Abtak Media Google News

ટ્રક, ડમ્પર, ટ્રેકટર કે રેકડામાં ભરેલો કચરો ઉડશે તો પણ દંડ વસુલાશે: જાહેરાતનાં ચોપાનીયા, બેનર જાહેરમાં ફેંકવા પર કે મહાપાલિકાની મિલકત પર લગાડનાર પણ દંડાશે

શહેરમાં વાહનની અવર-જવર સુચારૂરૂપે અને વિના વિક્ષેપે થાય તેનાં માટે શહેરનાં મુખ્ય ૪૮ રાજમાર્ગો પૈકી પ્રથમ તબકકામાં ૧૨ રાજમાર્ગો પર કાયમી કે હંગામી દબાણ અથવા નિયત કરેલા સ્થળ સિવાયની જગ્યાએ આડેધડ પાર્કિંગ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં રાજમાર્ગો પરથી પસાર થતાં ટ્રક, ડમ્બર, ટ્રેકટર, ગાડા, છકડા અને ઉંટ ગાડી સહિતનાં વાહનોમાંથી જો કચરો ઉડતો હશે તો તેની પાસેથી પણ આકરો દંડ વસુલ કરવામાં આવશે. કોઈપણ કોમર્શીયલ જાહેરાતનાં ચોપાનીયા, બેનર, સ્ટીકર વગેરે જાહેરમાં ફેંકનાર કે મહાપાલિકાની મિલકત પર ગેરકાયદે ચોટાડનાર પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરનાં મુખ્ય ૪૮ પૈકી પ્રથમ તબકકે ૧૨ રાજમાર્ગો પર લારી-ગલ્લા દ્વારા હંગામી કે કાયમી દબાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયત કરાયેલા પાર્કિંગનાં સ્થળ સિવાય આડેધડ પાર્કિંગ પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રાજમાર્ગોમાં ગ્રીનલેન્ડ ચોકડીથી હોસ્પિટલ ચોક, હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી, હોસ્પિટલ ચોકથી ત્રિકોણબાગ, ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી, બીઆરટીએસ અને ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રોડ, રૈયા રોડ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. અહીં હંગામી કે કાયમી દબાણ કરનાર પાસેથી રેકડીનાં રૂા.૫૦૦ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવશે અને જપ્ત કરાયા બાદ રેકડી ૬૦ દિવસ પછી છોડાશે જયારે કેબિન હશે તો રૂા.૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે અને જપ્ત કરાયા બાદ ૬૦ દિવસ પછી છોડવામાં આવશે.

ઉકત ૧૨ રાજમાર્ગો પર નિયત સ્થળે પાર્કિંગ કરવાનું રહેશે અને આ માટે પાકિર્ંગનો દર પણ ચુકવવાનો રહેશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓએ પાર્કિંગ તેઓનાં પ્રિમાઈસીસની અંદર જ કરવાનું રહેશે. નિયત કરેલા સ્થળ સિવાય જો પાર્કિંગ કરવામાં આવશે તો બસ, જેસીબી, ડમ્પર સહિતનાં હેવી વ્હીકલ પાસેથી રૂા.૫૦૦૦, મોટર, જીપ સહિતનાં લાઈટ વ્હીકલ પાસેથી રૂા.૧૦૦૦ અને મોટર સાયકલ તથા સ્કુટર સહિતનાં ટુ-વ્હીલર પાસેથી રૂા.૫૦૦ ચાર્જ વસુલ કરવામાં આવશે. આ દર બીઆરટીએસ રૂટ પર પણ લાગુ રહેશે જયારે બીઆરટીએસ રૂટ સિવાયનાં અન્ય રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ માટે હેવી વ્હીકલસનાં રૂા.૧૦૦૦, લાઈટ વ્હીકલનાં રૂા.૫૦૦ અને ટુ-વ્હીલરનાં રૂા.૨૦૦ દંડ વસુલ કરવામાં આવશે જો બીજી વખત કોઈ વાહન ચાલક આવું કરતા પકડાશે તો તેની પાસેથી અનુક્રમે રૂા.૫૦૦૦, રૂા.૧૦૦૦ અને રૂા.૫૦૦નો દંડ વસુલ કરવામાં આવશે.

મહાપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા પર ટ્રક, ડમ્પર, ટ્રેકટર, રેકડા, ગાડા, છકડા, ઉંટગાડી તથા રેકડીમાં કચરો, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડીંગ મટીરીયલ વેસ્ટ ભરેલો હોય અને તે રસ્તા પર વેરાતો કે ઉડતો માલુમ પડશે અથવા કોઈ રાહદારીની આંખમાં ઉડે, વાગે કે નુકસાન થાય તે રીતે ભરેલો હશે તો રૂા.૫૦૦ થી લઈ ૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે જયારે કોઈપણ કોમર્શીયલ જાહેરાતનાં ચોપાનીયા, પોસ્ટર, સ્ટીકર, બેનર વગેરે જાહેરમાં કોઈપણ સ્થળે ફેંકવામાં આવશે કે મહાપાલિકાની કોઈપણ મિલકત પર ગેરકાયદે ચોંટાડવામાં આવશે તો રૂા.૩૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, નિયત મંજુરી સિવાય જાહેર રસ્તા કે ખાનગી મિલકત પર હોર્ડિંગ્સ બોર્ડ કે સાયનેસ્ટ ઉભા કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેનો ભંગ કરનાર સામે ધ જીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ૨૪૪ અને ૨૪૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જેમાં ૧૦૧૦નાં સાઈઝનાં હોડિર્ંગ્સ બોર્ડ માટે પ્રતિદિવસ પ્રતિ બોર્ડ રૂા.૧૦૦૦ અને ૧૦૧૦થી વધારે સાઈઝનાં હોર્ડિંગ્સ બોર્ડ માટે પ્રતિદિવસ પ્રતિ બોર્ડ રૂા.૫૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે. વિવિધ રાજમાર્ગો પર દબાણ અને ગેરકાયદે પાર્કિંગ માટે અગાઉ જે પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા તે આ જાહેરનામાની અમલવારી થતા રદ કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.