગી રહ્યા છો. સુવિધા ત્યારે જ મળે જ્યારે ટેક્સના પૈસા મહાપાલિકાની તિજોરીમાં જમા થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.