Abtak Media Google News

ગાજ્યા મેઘ વરસશે?

ગૃહરાજયમાં ભાજપ સામે પડકાર ઉભો કરવા જતા કોંગ્રેસ માટે તેમના અસ્તિત્વ સામે પડકાર ઉભો થઈ ગયો છે!!!

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભાજપની સુપ્રીમ જોડી ને તેમના ગૃહરાજયમાં ઘેરવા આજે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. ગુજરાતમાં છ દાયકા બાદ યોજાનારી આ બેઠકમાં ભાગ લેવા દેશભરમાંથી વરિષ્ઠા કોંગ્રેસી આગેવાનો ગુજરાત આવ્યા છે. કોંગ્રેસ આ વર્કીંગ કમિટીની બેઠકનાં આયોજન દ્વારા ભાજપનો ગઢ તોડવા માટે પ્રયત્નો કરવાની હતી. પરંતુ જે રીતે બેઠક પૂર્વે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા તેને જોતા કોંગ્રેસને ભાજપ માટે પડકાર ઉભો કરવાનાં બદલે પોતાના અસ્તિત્વ બચાવવાનો પ્રશ્ર્ન ઉભો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

અખિલ ભારતીય કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક સવારે ૧૦.૩૦ કલાકે અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિસ્મારક ખાતે યોજાઈ હતી. ગુજરાતમાં ૫૮ વર્ષ બાદ યોજાનારી આ બેઠકમાં ભાગ લેવા માટે યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા વાઢરા, પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગ, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે, રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સહિતના દેશભરમાંથી કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ આ બેઠકમાં ભાગ લઈને લોકસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટીનો વ્યૂહ ઘડયો હતો.

જે બાદ બપોર પછી અડાલજમાં આવેલા ત્રિમંદિરના મેદાનમાં જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ સંબોધીને વિવિધ મુદે મોદી સરકારની ઝાટકણી કાઢીને ‘ચોકીદાર હી ચોર હૈ’ સુત્રને પ્રબળ બનાવ્યું હતુઆ જાહેરસભામાં રાજયભરમાંથી હજારો કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો ઉમટી પડયા હતા. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં રાહુલે એકલા હાથે પ્રચારની કમાન સંભાળીને કોંગ્રેસને ૭૮ બેઠકો અપાવી સન્માનજનક સ્થાને પહોચાડી હતી.

પરંતુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં પ્રબળ બનેલી જુથબંધીના કારણે કોંગ્રેસને ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ રહેતા ચાર ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. હજુ અનેક કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માટે લાઈનમા હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે જયારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોદી -શાહના ગૃહરાજયમાં પડકારવું કોંગ્રેસને ભારે પડી રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. જે રીતે ભાજપ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને ખેડવી રહ્યું છે તેને જોતા ભાજપ સામે પડકાર ઉભો કરવા જતા કોંગ્રેસને પોતાના અસ્તિત્વ સામે પડકાર ઉભો થઈ ગયાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

જામનગર બેઠક પરથી હાર્દિકને લડાવશે કોંગ્રેસ?

Hardik Patel

પાટીદાર અનામત આંદોલન દ્વારા રાજયભરનાં પાટીદારોમાં છવાઈ ગયેલા યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જન સંકલ્પ રેલી દરમ્યાન હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા. આ પહેલા હાર્દિકન કોંગ્રેસ પાર્ટી ઈચ્છે તો તેમને જામનગરની સીટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી. જે રીતે હાર્દિકની કોંગ્રેસે હાઈકમાન્ડ પર પકડ છે તે જોતા તેમની કોંગ્રેસની જામનગરની ટીકીટ નિશ્ચીત મનાઈ રહી છે.

ભાજપ આ બેઠકની ટીકીટ આહિર અથવા ક્ષત્રીયને આપીને સૌરાષ્ટ્રમાં ચાલતા જ્ઞાતિવાદના રાજકારણને બેલેન્સ કરવા માંગે છે. જેના ભાગરૂપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાને તાજેતરમાં ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. પરંતુ આ બેઠક પર ભાજપી ધારાસભ્ય હકુભા જાડેજા પણ પ્રબળદાવેદાર હોય તેમની દાવેદારી પૂરી કરવા તાજેતરમાં તેમને રાજયકક્ષાના મંત્રી બનાવીને બેસાડી દેવામાં આવ્યા હતા. જેથી હવે જામનગરની બેઠક માટે બે દાવેદારો મનાય છે. જેમાના એક છે વર્તમાન સાંસદ પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા ભાજપે જ્ઞાતિવાદી વોટબેંકના રાજકારણને અંકે કરવા સથવારા જ્ઞાતિના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવીને કેસરીયા કરાવ્યા હતા. જેથી કોંગ્રેસ પક્ષે હવે આ બેઠક પર પાટીદાર ઉમેદવાર ઉતારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેથી પાટીદાર ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાસે મજબુત દાવેદાર ન હોય હાર્દિકની ટીકીટ નિશ્ચીત મનાય છે.

પરંતુ પાસમાંથી આવતા હાર્દિકને ટીકીટ આપવાથી કોંગ્રેસના પાયાના આગેવાનો, કાર્યકરો નારાજ થાય તેવી સંભાવના છે. ઉપરાંત પાટીદાર અનામત આંદોલનની જામનગર જિલ્લામાં નહિવત અસર હતી.જેથી હાર્દિક પાસે પણ પોતાના પાસના કાર્યકરોની ખાસ મોટી ટીમ જામનગરમાં નથી. જેથી હાર્દિકને ટીકીટ આપી કોંગ્રેસ માટે પણ અનેક પ્રશ્ર્ન ઉભા થાય તેમ છે. જો હાર્દિક સ્વબળે ચૂંટણી જીતી બતાવશે તો રાજકારણમાં છવાઈ જશે નહિતર તેની રાજકીય કારકીર્દીનું બાળમરણ થઈ જશે તે નિશ્ચીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.